વેપારીઓને મહત્વની રાહત!!! તપાસ દરમ્યાન જી.એસ.ટી. અધિકારી નહીં કરે રકમ ભરવા દબાણ!!

Spread the love
Reading Time: 2 minutes

જી.એસ.ટી. તપાસ હેઠળ અધિકારી દ્વારા આદેશ પસાર કર્યા વગર કોઈ વસૂલાત થઈ શકે નહીં: CBIC

તા. 26.05.2022: જી.એસ.ટી. હેઠળ કોઈ કરદાતા વિરુદ્ધ કરચોરીની માહિતી ઉપરથી તપાસ હાથ ધરવામાં આવી હોય તેવા કેસોમાં તપાસ પૂર્ણ થયે સામાન્ય રીતે DRC-03 દ્વારા કરદાતાને દબાણપૂર્વક પેમેન્ટ કરાવવામાં આવતું હોય છે. DRC-03 દ્વારા કરવામાં આવતું પેમેન્ટ એ મરજિયાત પેમેન્ટ છે અને કરદાતા મરજી દ્વારા આ ફોર્મ દ્વારા જી.એસ.ટી. કાયદા હેઠળ કોઈ ચૂકણવું કરી શકે છે. પરંતુ કરદાતા ઉપર તપાસ દરમ્યાન દબાણ કરી, તપાસના અંતે આ પ્રકારે DRC-03 કરવવામાં આવતું હોવાની ગંભીર ફરિયાદો સતત ઉઠી રહી છે. ગુજરાત હાઇકોર્ટ સહિત અન્ય હાઇકોર્ટોમાં પણ આ અંગે કરદાતા દ્વારા રિટ પિટિશન કરવામાં આવી હોય તેવી માહિતી મળી રહી છે. આ ફરિયાદો ધ્યાને લઈ જી.એસ.ટી. નું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા સેંટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા 25 મે 2022 ના રોજ સૂચના (ઇન્સટ્રકશન નંબર 2/2022-23) બહાર પાડવામાં આવેલ છે. આ સૂચનામાં તમામ અધિકારીઓને સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે અધિકારી દ્વારા કોઈ પણ વસૂલાત કાયદા હેઠળ યોગ્ય આદેશ પસાર કર્યા પછી જ થઈ શકે છે. DRC-03 દ્વારા તપાસ દરમ્યાન કોઈ પણ રકમની વસૂલાત કરવા કરદાતા ઉપર અધિકારી દ્વારા દબાણ કરવાનું રહેશે નહીં. તપાસના અંતે કરદાતા ધારે તો મરજિયાત રીતે DRC 03 ભરી શકે છે પરંતુ આ DRC-03 ફરજિયાતપણે ભરવા કરદાતા ઉપર કોઈ અધિકારી દબાણ કરી શકશે નહીં. આ સૂચનામાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે અધિકારી દ્વારા કરદાતાને DRC-03 દ્વારા મરજિયાત રકમ ભરવા અંગેની જોગવાઈની જાણ કરવાની રહેશે. આ સૂચના દ્વારા  પ્રિન્સિપાલ કમિશ્નર, ચીફ કમિશ્નર જેવા ઉચ્ચ અધિકારીઓને જણાવવામાં આવ્યું છે કે આ રીતે તપાસ દરમ્યાન ફરજિયાત DRC-03 ભરાવવામાં આવ્યું હોય તે અંગેની ફરિયાદ મળે ત્યારે આ ફરિયાદની યોગ્ય તપાસ ત્વરિત ધોરણે કરવામાં આવે અને જો આ તપાસમાં કોઈ અધિકારી દોષી સાબિત થાય તો તેના ઉપર આકરા પગલાં પણ લેવામાં આવે. આ પ્રકારની વહીવટી સૂચનાનાને વેપારી વર્ગ તથા ટેક્સ પ્રોફેશનલ્સ વર્ગમાં સારો આવકાર મળી રહ્યો છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

error: Content is protected !!