મુસાફીર હું યારો (ટેક્સ ટુડે ટ્રાવેલ બ્લોગ): દીવ-એક શાંત આઇલેન્ડ

Spread the love
Reading Time: 8 minutes

કૌશલ પારેખ – પત્રકાર – ટેક્સ ટૂડે ન્યુઝ પેપર

 

“દીવ” નામ સાંભળતા ની સાથે ઉમર માં મોટા હોય કે નાના દરેક વ્યક્તિ ના મુખ પર જાણે હર્ષ ની લાગણી છવાઈ જાય છે.  દીવ નું નામ સાંભળતા જ આપણી નજર સામે ચોખા ચણક રસ્તા, દરિયા ના ઉછળતા મોજાં ના દ્રશ્યો છવાઈ જાય છે, અને મદિરા સેવન ના શોખીનો ને તો જાણે ગંગા માં સ્નાન કરી આવ્યા નું સુખ દીવ નું નામ સાંભળતા થઈ જાય છે.  નસીબજોગે હું સ્વયં પણ દીવ નો જ વતની છું એટલે એવું ના માનતા કે અમે પણ ગંગાજળ માં રોજ ડૂબકી લગાવી લેતા હશું, પણ અમે દીવ ના ગંગાજળ ને બદલે દીવ ના અવિરત કુદરત દ્વારા આપવા માં આવેલ સૌંદર્ય ના પ્રેમી છે.  અવાર-નવાર દીવ આવતા પ્રવાસીઓ સાથે તેમના દીવ પ્રવાસ અંગે વાતચીત થતી હોય છે આ દરમિયાન મોટાભાગ ના લોકો ને હજુ સુધી દીવ વિષે ની વિસ્તૃત સાચી માહિતી હોતી નથી જેનું મને ઘણીવાર અજુગતું લાગે છે. હજુ પણ દીવ ના આવ્યા હોય તેવા લોકો ને દીવ અને દમણ બાજું માં જ હશે તેવો ભ્રમ છે જ્યારે બંને શહેર વચ્ચે 650KMS નું અંતર છે.  આ લેખ  આપના દીવ વિશે ના જ્ઞાન માં વધારો થાય તે અર્થે આ લેખ આપની સમક્ષ રજૂ કરું છું.

દીવ અરબી સમુદ્ર ના કાંઠે વસેલ એક નાનો દ્વીપ છે જે ચારે બાજુ થી સમુદ્ર થી ઘેરાયેલો છે.  દીવ નો ટોટલ વિસ્તાર 38.8 KMS નો છે. દીવ માં ઈ.સ.1537 થી ઈ.સ. 1961  દરમિયાન પોર્ટુગીસ શાસન રહ્યું. 19મી ડિસેમ્બર, 1961 ના રોજ “ઓપરેશન વિજય” મિશન થકી ભારત સરકાર દ્વારા પોર્ટુગીસ શાસન માથી દીવને આઝાદ કર્યું.  પોર્ટુગીસ સમય દરમિયાન ગોવા, દમણ અને દીવ એકજ રાજ્ય ગણાતા હતા.  ત્યારબાદ ગોવા અલગ રાજ્ય તરીકે ઘોષિત થતાં દમણ અને દીવ એક રાજ્ય(કેન્દ્ર શાશીત પ્રદેશ) તરીકે સાથે બાકી રહ્યા.  દીવ માં મુખ્યત્વે ખારવા, કોળી, વાણિયા, જૈન, ખ્રિસ્તી, મુસ્લિમ એમ વિવિધ સંપ્રદાય ના લોકો સાથે રેહતાં હોવા છતાં ક્યારેય પણ કોઈપણ પ્રકાર ના કોમી રમખાણો જોવા મળ્યા નથી.  અહી ના લોકો ખુબજ ધાર્મિક, શાંતિપ્રિય અને અનુશાસિત છે.  દીવ માં પારસી લોકો નો વસવાટ પણ જૂના સમય માં હતો જેના અવશેષરૂપે પારસીવાડા તેમજ પારસીની અગયારી આવેલ છે.  દીવ ના લોકો નો મુખ્ય વ્યવસાય માછીમાર નો છે સાથે ઘણા બધા નાગરિકો દેશ-વિદેશ માં સી-મેન તરીકે ફરજ બજાવે છે.  દીવ ના નાગરિકો ને પોર્ટુગીસ નેશનાલીટી નો લાભ મળતો હોવાથી 50% ઉપર ના લોકો વિદેશ માં સ્થાયી થયા છે.

દીવના મુખ્ય આકર્ષણ ના સ્થળો માં ગાંગેશ્વર મંદિર,દીવ ફોર્ટ, સેંટ પોલ ચર્ચ , દીવ મ્યુઝીયમ, પાણીકોઠા, નાગવા બીચ, ડાઈનસોર પાર્ક, સનસેટ પોઈન્ટ, અહેમદપુર માંડવી બીચ,,બર્ડ સેંચુંરી,  નાયડા કેવ, જલંધર બીચ વગેરે આવેલ છે

 

ગંગેશ્વર મંદિર :  પૌરાણિક ઇતિહાસ મુજબ પાંડવો તેમના વનવાસ કાળ દરમિયાન આ જગ્યા ઉપર થોડા દિવસો રોકાયા હતા.  તેઓ શિવભક્ત હોવાને નાતે તેઓએ પોતાના કદ અનુસાર પાંચ શિવલિંગ મુર્તિની સ્થાપના કરી હતી.  પ્રથમ મોટી મુર્તિ યુધિસ્થિર, બીજી ભીમ જે કદ માં ખુબજ મોટી છે, ત્રીજી અર્જુન જે પ્રથમ મુર્તિ કરતાં નાની છે, ચોથી નકુલ અને પાંચમી સહદેવ દ્વારા બનાવવા માં આવેલ છે.  આ જગ્યા પર કોઈ વ્યક્તિ રાતવાસો નથી કરી સકતી તેમજ હરરોજ રાત ના પાંચ માંથી એક મુર્તિ દરિયા ના મોજાં સાથે પાણી માં ગરકાવ થાય છે, તેમજ પરોઢ થતાં પાછી પોતાના સ્થાને આવી જાય છે.

દીવ ફોર્ટ :16મી સદી માં પોર્ટુગિસ શાસકો દ્વારા બનાવવાં માં આવેલ દીવ કિલ્લો આટલા વર્ષો પછી પણ પોતાની મજબુત દીવાલો સાથે અડીખમ ઊભો છે.  કિલ્લા નું નિર્માણ ચુના,પથ્થરરેતી થી કરવામાં આવેલ છે. જૂનું દીવ શહેર આ કિલ્લા ની અંદર જ આવેલ હતું.  દીવ શહેર માં પ્રવેશ કરવા માટે દરેક બાજુ પર ઝાંપા ગેટ બનાવવાં માં આવેલ હતા આ પૈકી ના 3 ગેટ હજુ પણ અવર-જવર માટે ચાલુ છે.  શહેર ના વિકાસ થતાં ગેટ બહાર પણ દીવ શહેર વિકસી ગયું છે.  કિલ્લાની બધી બાજુ દરિયાનું પાણી અવિરત વહે છે જેથી કોઈ પણ વ્યક્તિ કિલ્લા માં જલ્દી થી પ્રવેશી ના શકે. દીવ કિલ્લા માં દીવાદાંડી આવેલ છે જેમાં ઉપર ચઢી એકબાજુ દીવ શહેર અને બીજી બાજુ અરબ સાગર નો રમણીય નજારો જોઈ શકાય છે.ફોટોગ્રાફી ના શોખીનો માટે કિલ્લો એક ઉતમ સ્થાન છે.  નીચે દર્શાવેલ દીવ ના નકશા માં દીવ શહેર કિલ્લા ની અંદર જોઈ શકાય છે.

 

 

 

 

 

 

 

 

 

સેંટ પોલ ચર્ચ :ઈ.સ. 1605મી  સદી આસપાસ આ વિશાળ ઇમારત  નું નિર્માણ થયેલું છે.  તેની કારીગરી આબેહૂબ ગોવા ના ચર્ચ જેવીજ છે.  આ ચર્ચ ની અંદર ના ભાગમાં સીસમ ના લાકડાં ની કારીગરી લાજવાબ છે.  સાથે મધર મેરી અને ઇસુ ખ્રિસ્ત ના સ્ટેચ્યું આકર્ષણ નું કેન્દ્ર છે.  ચર્ચ ની આસ પાસ ના વિસ્તાર માં પોર્ટુગીસ રહેણી-કેહણી ધારવતા ખ્રિસ્તી લોકોને જોઈ શકાય છે.  દર રવિવારે સવારે સમૂહ પ્રાર્થના માટે તમામ ખ્રિસ્તી ધર્મ પાડતા લોકો ચર્ચ માં આવે છે, તેમજ પ્રાર્થના સમયે કોઈપણ પ્રકાર ની વાતચીત કર્યા વગર તમામે તમામ વ્યક્તિ જિસસ ની પ્રાર્થના માં તલ્લીન થઇ જાય છે જે ખરેખર પ્રેરણાદાયક છે.

દીવ મ્યુઝીયમ :આ વિશાળ ઇમારત નું નિર્માણ ઈ.સ. 1598 માં સેંટ થોમસ ચર્ચ તરીકે કરવામાં આવેલ હતું,ઘણા વર્ષો પેહલા આ ઇમારત ને દીવ મ્યુઝીયમ માં પરિવર્તિત કરી આપવા માં આવેલ છે.  મ્યુઝીયમમાં 400 વર્ષ જૂના ST. THOMAS અને ST. BENEDICT ના સ્ટેચ્યુ આવેલ છે તેમજ બહાર થી ઇમારત ને લાઇટિંગ દ્વારા શણગારવા માં આવેલ છે.  દીવ પાણી કોઠા તેમજ કિલ્લા નો પથ્થર ઉપર કંડારવા માં આવેલ નમૂના જોવા લાયક છે.

મ્યુઝીયમ ના પ્રાંગણ માં રંગબેરંગી લાઇટિંગ દ્વારા સજાવેલ ફુવારા તેમજ કાચબા ની પ્રતિમા વાળો બગીચો આવતાં પ્રવાસીઓ ને આરામદાયક લાગે છે

દીવ પાણીકોઠા ( FORTIM MAR ):ભૂતકાળ માં ગુજરાત અને પોર્ટુગીસ શાસકો દ્વારા મુઘલ સલ્તનત થી દીવ ને બચાવવા દરિયા ની વચ્ચે એક નાના કિલ્લા નિર્માણ કરવામાં આવેલું છે.  પોર્ટુગીસ સમય માં આ કિલ્લા નો કાળાપાણી ની સજા આપવા માટે કરવામાં આવતો હતો પણ, હાલ આ ટુરિસ્ટ પ્લેસ છે.  દીવ બંદર ચોક થી ફેરી બોટ માં પાણીકોઠા સુધી જઈ શકાઈ છે.  સાંજ ના સમયે રંગબેરંગી રોશની થી જળી ઊઠે છે. આ કોઠા માં એક દીવાદાંડી આવેલ છે. દરિયા ની વચ્ચે આ કોઠો હોવાથી  માછીમારો ને બોટ આવવા લઇજવા માં સરળતા મળે અને જાનહાનિ ટળે તે માટે આ દીવાદાંડી મુકેલ છે.

નાગવા બીચ :દીવ થી અંદાજે 8 કિમી ના અંતરે આ બીચ આવેલ છે.  દીવ આવતાં દરેક પર્યટકો માટે સમુદ્ર માં સ્નાન કરવા માટે આ સહુથી મનગમતા બીચમાનો એક છે.  મુંબઈ માં જેમ મરીન ડ્રાઇવ ને QUEENS NECKLESS”નું ઉપનામ આપવામાં આવેલ છે તેવીજ રીતે નાગવા બીચ ની રચના પણ મુંબઈ ના મરીન ડ્રાઇવ જેવી જ છે.  આથી “DIU QUEENS NECKLESS”નામ આપવામાં કશું અજુગતું નથી. અહી દરિયા માં પથ્થર ( ખાડી ) નું પ્રમાણ ઓછું છે, સાથે નાગવા બીચ પર વોટર સ્પોર્ટ્સ, રિસોર્ટ્સ, હોટેલ્સ, રેસ્ટોરન્ટ, બાર, ચેંજિંગ રૂમ,ATM, લોકર, પોલિસ સ્ટેશન  ની સુવિધા મળતી હોવાથી પર્યટકો પોતાના પરિવાર સાથે આ જગ્યા પર સમય વિતાવવા નું પસંદ કરે છે.

ડાઈનસોર પાર્ક ( પોઠિયા બાપા ) : નગવાબીચ ની પાસે આવેલ સમુદ્ર ના કાંઠે  “પોઠિયા બાપા” નું મંદિર આવેલ છે.  માન્યતા મુજબ આ એકજ મંદિર એવું છે જ્યાં “નંદી” એકલા બિરાજમાન છે.  મંદિર ની બાજુમાં ડાઈનસોર્સ ની પ્રતિમા વાળો પાર્ક આવેલ છે.  અહીં બાળકો માટે રમવા માટે ઘણા સાધનો મુકેલ છે.  પર્યટકો તેમજ લોકલ નાગરિકો માટે પિકનિક માણવા માટે ની આ ઉતમ જગ્યા છે.  અહી નો સમુદ્ર કાંઠો પથ્થર ( ROCKS ) થી ઘેરાયેલ હોવાથી નાહવા માટે સલામત નથી, પરંતુ આજ પથ્થર પર પાણી ના મોજાં ઉછળતા હોવાથી ખૂબ ઊંચે સુધી ઊડે છે, તેમજ સંગીત ની રિધમ સમાન તરંગો સર્જી પર્યટકો ને અચંબિત કરે છે.  પર્યટકો આ ઉછળતા મોજાં સાથે મોજાં સાથે સેલફી લેવાનું અચૂક પસંદ કરે છે.

સન સેટ પોઈન્ટ ( ખુખરી મેમોરિયલ ) :ઇ.સ. 1971 માં ભારત – પાકિસ્તાન વચ્ચે થયેલ યુદ્ધ માં ભારતીય નેવી નું INS ખુખરી વોરશીપ એ પાકિસ્તાન સબમરીન દ્વારા થયેલ હુમલા માં 18 ઓફિસર અને 176 ખલાસી સહિત દીવ નજીક ના સમુદ્ર માં સમાધિ લીધી હતી. આ ઘટના ની યાદગીરી રૂપે તેમજ શહિદ થયેલ બહાદુર જવાનો ને શ્રદ્ધાંજલી આપવાં આ  INS KHUKHRI WAR MEMORIAL નું નિર્માણ કરવામાં આવેલ છે,સાથે સબમરીન ના CAPTIAN શ્રી મહેન્દ્રનાથ મુલ્લા સહિત તમામ ઓફિસર્સ તેમજ ખલાસી ના નામ સાથે ની તખ્તી પણ મૂકવામાં આવેલ છે.

કદાચ દીવ જ એક એવી જગ્યા હશે કે જ્યાં એક જ જગ્યાએ થી સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ શકાય છે.  દીવ માં સૂર્યોદય અને સૂર્યાસ્ત નું રમણીય રૂપ જોવાનો એક અલગ જ લાહવો છે.  સનસેટ પોઈન્ટ તરીકે જાણીતી આ જગ્યા પર ચામુંડા માતા અને ખોડિયાર માતા નું મંદિર પણ આવેલ છે.  નાગવા બીચ ની જેમ આ જગ્યાપણ સમુદ્ર સ્નાન માટે ઉતમ છે.  બર્મુડા આકાર ના આ બીચ પર નાહવા ની એક અનેરી જ  મજા છે.

અહમેદપુર માંડવી બીચ:આ બીચ પણ અન્ય બીચ ની જેમ જ છે. આ દીવ ની બોર્ડર ઉપર જ હોવાથી નજીક ના વિસ્તાર માથી રવિવાર ના દિવસે આવતા પર્યટકો માટે પિકનિક નું સ્થળ છે.  અહી પણ વોટર સ્પોર્ટ્સ ની સુવિધા છે.  સ્નાન માટે અહી પણ પર્યટકો આનંદ લેતા જોવા મળે છે.

બર્ડ સેન્ચુરી :દરિયા નું પાણી આખું વર્ષ ભરાઈ રેહતું હોવાથી આ જગ્યા પર દેશ વિદેશ ના પક્ષીઓ વસવાટ કરે છે.  શિયાળા માં વિવિધ પ્રકારના યાયાવર પક્ષીઓ પણ બ્રિડિંગ સમય દરમિયાન અહી આવતા હોય છે. આ જગ્યા પર હમણા એક નાના ગાર્ડન નું નિર્માણ થયેલ છે.

નાયડા કેવ્સ : જૂના સમય માં દીવ કિલ્લા ના નિર્માણ વખતે પથ્થરો અહી થી લાવવા માં આવ્યા હશે તેવી માન્યતા છે.  આ પથ્થરો ને તોડવા થી વિશાળ ગુફાઓ નું નિર્મળ થયેલ છે.  આ ગુફાઓ માં ઉપર થી સૂર્યપ્રકાશ ના કિરણો બાકોરા માથી નીચે આવતા ગુફાઓ માં એક અદ્ભુત રોશની સર્જાય છે.  અહીની ગુફાઓમાં પર્યટકો ફોટોગ્રાફી ની મજા ભરપૂર માણે છે.  બૉલીવુડ તેમજ ગુજરાતી મુવીસ ના ઘણા શૂટિંગ અહીની ગુફાઓ માં ઉતારવામાં આવેલ છે.

જલંધર અને ચક્રતીર્થ બીચ :સનસેટ પોઈન્ટ ની બાજુ માં આ બિચો આવેલ છે.  મહાભારત કાળ માં આ દ્વીપ પર જલંધર નામ ના રાક્ષસ નું સામ્રાજ્ય હતું.  ઋષિમુનિ દ્વારા તપસ્યા થકી  શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં દરિયા ના વચ્ચે ના ખડક ઉપર ઊભી અને સુદર્શન ચક્ર દ્વારા આ રાક્ષસ નો વધ કર્યો હતો આ સમયે જલંધર રાક્ષસ સમર હાઉસ નામ ની હાલ ની જગ્યા પર ઊભેલ હતો, જેથી તેનું મસ્તક સમર હાઉસ માં પડ્યું અને આખું ધડ ( શરીર ) દરિયા માં પડ્યું તેવી માન્યતા છે.  ભગવાન ના હાથે આ રાક્ષસ નો વધ થયો હોવાથી સમર હાઉસ માં આજની તારીખે જલંધર રાક્ષસ નું મંદિર આવેલ છે.  આમાં તેનું મસ્તક છે, જ્યારે મહુવા બંદર પાસે તેનું ધડ બહાર આવતા ત્યાં તેના ધડ વાળું મંદિર છે. સમય જતાં જે જગ્યા પર જલંધર નું ધડ પડ્યું છે તે વિસ્તાર ને જલંધર બીચ અને જ્યાં થી શ્રી કૃષ્ણ એ સુદર્શન ચક્ર થી વાર કર્યો હતો તે જગ્યા ને ચક્રતીર્થ નું ઉપનામ મળ્યું.  આ બંને બીચ ની બાજુ પર વોકિંગ – સાઈકલિંગ  ટ્રેક હોવાથી સવાર-સાંજ લોકોની ચહલ-પહલ જોવા મળે છે. આ બીચ ની આસપાસ નિલગિરી, શરૂ, હોકા, નાળિયાળી, પીપળો ના વૃક્ષો હોવાથી આ વિસ્તાર માં પણ વિવિધ પ્રજાતિ રંગબેરંગી પક્ષીઓ જોવા મળે છે.

દીવ માં આ બધી લોકપ્રિય જગ્યાઓ ઉપરાંત બીજી ઘણી બધી પૌરાણિક જગ્યાઓ, મંદિરો, ઇમારતો આવેલ છે જેના વિષે હજુ સુધી કોઈ ને ખ્યાલ નથી.  દીવ માં અંદાજિત 200 જેટલા નાના મોટા મંદિરો આવેલા છે.  જેમાં અચૂક જોવાલાયક મંદિરો માં

  • શ્રી સોમનાથ મંદિર –આ મંદિર ભગવાન શિવ નું છે અને જમીન ની અંદર 40 ફૂટ નીચે છે. મંદિર ની ભવ્યતા માટે જાણીતું છે.
  • શ્રી જગદીશ મંદિર આ મંદિર શ્રી જગન્નાથ ભગવાન નું છે. મંદિર ની બહાર ની કલાકૃતિ ખુબજ સુંદર છે,
  • શ્રી મોટા હનુમાન મંદિર- આ મંદિર ખાણ ( ગુફા ) ની અંદર આવેલ છે,
  • સીતારામ મંદિર- આ મંદિર માં પણ શિવ ભગવાનજમીન ની અંદર 40 ફૂટ નીચે બિરાજમાન છે,
  • નગર શેઠ હવેલી – અંદાજે 100 વર્ષ આસપાસ જૂની આ ઇમારત ફળ અને ફૂલો ની આગવી કલાકૃતિ, રંગબેરંગી રંગો થી સજેલી, અને કલાત્મક જરૂખા વાળી હજુ પણ યુવાન દેખાય છે,
  • પાનીબાઈ નું ઘર– આ હવેલી પણ પોતાના વિશિષ્ટ કલાકૃતિ ધરવતા જરૂખા, દરવાજા તેમજ તેના પોર્ટુગીસ શૈલી નું રાચરચીલું,ચિત્રો, મૂર્તિઓ વગેરે માટે જાણીતું છે.
  • શહીદ સ્મારક –1961 ની લડાઈ માં ભારતીય સેના ના શહીદ થયેલ સૈનિકો ની યાદગીરી રૂપે દીવ કલેક્ટર ઓફિસ ની સામે બગીચા માં શહીદ સ્મારક આવેલું છે.
  • વિજય સ્થંભ – 1961 માં ભારતીય સેના દ્વારા જીત મેળવ્યા ની યાદગીરી રૂપે બનાવવા માં આવેલ વિજય સ્થંભ PWD ઓફિસ ની સામે આવેલો છે.
  • જૈન દેરાસર અને ઉપાશ્રય – સ્થાનકવાસી જૈન સમુદાય નું જૈન દેરાસર દીવ બાલભવન પાસે આવેલ છે.

દીવ શહેર ની અંદર ના ભાગમાં સાંકળી ગલીઓ હોવાથી ઉપરોક્ત માની ઘણી જગ્યા જોવામાટે ચાલતાં, સાઇકલ કે સ્કૂટર દ્વારા ફરવું વધુ સારો વિકલ્પ છે.  આ સિવાય અંદર ના ભાગો માં પોર્ટુગીસ કલાકૃતિ વાળી અન્ય નાની મોટી ઇમારતો આવેલ છે.  આ ઉપરાંત દીવ ના રેહવાસીઓ પણ મળતાવડા સ્વભાવ વાળા હોવાથી પર્યટકો ને નાની મોટી તકલીફો માં હમેશા મદદરૂપ થતાં જોવા મળે છે.

દીવ ફરવા માટે આમતો બધી ઋતુ માં આવી શકાય છે.  ગરમી અને ઠંડી નું પ્રમાણ ગુજરાત કરતાં ઓછું હોય છે.  દીવ ની આસપાસ હોકા ના વૃક્ષો જોવા મળે છે.  આ ફળ ખુબજ કડક હોય છે અને તેની છાલ ખૂબ પાતળી હોય છે.  આ ફળ ખાય શકાય છે તેમજ દીવ માં ઊગતા ગાજર, ગુવાર,તાનજડીયા, પાલક, કોથમરી, શંકુ વગેરે ભાજી નો સ્વાદ અનેરો હોય છે.  દીવ આવતા લોકો માં તાડી ( નીરો ) નામનું પીણું પ્રવાસીઓ ને આકર્ષે છે.

દીવ ના મહત્વ ના રાષ્ટ્રીય ત્યોહારો 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ અને 19મી ડિસેમ્બર છે.  આ ઉપરાંત સ્થાનિક મહત્વ ના ત્યોહારોમાં મઢી, ગોર માવડી, હોળી, ધૂળેટી, દિવાળી, નવરાત્રિ, જન્માષ્ટમી, ક્રિસમસ, ઈદ  વગેરે ધામ-ધૂમ થી ઉજવાય છે.  દરેક ત્યોહારો બધાં જાતિ ના લોકો સાથે મળી ને ભેદભાવ વગર  ઉજવે છે જે ખરેખર કાબિલે તારીફ છે.

દીવ આવવા માટે મુંબઈ-દીવ વચ્ચે રોજ એર ઈન્ડિયા દ્વારા ફ્લાઇટ આવે છે. દમણ અને દીવ વચ્ચે દરરોજ એક વાર હેલીકોપ્ટર ની સર્વિસ પણ છે.  નજીક નું રેલ્વે સ્ટેશન દેલવાડા છે તેમજ મુંબઈ, અમદાવાદ, સુરત, દમણ, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, વેરાવળ જેવા પ્રમુખ શહેરો સાથે સરકારી અને પ્રાઈવેટ બસો દરરોજ ચાલે છે.

આશા રાખું છું કે આજ નો મારો આ લેખ આપને ઉપયોગી નીવડશે.

error: Content is protected !!