આજે લોન્ચ થઈ રહ્યું છે ઇન્કમ ટેક્સનું નવું પોર્ટલ… વાંચો શું છે આ અંગેના મહત્વના સમાચાર
www.incometax.gov.in પોર્ટલ વધુ “યુઝર ફ્રેન્ડલી” હશે તેવો કરવામાં આવી રહ્યો છે દાવો
તા.07.06.2021: ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટેની વેબસાઇટ www.incometaxindiaefilling.com ના સ્થાને નવું પોર્ટલ www.incometax.gov.in 07 જૂનના રોજ લોન્ચ થવા જઇ રહ્યું છે. આ અગાઉ 01 જૂનથી 06 જૂન સુધી જૂનું ઇન્કમ ટેક્સ ફાઇલિંગ પોર્ટલ બંધ રાખવામા આવ્યું છે. હવે જ્યારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા આ નવું પોર્ટલ વાપરવાનું રહેશે ત્યારે જાણો શું છે આ નવા પોર્ટલના લાભ. આ લાભ અંગે જણાવવા નાણાં મંત્રાલય દ્વારા એક પ્રેસ વિજ્ઞપ્તિ બહાર પાડવામાં આવી છે. આ પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર નવા પોર્ટલ ઉપર કરદાતાઑ ને નીચેના ફાયદા મળશે.
- ઇન્કમ ટેક્સ રિટર્નનું પ્રોસેસિંગ ઝડપથી કરવું શક્ય બનશે જેના કારણે કરદાતાઓને જો રિફંડ હોય તો ઝડપથી મળી શકશે.
- કરદાતાઓએ કરેલ કોઈ કાર્ય, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ તરફથી આપવામાં આવેલ કોઈ નોટિસ વગેરે જેવી તમામ વિગતો કરદાતા એક ડેશબોર્ડ ઉપર જોઈ શકશે.
- કરદાતા પોતાનું રિટર્ન ભરી શકે તે માટે ઓનલાઈન અને ઓફલાઇન રિટર્ન ફાઇલિંગ અંગે સુવિધા આપવામાં આવશે. શરૂઆતમાં આ સુવિધા માત્ર ITR 1, 2 અને 4 માટે આપવામાં આવશે. અન્ય ફોર્મ માટેની સુવિધા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
- અન્ય કરદાતાઓ દ્વારા ભરવામાં આવેલ TDS, TCS, SFT (સ્પેસિફાઇડ ફાઇનાન્સિયલ ટ્રાન્સેકશન) રિટર્ન ઉપરથી કરદાતાને પોતાના રિટર્ન ભરવા અંગેની પ્રિ ફિલ્ડ વિગતો મળી રહેશે. આ વિગતો જે તે TDS, TCS, SFT રિટર્નની મુદત પુર્ણ થયા બાદ કરદાતાને મળી રહશે.
- કરદાતાને મદદરૂપ બનવા એક કોલ સેન્ટરની સુવિધા પૂરી પાડવામાં આવશે જેના દ્વારા કરદાતા પોતાના પ્રશ્નો અને મુશ્કેલીઓના સમાધાન મેળવી શકે છે.
- આ ઉપરાંત ટેક્સ પ્રોફેશનલ્સની વિગતો ઉમેરવા, ઇન્કમ ટેક્સ ફેસલેસ સ્ક્રૂટિનીનો જવાબ આપવો, ફેસલેસ અપીલ માટે હાજર થવા જેવી તમામ સગવડો આ પોર્ટલ ઉપર આપવામાં આવી છે.
ટેક્સ પેમેન્ટ માટે પણ નવી સગવડ 18 જૂન 2021 થી શરૂ કરવામાં આવશે. હાલ કરદાતાઑ દ્વારા એડવાન્સ ટેક્સના પ્રથમ હપ્તાની ચુકવણી પ્રવર્તમાન પદ્ધતિ મુજબ કરવાની રહેશે. ટૂંક સમયમાં ઇન્કમ ટેક્સ દ્વારા મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવશે તેવી માહિતી પણ આ પ્રેસ વિજ્ઞપ્તિ દ્વારા આપવામાં આવી છે. આ પ્રેસ વિજ્ઞપ્તિ દ્વારા નાણાં મંત્રાલય દ્વારા કરદાતાઓને નવી પદ્ધતિ અપનાવવા વિનંતી કરવા ઉપરાંત આ આમૂલ પરીવર્તનનો સ્વીકાર કરવા તથા તેની સાથે કામ કરવામાં સયમ જાળવવા અપીલ કરવામાં આવી છે. “ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ” તરફ ઉઠાવવામાં આવેલ આ પગલું શરૂઆતમાં તો કરદાતાઓનું ખાસ કરી ટેક્સ પ્રોફેશનલ્સ માટે “અનઇઝી” બનશે તો નવાઈ નહીં!! ભવ્ય પોપટ, ટેક્સ ટુડે
ભવ્યભાઈ, પ્રશંસનીય કાર્ય.
આપનો ખૂબ આભાર