સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના તાજેતરના ચુકાદાઓ તેમજ કલમ 73, 74 અને 74A અંગે નિષ્ણાતોનું માર્ગદર્શન
અમદાવાદ: ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસિએશન દ્વારા આયોજિત પ્રથમ અનિલ શેઠ મેમોરિયલ રિફ્રેશર કોર્સનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ શૈક્ષણિક કાર્યક્રમમાં ટેક્સ પ્રેક્ટિશનર્સ અને GST ક્ષેત્ર સાથે સંકળાયેલા સભ્યોને તાજેતરના ન્યાયિક નિર્ણયો અને GST કાયદાની મહત્વપૂર્ણ જોગવાઈઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ રિફ્રેશર કોર્સમાં મુખ્યત્વે બે મહત્વપૂર્ણ વિષયો પર નિષ્ણાત વક્તાઓ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. પ્રથમ સત્રમાં એડવોકેટ ઉચિત શેઠ દ્વારા સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઇકોર્ટના તાજેતરના ન્યાયિક ચુકાદાઓની કરવ્યવસ્થા પર થતી અસરો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાજેતરના જ્યુડિશિયલ પ્રોનાઉન્સમેન્ટ્સને ધ્યાનમાં રાખીને કરદાતાઓ અને ટેક્સ પ્રોફેશનલ્સે કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ તે અંગે પણ તેમણે ચર્ચા કરી હતી.
બીજા સત્રમાં એડવોકેટ (CA) અભય દેસાઈ દ્વારા GST કાયદાની અત્યંત મહત્વપૂર્ણ કલમ 73, 74 અને નવી કલમ 74A વચ્ચેના ઇન્ટરપ્લે અંગે વિગતવાર સમજણ આપવામાં આવી હતી. GST હેઠળ ડિમાન્ડ અને રિકવરી સંબંધિત જોગવાઈઓમાં થતા ફેરફારો અને તેની પ્રેક્ટિકલ અસર અંગે ઉપસ્થિત સભ્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસિએશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ટેક્સ પ્રોફેશનલ્સ, GST પ્રેક્ટિશનર્સ તથા એસોસિએશનના સભ્યોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ટેક્સ ક્ષેત્રમાં સતત બદલાતા કાયદા, ન્યાયિક અભિપ્રાયો અને વ્યવહારુ મુદ્દાઓ અંગે પ્રોફેશનલ્સને અદ્યતન માહિતી ઉપલબ્ધ કરાવવાનો હતો.
આ તકે સંસ્થાના મુખપત્ર સેલ્સ ટેક્સ જર્નલનું પ્રથમ “ઈ વર્ઝન” પણ સભ્યો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ “ઈ વર્ઝન” વિષે સભ્યોને ઉપયોગી માહિતી સંસ્થાના વેબસાઈટ કમિટીના કન્વેનર લલીતભાઈ ગણાત્રા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યેક્રમમાં સંસ્થાના નવા સભ્યોને સભ્યપદના સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમના આયોજનમાં એસોસિએશનના હોદ્દેદારોનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. પ્રમુખ દેવકરણ વાઘાસિયા, માનદ સચિવ નિખિલ ગાંધી અને બાબુભાઈ ઓઝા તેમજ કન્વીનર્સ સી. ડી. પટેલ અને નીતિન ઠક્કર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે નોંધપાત્ર આયોજન કરવામાં આવ્યું હતું.