ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ક્યારે બને ઓડીટ કરાવવું ફરજીયાત??
ધંધા કે વ્યવસાયની આવક ધરાવતા કરદાતા માટે ઓડીટ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં કરાવવાનું રહે છે
તા. ૧૨.૦૯.૨૦૨૬: ભારતમાં ધંધો કે વ્યવસાય કરતા કરદાતા માટે આવકવેરા કાયદાનું પાલન માત્ર Income Tax Return ભરવા પૂરતું મર્યાદિત નથી. ધંધા કે વ્યવસાયનું ટર્નઓવર, નફાનો દર, રોકડ વ્યવહારો અને કરદાતાએ વગેરે બાબતો પરથી તેઓ ટેક્સ ઓડીટ કરાવવા પણ જવાબદાર બને છે. આજે આ લેખમાં ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ઓડીટ કરાવવું કરદાતા માટે ક્યારે ફરજીયાત છે તે અંગે ચર્ચા કરવામાં આવેલ છે.
ઘણા વેપારીઓમાં એવી સામાન્ય માન્યતા જોવા મળે છે કે “ટર્નઓવર 1 કરોડ રૂપિયા થાય એટલે ઓડિટ કરાવવું ફરજિયાત બની જાય છે.
Tax Audit એટલે શું?
Income Tax હેઠળ Tax Auditનો મુખ્ય હેતુ કરદાતાના હિસાબી ચોપડા, વ્યવસાયિક આવક અને ખર્ચની તપાસ કરીને તે ખાતરી કરવાનો છે કે કરદાતાએ Income Tax Actની વિવિધ જોગવાઈઓનું યોગ્ય પાલન કર્યું છે કે નહિ. Tax Audit સામાન્ય રીતે Chartered Accountant દ્વારા કરવામાં આવે છે. Audit પૂર્ણ થયા બાદ Tax Audit Report Income Tax Departmentના પોર્ટલ પર ઇલેક્ટ્રોનિક રીતે અપલોડ કરવામાં આવે છે.
કલમ 44AB હેઠળ Tax Audit ક્યારે ફરજિયાત બને?
Income Tax Actની કલમ 44AB ધંધાકીય આવક ધરાવતા કરદાતા માટે Tax Auditની જોગવાઈ કરે છે.
1. વ્યવસાય માટે સામાન્ય Turnover Limit
સામાન્ય રીતે, જો કોઈ વ્યક્તિ અથવા સંસ્થાના વ્યવસાયનું કુલ વેચાણ, Gross Receipts અથવા Turnover નિર્ધારિત મર્યાદા કરતાં વધારે હોય તો Tax Audit ફરજિયાત બને છે.
વર્તમાન જોગવાઈ મુજબ ધંધા માટે સામાન્ય Tax Audit Limit રૂ. 1 કરોડ છે.
એટલે કે, સામાન્ય પરિસ્થિતિમાં વ્યવસાયનું Turnover રૂ. 1 કરોડ કરતાં વધુ હોય તો કલમ 44AB હેઠળ Tax Audit કરાવવું પડે.
પરંતુ અહીં એક અત્યંત મહત્વપૂર્ણ છૂટછાટ આપવામાં આવી છે.
સરકાર દ્વારા Digital Transactionsને પ્રોત્સાહન આપવા માટે Tax Auditની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.
જો વ્યવસાયની નીચે દર્શાવેલી બન્ને શરતો પૂર્ણ થાય તો Tax Auditની મર્યાદા રૂ. 1 કરોડને બદલે રૂ. 10 કરોડ સુધી થઈ શકે છે.
શરત નંબર 1:
વર્ષ દરમિયાન કુલ Cash Receipts ટર્નોવરના 5 ટકાથી વધુ ન હોવા જોઈએ.
શરત નંબર 2:
વર્ષ દરમિયાન કુલ Cash Payments ધંધાના કુલ ચુકવણીના 5 ટકાથી વધુ ન હોવા જોઈએ.
જો બંને શરતોનું પાલન થાય તો વ્યવસાય માટે Tax Auditની મર્યાદા ૧ કરોડના બદલે રૂ. 10 કરોડ સુધી બની જાય છે.
ટર્નોવર ઓછુ હોવા છતા ઓડીટ કરાવવું કયારે જરૂરી બની શકે છે??
ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ધંધાકીય આવક ધરાવતા નાના કરદાતાઓ માટે અંદાજીત આવક યોજના કલમ ૪૪AD, ૪૪ADA હેઠળ આપવામાં આવેલ છે. આ યોજના હેઠળ ધંધાકીય આવક ધરાવતા કરદાતાએ પોતાના ટર્નોવરના ૮% (બેંક દ્વારા રીસીપ્ટ હોય તે કિસ્સામાં ૬%) નફો દર્શાવવો ફરજીયાત છે. તેવી જ રીતે ડોક્ટર, એડવોકેટ, એન્જીનીયર જેવા કોઈ પ્રોફેશન (વ્યવસાયિક) સાથે જોડાયેલ કરદાતાએ પોતાના ફી રીસીપ્ટના ૫૦% નફા તરીકે દર્શાવવો ફરજીયાત છે. અંદાજીત આવક યોજના હેઠળ માન્ય હોય તેવા ઉપર જણાવેલ કરદાતા આ કલમોની મર્યાદાથી ઓછો નફો છે તેવું જાહેર કરે તો તેમના માટે ટર્નોવર ૧ કરોડથી ઓછુ હોવા છતાં ઓડીટ કરાવવા જવાબદાર બની જાય છે.
કોઈ કરદાતા કોઈ એક વર્ષ માટે અંદાજીત આવક યોજના હેઠળ માન્ય હોય અને તેઓ આ યોજના હેઠળ આવક દર્શાવવાના બદલે ઓડીટનો વિકલ્પ પસંદ કરે તો જે વર્ષમાં આ વિકલ્પ પ્રથમ વખત પસંદ કરવામાં આવેલ હોય તે સહીત અગામી પાંચ વર્ષ માટે ઓડીટ કરાવવું ફરજીયાત બની જાય છે.
Tax Audit સમયસર ન કરાવવાથી શું નુકસાન થઇ શકે છે?
જો Tax Audit ફરજિયાત હોવા છતાં કરદાતા સમયસર Audit ન કરાવે તો Income Tax Act હેઠળ દંડની જોગવાઈ લાગુ થઈ શકે છે. કલમ 271B હેઠળ સામાન્ય રીતે Tax Audit ન કરાવવાના કિસ્સામાં દંડની જોગવાઈ છે. દંડ Turnover અથવા Gross Receiptsના નિર્ધારિત પ્રમાણમાં હોઈ શકે છે અને મહત્તમ મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. સામાન્ય રીતે દંડ Turnover અથવા Gross Receiptsના 0.5 ટકા સુધી, મહત્તમ રૂ. 1,50,000 સુધી હોઈ શકે છે, જો કે યોગ્ય કારણ દર્શાવી શકાય તેવી પરિસ્થિતિમાં કાયદાની અન્ય જોગવાઈઓ મુજબ રાહત મળી શકે છે.
ઇન્કમ ટેક્સ ઓડીટ કરવા જવાબદાર કરદાતાએ આ ઓડીટ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ચાર્ટર્ડ એકાઉનટન્ટ પાસે કરાવી તેનો ઓડીટ રીપોર્ટ ઇન્કમ ટેક્સના પોર્ટલ (વેબસાઈટ) ઉપર એપ્રુવ કરવો જરૂરી છે. ધંધાકીય ચોપડાનું ઓડીટ થઇ અને ચાર્ટર્ડ એકાઉનટન્ટ દ્વારા ઓનલાઈન ચડાવી આપવામાં આવ્યો હોય માત્ર તે જરૂરી નથી. કરદાતા દ્વારા આ ઓડીટનું “એપૃવ્લ” ૩૦ સપ્ટેમ્બર સુધીમાં કરી આપવું જરૂરી છે. ઓડીટ માટે જવાબદાર કરદાતા માટે આ સપ્ટેમ્બર મહિનાનું ખુબ મહત્વ રહેતું હોય છે.
