ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું 31 ડિસેમ્બર સુધી છે ખૂબ જરૂરી. ના ભરવામાં આવે તો લાગશે 10000 ની લેઇટ ફી

Spread the love
Reading Time: < 1 minute

કોરોનાના કેસો વધવાના કારણે 31 ડિસેમ્બરથી મુદત વધારવામાં આવે તેવી ઉઠી રહી છે માંગ

તા. 10.12.2020: સામાન્ય કરદાતાઓ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ હોય છે. પોતાના ધંધાનું ઓડિટ કરવા જવાબદાર કરદાતાઓ માટે રિટર્ન ભરવાની મુદત 31 ઓક્ટોબર હોય છે. આ મુદત બાદ રિટર્ન ભરવામાં આવે તો કરદાતાએ પોતાના ટેક્સ, વ્યાજ ઉપરાંત લેઇટ ફી ભરવાની થતી હોય છે. કરદાતા પોતાના રિટર્ન આ મુજબ મુદતમાં ના ભારે અને 31 ડિસેમ્બર સુધી ભરે તો 5,000/- (પાંચ હજાર) ની તથા ડિસેમ્બર પછી પણ 31 માર્ચ સુધી ભારે તો 10,000/- (દસ હજાર) ની લેઇટ ફી ભરવા જવાબદાર થતાં હોય છે. આ વર્ષે કોરોનાના કારણે આ મુદતમાં 31 જુલાઇની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. ઓડિટ સિવાયના કરદાતાઓ જો પોતાનું રિટર્ન 31 ડિસેમ્બર સુધીમાં ના ભારે તો તેઓએ ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 234F હેઠળ 10000/- (દસ હજાર) ની લેઇટ ફી ભરવાની જવાબદારી આવશે. જોકે 5,00,000/- (પાંચ લાખ) સુધીની કુલ આવક ધરાવતા કરદાતાઓ માટે આ લેઇટ ફી 1,000/- (એક હજાર) રહેતી હોય છે.

આ અંગે વાત કરતાં CA ચિંતન પોપટ જણાવે છે કે કોરોનાના કેસો દિવાળીના તહેવારો અને ત્યારબાદના સમયમાં ખૂબ વધ્યા છે. ઘણા શહેરોમાં હાલ રાત્રિ કરફ્યુ અમલમાં છે. આ તમામ પરિસ્થિતી જોતાં રિટર્ન ભરવાની આ મુદતમાં વધારો કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. તેઓ વધુમાં ઉમેરે છે કે કોરોનાના આ વર્ષમાં કરદાતાઓ માટે લેઇટ ફી સંપૂર્ણ રીતે માફ કરવામાં આવે તે પણ જરૂરી છે.

સરકાર દ્વારા કરદાતાઓને આ મુશ્કેલ વર્ષમાં ઘણી રાહતો આપવામાં આવી છે. આ વર્ષમાં લેઇટ ફી પણ સંપૂર્ણ પણે હટાવવામાં આવે તેવી માંગ કરદાતાઓમાં ઉઠી રહી છે. ગુજરાતીમાં કહેવત છે “પારકી આશ સદા નિરાશ”. આ કહેવત મુજબ સરકાર દ્વારા મુદતમાં વધારો થશે તેવી આશા રાખવાના બદલે કરદાતા પોતાનું રિટર્ન 31 ડિસેમ્બર પહેલા ભરી આપે તે જરૂરી છે.  ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.

 

error: Content is protected !!