2019-20 માટે જી.એસ.ટી. વાર્ષિક રિટર્ન ભરવાની સુવિધા કરવામાં આવી શરૂ!!! Finally

Spread the love
Reading Time: 2 minutes

નાણાકીય વર્ષ 2019-20 ના વાર્ષિક રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે 31 ડિસેમ્બર 2020, 20 દિવસ પહેલા સગવડ શરૂ થતાં કરવ્યવસાયીકોમાં હર્ષની લહેર!! 

તા. 11.12.2020: જી.એસ.ટી. કાયદા હેઠળ કોઈ પણ વર્ષના વાર્ષિક રિટર્ન ભરવાની સામાન્ય રીતે મુદત જે તે વર્ષ પુર્ણ થાય પછીની 31 ડિસેમ્બર હોય છે. આમ, નાણાકીય વર્ષ 2019-20 ના વાર્ષિક રિટર્ન માટેની મુદત 31 ડિસેમ્બર 2020 છે. આ રિટર્ન ભરવાની મુદ્દત નજીક હોવા છતાં 10 ડિસેમ્બર સુધી આ ફોર્મ ભરવાની સુવિધા પોર્ટલ ઉપર ઉપલબ્ધ ન હતી. 10 ડિસેમ્બરે મોડી રાત્રે આ સુવિધા શરૂ કરવામાં આવી છે તેની જાહેરાત કરવામાં આવી છે. જો કે આ રિટર્નમાં હજુ 8A નામનું ટેબલ જે 2A ની વિગતો દર્શાવે છે તે ચાલુ થયું નથી. નાણાકીય વર્ષ પૂરું થયાને લગભગ 8 મહિના જતાં રહ્યા હોવા છતાં આ સુવિધા શું કરવા શરૂ કરવામાં આવી નથી તેવો વેધક પ્રશ્ન CA, ટેક્સ એડવોકેટ તથા ટેક્સ પ્રેકટિશનર્સમાં ચર્ચાનો વિષય બન્યો હતો. નેશનલ એશો. ઓફ ટેક્સ પ્રોફેશનલ્સ દ્વારા આ અંગે ટ્વિટર ઉપર સરકારનું ખાસ ધ્યાન દોરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પણ વિવિધ સંગઠનો દ્વારા આ અંગે રજૂઆતો કરવામાં આવી હતી.

જી.એસ.ટી. અમલી બન્યાને 3 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. પરંતુ અમુક સમસ્યાઓ જેમની તેમજ છે. હવે જ્યારે કરદાતાઓ પાસે રિટર્ન ભરવા સમય ઓછો હોય કરદાતાઓના હિતમાં વિવિધ સંગઠનો દ્વારા મુદત વધારા માટે અરજી (આજીજી તરીકેજ વાંચવું) કરવામાં આવશે અને કરદાતાઓની તકલીફ દૂર કરવા જી.એસ.ટી. ખાતા દ્વારા મન મોટું રાખી મુદતમાં વધારો કરવામાં આવશે!!! આ છે છેલ્લા ત્રણ વર્ષનો ક્રમ….એમાં કોઈ ખાસ ફેરફાર નથી. આ સમયે સરકાર દ્વારા જી.એસ.ટી.એન. ને આ રિટર્ન મોડુ શરૂ કરવા કારણ પૂછવામાં શું કરવા નથી આવતા એ પ્રશ્ન પણ જાણકારોના મનમાં ઉઠી રહ્યા છે. હવે જ્યારે મુદતમાં વધારો કરી આપવામાં આવશે એટ્લે કરદાતાઓ તથા કર વ્યાવસાયીકો આ વધારાથી સંતોષ માની ફરી કામ કરવા લાગી જશે. પણ આ મુદત વધારાના કારણે આકારણીની સમય મર્યાદામાં જે આપોઆપ વધારો થઈ જાઈ છે તેનું શું??? શું કરવા પાડાના વાંકે પખાલીને દામ દેવાની નીતિ સતત ચાલુ રાખવામા આવે છે તે પ્રશ્ન પણ જાણકાર વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે તેવા અહેવાલો મળી રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.

error: Content is protected !!