ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઇ: એડવોકેટ હર્નિશ મોઢ બન્યા સંસ્થાના નવા પ્રમુખ
એડવોકેટ જયેશ શાહ બન્યા ઉપપ્રમુખ: એડવોકેટ શૈલેષ મકવાણા તથા એડવોકેટ શશાંક મીઠાઇવાલા સુરત બન્યા સેક્રેટરી, ટ્રેસરર તરીકે એડવોકેટ નરેન્દ્રભાઈ કરકર
તા. 24.05.2022: જી.એસ.ટી. ની પ્રેક્ટિસ કરતાં ગુજરાતના પ્રોફેશનલ્સના સૌથી મોટા એસોસીએશન એવા ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશનની 68 મી વાર્ષિક સાધારણ સભા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ બિલ્ડીંગ ખાતે યોજાઇ હતી. આ વાર્ષિક સાધારણ સભામાં સંસ્થાના ગત વર્ષની કામગીરી અંગે પ્રમુખ વિનોદભાઇ પરમાર તથા સેક્રેટરી શૈલેષ મકવાણા દ્વારા માહિતી આપવામાં આવી હતી. સંસ્થાના હિસાબો ખજાનચી નરેન્દ્ર કરકર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા જેને સભ્યો દ્વારા બહાલી આપવામાં આવી હતી. સંસ્થાના મુખપત્ર એવા સેલ્સ ટેક્સ જર્નલના તમામ લેખકોને સ્મૃતિ ચિન્હ આપવામાં આવ્યું હતું. આ સેલ્સ ટેક્સ જર્નલના વર્ષ 2021 22 ના શ્રેષ્ઠ લેખ તરીકે દેવેનભાઈ શેઠના લેખની પસંદગી કરવામાં આવી હતી. સંસ્થાના વરિષ્ઠ સભ્ય એવા લલિતભાઈ લેઉવાને બેસ્ટ કૉલમ રાઇટરનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સભ્યોના બાળકો કે જેઓએ LL.B સહિતની પરીક્ષાઓમાં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરવામાં આવ્યા હોય તેમનું એસોસીએશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાની ખેલ અંગેની પ્રવૃતિઓમાં પણ વિજેતા તથા રનર્સ અપને ટ્રોફી આપવામાં આવી હતી. સંસ્થાના બંધારણમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા હતા જેને આ સામાન્ય સભામાં બહાલ કરવામાં આવ્યા છે. વર્ષ 2022 23 ની નવી કારોબારીની બિનહરીફ વરણી થઈ હતી. સંસ્થાના નવા પ્રમુખ તરીકે યુવાન એડવોકેટ હર્નિશભાઈ મોઢની નિમણૂંક કરવામાં આવી છે. સભાના અંતે સેક્રેટરી શૈલેષભાઈ મકવાણા દ્વારા આભારવીધી કરવામાં આવી હતી. સંસ્થાના વરિષ્ઠ સભ્યો નયનભાઈ શેઠ, પ્રદીપભાઇ જૈન, નિગમભાઈ શાહ, વારીશભાઈ ઈશાની, તેજસભાઈ શાહ અનેક પૂર્વ પ્રમુખ, આઉટસ્ટેશન (અમદાવાદ સિવાયના શહેરોમાંથી) ના આગેવાનો પૈકી, જામનગરથી અક્ષતભાઈ વ્યાસ, ડીસાના શાંતિભાઈ ઠક્કર, વડોદરાથી ભાશ્કરભાઈ પટેલ, સુરતથી પ્રશાંતભાઈ શાહ, જુનાગઢથી હેમંગભાઈ શાહ વગેર ખાસ સાધારણ સભામાં હાજર રહ્યા હતા. વર્ષ 2021-22 માં આઉટસ્ટેશન વતી હોદ્દેદારો તરીકે ઉત્કૃષ્ટ સેવા આપનાર કિરીટભાઈ પટેલ તથા જયેશભાઈ કાનાણીનો ખાસ બહારગામના સભ્યો દ્વારા ખાસ નોંધ લેવામાં આવી હતી. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.