સુપ્રીમ કોર્ટનો વેપારીની તરફેણમાં મહત્વનો ચુકાદો: માત્ર “ફ્રોડ” નો ઉલ્લેખ કરવાથી કલમ ૭૪ હેઠળની નોટીસ આપી શકાય નહિ
GST નોટિસમાં માત્ર ‘Fraud’ લખવાથી કામ નહીં ચાલે, નોટીસમાં ફ્રોડના દાવાના સમર્થનમાં કારણો-પુરાવા આપવા જરૂરી
તા. ૦૧.૦૯.૨૦૨૬: GST કર વ્યવસ્થામાં કરદાતાને નોટિસ આપવી એ માત્ર ઔપચારિક પ્રક્રિયા નથી. નોટિસમાં કયા આરોપો મૂકવામાં આવ્યા છે અને તેના માટે કયા તથ્યો અને આધાર છે, તે જાણવું કરદાતાના કાયદાકીય હકો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ જ મુદ્દે સુપ્રીમ કોર્ટે 19 ઓગસ્ટ 2026ના રોજ આપેલા એક મહત્વપૂર્ણ ચુકાદામાં GST વિભાગને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે Section 74 હેઠળ કાર્યવાહી કરવા માટે માત્ર ‘fraud’, ‘wilful misstatement’ અથવા ‘suppression of facts’ જેવા શબ્દોનો યાંત્રિક ઉપયોગ પૂરતો નથી.
સુપ્રીમ કોર્ટની બેન્ચ જસ્ટિસ J.B. Pardiwala અને જસ્ટિસ K. Vinod Chandran ની બેંચ દ્વારા M/s G.R. Infra Projects Limited, Ratlam v. State of Madhya Pradesh & Others કેસમાં મધ્યપ્રદેશ GST વિભાગ દ્વારા આપવામાં આવેલ Show Cause Notice (SCN) રદ કરી દીધી હતી. કોર્ટે રાજ્ય સરકારને આ નોટિસના આધારે આગળ કોઈ કાર્યવાહી નહીં કરવા પણ નિર્દેશ આપ્યો છે.
વિવાદ ક્યાંથી શરૂ થયો?
કેસમાં કરદાતા સામે Assessment Year 2018-19 માટે 13 જૂન 2025ના રોજ જી.એસ.ટી.કાયદાની કલમ 74 હેઠળ Show Cause Notice આપવામાં આવી હતી. કરદાતાની મુખ્ય દલીલ હતી કે Section 74 હેઠળ નોટિસ ત્યારે જ આપી શકાય જ્યારે fraud, wilful misstatement અથવા suppression of facts જેવા ગંભીર આરોપો કરવામાં આવ્યા હોય અને આ આરોપો નોટિસમાંથી જ સ્પષ્ટ રીતે બહાર આવતા હોવા જોઈએ.
કરદાતાએ વધુમાં દલીલ કરી કે સામાન્ય પરિસ્થિતિમાં Section 73 હેઠળ કાર્યવાહી કરવાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હતી. તેથી બાદમાં Section 74નો આશરો લઈને સમયમર્યાદા વધારવાનો પ્રયાસ કાયદેસર રીતે યોગ્ય ન ગણાય.
બીજી તરફ, રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ રજૂ કરેલા counter affidavitમાં fraud અને suppression of facts સંબંધિત આરોપોને વિસ્તૃત રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલે કે, વિભાગનું કહેવું હતું કે ભલે SCNમાં વિગતો મર્યાદિત હોય, પરંતુ કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા જવાબમાં આરોપોના આધાર સમજાવવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટનું તારણ:
કરદાતા અને જી.એસ.ટી. વિભાગ બન્નેની દલીલ સાંભળી સુપ્રીમ કોર્ટ દ્વારા કરદાતાના પક્ષને સાચો માનવામાં આવ્યો હતો. જી.એસ.ટી. વિભાગની દલીલ સુપ્રીમ કોર્ટે સ્વીકારી નહીં. સુપ્રીમ કોર્ટની બેંચ દ્વારા સ્પષ્ટ રીતે પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું કે જી.એસ.ટી. કાયદાની કલમ ૭૪ હેઠળની કરચોરીનો આક્ષેપ કરતી નોટીસ જ કરચોરી અંગે વિગતો આવતી હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે જ્યારે કોઈ સરકારી સત્તાધિકારી નોટિસ કે આદેશ જારી કરે છે, ત્યારે તેને કાયદેસર બનાવવા માટે જરૂરી બાબતો તે નોટિસ અથવા આદેશમાં જ હોવી જોઈએ. જો નોટિસમાં જરૂરી વિગતો નથી, તો બાદમાં કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલા counter affidavit દ્વારા તે ખામી દૂર કરી શકાતી નથી.
આ સિદ્ધાંત GST ઉપરાંત વહીવટી કાયદાના (એડ્મીનીસટ્રેટીવ) દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે. કરદાતાને કયા આક્ષેપ કે આરોપનો જવાબ આપવાનો છે તે શરૂઆતથી જ ખબર હોવી જરૂરી છે. સરકાર પહેલા નોટિસમાં એક સામાન્ય આરોપ મૂકે અને પછી કોર્ટમાં તેનો વિસ્તાર કરે—આ પ્રકારની પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટ દ્વારા અમાન્ય ઠેરવવામાં આવેલ છે.
જી.એસ.ટી. કાયદા હેઠળ Section 73 અને Section 74 વચ્ચેનો મૂળભૂત તફાવત
GST કાયદામાં Section 73 અને Section 74 બંને tax short payment, non-payment અથવા erroneous refund જેવી પરિસ્થિતિઓ સાથે સંબંધિત છે. પરંતુ બંને વચ્ચે એક મહત્વપૂર્ણ તફાવત છે.
Section 73 એવી પરિસ્થિતિ માટે છે જ્યાં tax short paid અથવા not paid હોય, પરંતુ તેનું કારણ fraud, wilful misstatement અથવા suppression of facts ન હોય.
જ્યારે Section 74માં આ ગંભીર પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. તેથી Section 74 હેઠળ વિભાગને વધુ લાંબી સમયમર્યાદાનો લાભ મળે છે.
આથી, કોઈ કેસ Section 73ની સામાન્ય સમયમર્યાદા બહાર નીકળી ગયો હોય ત્યારે માત્ર સમયમર્યાદા બચાવવા માટે Section 74નો આશરો લેવો હોય તો વિભાગે તેના માટે મજબૂત અને સ્પષ્ટ આધાર દર્શાવવો જરૂરી છે.
વેપાર જગત માટે આ ચુકાદો કેમ છે મહત્વનો?
આ ચુકાદા અંગે વાત કરતા એડવોકેટ ભાર્ગવ ગણાત્રા જણાવે છે કે “સુપ્રીમ કોર્ટની ડીવીઝન બેંચ દ્વારા આપવામાં આવેલ આ ચુકાદો વેપાર જગત માટે ખુબ મહત્વ ધરાવે છે. અનેક કિસ્સામાં એવું સામે આવતું હોય છે કે જી.એસ.ટી. ડીપાર્ટમેન્ટ દ્વારા જી.એસ.ટી. કાયદા હેઠળ કલમ ૭૩ હેઠળ નોટીસ આપવાની સમયમર્યાદા જતી રહી હોય ત્યારે કરદાતા વિરુદ્ધ કોઈ પણ પુરાવા વગર કલમ ૭૪ હેઠળ કરચોરીની નોટીસ આપવામાં આવતી હોય છે. આ નોટીસમાં કરચોરીનો માત્ર ઉલ્લેખ કરી કરચોરીની બાબતમાં આપવામાં આવતી વધારાની સમયમર્યાદાનો ગેરઉપયોગ કરી આપવામાં આવતી હોય છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી આ નોટિસમાં કરદાતા ઉપર કરચોરીનો માત્ર ઉલ્લેખ કરીને “ફ્રોડ, વિલફુલ મિસસ્ટેત્મેન્ટ ઓર સપ્રેશન ઓફ ફેક્ટસ” નો કેસ છે એવું જણાવીને કલમ ૭૪ નો ઉપયોગ કરવામાં આવે ત્યારે આ અંગે કોઈ વધારાના કારણો તથા વિગતો પૂરી પાડવી અધિકારી માટે જરૂરી બનશે. ઉલ્લેખનીય છે કે આજ મુદ્દા ઉપર તાતા સ્ટીલના કેસમાં પણ આજ મુદ્દા ઉપર કરદાતાની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો છે”.
સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો GST વિભાગ માટે પણ એક મહત્વપૂર્ણ તાકીદ છે જે સ્પષ્ટ કરે છે કે નોટીસ આપવામાં આવેલ “લીમીટેશનનો પ્રશ્ન માત્ર “ટેકનીકલ ફોર્માલીટી” નથી. જ્યારે Section 74 હેઠળ વધારાની સમયમર્યાદાનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેના માટે જરૂરી કરચોરીના આક્ષેપની વિગતો નોટિસમાં સ્પષ્ટ રીતે દર્શાવવી જરૂરી બનશે.
G.R. Infra Projectsનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો માત્ર એક કંપનીની GST નોટિસ રદ કરવાનો નિર્ણય નથી. તે GSTની adjudication પ્રક્રિયામાં natural justice, application of mind અને statutory limitationના મહત્વને ફરીથી રેખાંકિત કરતો “લેન્ડમાર્ક” ચુકાદો ગણી શકાય.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તારીખ ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ પ્રકાશિત થયેલ છે.)
