ઇન્કમ ટેક્સ ઓડિટ-રિટર્ન બાબતે રાહત આપવા ગુજરાત હાઇકોર્ટનો ઇન્કાર
સિનિયર એડવોકેટ સૌરભ સોપારકર તથા એડવોકેટ ડો. અવિનાશ પોદ્દારની અથાક મહેનત ન આપવી શકી કરદાતાઓને કોઈ રાહત!!
તા. 14.01.2021: ગુજરાત હાઇકોર્ટમાં ઇન્કમ ટેક્સ ઓડિટ અંગે તથા ઇન્કમ ટેક્સ રિટર્નની મુદત વધારવા અંગે 2 મહત્વની રિટ પિટિશન ફાઇલ થયેલ હતી. કોરોના સંકટના કારણે CBDT દ્વારા કરવામાં આવેલ મુદત વધારો પૂરતો ના કહેવાય અને આ મુદત વધુ સમય સુધી વધારવામાં આવે તે અંગે કોર્ટ પાસે દાદ માંગવામાં આવી હતી. ગુજરાતના પ્રમુખ ટેક્સ પ્રેકટિશનરોના એસો. એવા ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ વતી સિનિયર એડવોકેટ સૌરભ સોપારકર ઉપષ્ઠિત થયા હતા. જ્યારે અન્ય એક રિટ પિટિશન હાર્દિક પ્રવિંકુમાર શાહ દ્વારા ફાઇલ કરવામાં આવી હતી જેમના વતી એડવોકેટ ડો. અવિનાશ પોદ્દાર ઉપસ્થિત થયા હતા.
ગુજરાત હાઇકોર્ટે આ કેસમાં અંતરીમ આદેશ આપી CBDT ને વિવિધ રજૂઆતો સાંભળી 12 જાન્યુઆરી સુધીમાં યોગ્ય મુદત વધારવા સૂચન કર્યું હતું. CBDT દ્વારા 11 જાન્યુઆરીના રોજ મુદત ન વધારવા બાબતે જાહેરાત કરી દેવામાં આવી હતી. કરદાતાઓ તથા ટેક્સ પ્રોકેશનલ્સને ગુજરાત હાઇકોર્ટના આ કેસમાં ચુકાદા ઉપર આશા હતી. હવે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ બન્ને રિટ પિટિશનને નામંજૂર કરવામાં આવી છે. આ આદેશમાં કરદાતાઑ તરફે એક માત્ર સારી બાબત એ રહી છે કે હાઇકોર્ટએ પોતાના આદેશમાં CBDT ને શક્ય હોય ત્યાં સુધી 271 B અંગે હળવાશ રાખવા સૂચનાઓ આપવા જણાવવામાં આવ્યું છે. આ ચુકાદામાં મૂળ મુદ્દાઓ કરદાતાની તકલીફોના બદલે વહીવટી નિર્ણયમાં કોર્ટ દ્વારા કેટલા પ્રમાણમા હસ્તક્ષેપ કરવો જોઈએ તે બાબતો ચર્ચવામાં આવી છે. કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યુ કે “Writ of Mandamus” નો ઉપયોગ સામાન્ય રીતે વહીવટી બાબતોમાં ના કરવામાં આવે તે જરૂરી છે.
હાઇકોર્ટનો આદેશ આવ્યા બાદ કરદાતાઓ ખાસ કરીને ટેક્સ પ્રોફેશનલ્સમાં હતાશા વ્યાપી ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. ઇન્કમ ટેક્સ ઓડિટ રિપોર્ટ મોડો દાખલ કરવા બાબતે પેનલ્ટીનો જમીની સ્તરે ખૂબ ઓછા કેસોમાં લગાડવામાં આવે છે. હાલ કરદાતાઓને પેનલ્ટીથી વધુ પરેશાની લેઇટ ફીની રહે છે. કોરોના કાળમાં કરદાતાઓને ઘણા લાભ આપ્યાના દાવા કરતી સરકાર શું 1 વર્ષ માટે લેઇટ ફી માફ કરી કરદાતાઓને રાહત ન આપી શકે આ પ્રશ્ન કરદાતાઓમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે