તમારે ત્યાં જી.એસ.ટી. ની “રેઇડ” પડવાની છે… રોકાવવા માંગતા હોય તો….
જુનાગઢના વેપારીને છેતરવા થયો પ્રયાસ. વેપારી અને વેપારીના વકીલની સતર્કતાથી થયો છેતરપિંડીનો પર્દાફાશ!!
તા. 14.01.2021: જી.એસ.ટી. કાયદા હેઠળ કરચોરી અંગેના કૌભાંડના સમાચાર તો અવારનવાર વાંચવામાં આવતા હોય છે. પરંતુ મકરસંક્રાંતિના આગલા દિવસે જુનાગઢ ખાતે એક નવું કૌભાંડ સામે આવ્યું હતું. જુનાગઢના વેપારીને “વોટસ એપ” પર સેન્ટરલ જી.એસ.ટી. ડિપાર્ટમેંટનો એક પત્ર મોકલવામાં આવ્યો હતો. વેપારી દ્વારા આ મોકલનારને ફોન કરવામાં આવતા તેઓએ જણાવ્યુ હતું કે તેઓ જી.એસ.ટી. ના અધિકારી છે અને વેપારીને ત્યાં “રેઇડ” કરવા દરખાસ્ત આવી છે. જો વેપારી ઈચ્છે તો વહીવટ કરી આ “રેઇડ” થી બચી શકે છે. વેપારીએ આ પત્ર પોતાના વકીલને મોકલી આ અંગે વિગતો જાણવા વિનંતી કરી હતી. અનુભવી વકીલની દ્વારા વેપારીને પત્રમાં રહેલી ભૂલો પારખી આ પત્ર બોગસ હોય તે અંગે મત આપ્યો હતો. આ પત્ર બાબતે શક જતાં વેપારીએ વકીલની મદદ લઈ છેતરપિંડી કરનાર વ્યક્તિને સજા ચખાડવાના પ્રયત્નો શરૂ કર્યા હતા.
બનાવની વિગતો જોતાં જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં વનરાજ બેસન મિલ ધરાવતા ફરિયાદી દિલીપભાઈ મોહનભાઇ મેઘપરાના મોબાઈલ ફોન ઉપર અજાણ્યા મોબાઈલ ફોન ઉપરથી GST વિભાગના અમદાવાદના GST કમિશ્નરની સહીથી નોટિસ આવેલ હતી. જેથી, આ મોબાઈલ નંબર ઉપર ફેકટરી માલિક વેપારી દિલીપભાઈ પટેલ દ્વારા વાત કરતા, GST અધિકારી તરીકે ઓળખ આપી, GST નું ચેકીંગ કાલે આવશે, નોટિસ રદ કરાવવી હોય તો, રૂ. 2,00,000/- વહેવાર કરવો પડશે, તેવું જણાવી, બેન્ક એકાઉન્ટ નમ્બર આપવામાં આવેલ હતા. વેપારી દિલીપભાઈ પટેલ દ્વારા વિનંતી કરતા દોઢ લાખનો વહીવટ નક્કી કરેલ હતો. વેપારી દ્વારા કદાચ બેંકમાં મેળ ના પડે તો રોકડા રૂપિયા આપી દવ, ક્યાં પહોંચાડવાના..? તેવું પૂછતાં, રાજકોટ પહોંચાડવા જણાવેલ હતું. વેપારી દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડી.વાય.એસ.પી. પ્રદીપસિંહ જાડેજાને મળી, તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવેલ હતી. પોલીસમાં આ અંગે ફરિયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા ત્વરિત પગલાં લઈ આ છેતરપિંડી કરવા પ્રયત્ન કરનાર સખ્શને ઝડપી લેવામાં આવ્યો છે.
આ વ્યક્તિની નામ પરેશ ઉર્ફે પાર્થ ભરતભાઇ મહેતા છે. તેમની સઘન પૂછપરછ કરતાં પોતે જૈન વાણિયા છે, પોતાને બીમારી હોઈ, પોતાના માતા પિતા ઉમર લાયક હોઈ, બાળકોના અભ્યાસ માટે રૂપિયાની જરૂરિયાત હોઈ, પોતે ઓનલાઇન GST નમ્બર મેળવી, ઓનલાઈન જ નોટિસ તૈયાર કરી, મોબાઈલ મારફતે વોટ્સએપ કરી, વેપારી સાથે રૂપિયા બાબતે વાતચીત કરી, માંગણી કરેલાની કબૂલાત કરેલ હતી. જૂનાગઢ પોલીસ દ્વારા આરોપીએ વાપરેલા મોબાઈલ નંબર તથા વેપારીને આપવામાં આવેલ બેન્ક એકાઉન્ટ નમ્બર આધારે, આરોપી દ્વારા કેટલા વેપારીઓ સાથે આ રીતે ગુન્હો આચારી, રૂપિયા ઉઘરાવેલા છે, તે બાબતે ઝીણવટ ભરી તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, પીએસઆઇ વી.આર.ચાવડા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
વેપારીને ડરાવી આ પ્રમાણે પૈસા પડાવવાનું આ એક માત્ર પ્રયાસ હતો કે આની પાછળ કોઈ મોટું કૌભાંડ છુપાયેલું છે?? એ તો પોલીસની સઘન તપાસ દ્વારા જ બહાર આવી શકે છે. વેપારી દિલીપભાઈ મોહનભાઇ મેઘપરાની મક્કમતા, તેમના એડવોકેટ રાજેન્દ્ર ઉદાણીની સતર્કતા અને પોલીસની ત્વરિતતાના કારણે આ કિસ્સામાં છેતરપિંડી થતાં રહી ગઈ છે. પરંતુ દરેક વેપારીઓ આટલા નસીબદાર હોતા નથી. હાલ તો વેપારી-તેમના વકીલ તથા પોલીસની કામગીરી બાબતે સૌ કોઈ ના મોઢે વખાણ થઈ રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.