સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)07th June 2021
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ
જી.એસ.ટી
- અમારા અસીલ હાલ રેસ્ટોરન્ટનો ધંધો કરે છે અને કંપોઝીશનની પરવાનગી ધરાવે છે. હવે તેઓ રૂમ બનાવી રહ્યા છે જે તેઓ ત્યારબાદ ભાડે આપશે. આ રૂમ ભાડા ઉપર ક્યાં દરે જી.એસ.ટી. લાગુ પડે? ગૌરવ પટેલ, એડવોકેટ, ખેડા
જવાબ: રૂમ ભાડે આપવાની પ્રવૃતિ ઉપર નાના સેવા કરદાતા તરીકે કંપોઝીશનનો લાભ મળી શકે અને 6% (CGST 3%+ SGST 3%) નો દર લાગુ પડે. સેવા માટેના આ દર માત્ર 50 લાખ સુધી ટર્નઓવર સુધી લાગુ પડે. પણ આ અંગે કંપોઝીશન કરદાતા કરતાં રેગ્યુલર કરદાતામાં રહેવું વધુ અનુકૂળ રહે તેવો અમારો મત છે. રેગ્યુલર કરદાતા તરીકે તેઓ 1000 ના રૂમ ભાડા સુધી કોઈ ટેક્સ ભરવા જવાબદાર નથી. ત્યારબાદ 1001 થી 7500 સુધી 12% અને 7501 થી ઉપરના ભાડા ઉપર 18% જી.એસ.ટી. ભરવા જવાબદાર બને.
- અમારા અસીલ નગર પાલિકાને ફક્ત લેબર સર્વિસ સપ્લાય કરે છે. આ લેબર સપ્લાયમાં તેઓ નગર પાલિકાને કોમ્પ્યુટર ઓપરેટર, ડ્રાઈવર, ક્લાર્ક, ચોકીદાર જેવા સ્ટાફ સપ્લાય કરે છે. આ પ્રકારની સેવા કરપાત્ર ગણાય કે કરમુક્ત? જો વેરાપાત્ર ગણાય તો આ માટેનો HSN કોડ શું આવે? રમેશભાઈ કોટક, ટેક્સ એડવોકેટ, વેરાવળ
જવાબ: નગર પાલિકાને (લોકલ ઓથોરીટી) તેમના ભારતીય બંધારણના અનુછેદ 234 W હેઠળ સોપવામાં આવેલ કામ માટે તમારા અસીલ દ્વારા આપવામાં આવતી લેબર સર્વિસ જી.એસ.ટી. રેઇટ નોટિફિકેશન 12/2017 (રેઇટ), તા. 28.06.2017 ની એન્ટ્રી 3 મુજબ કરમુક્ત બને તેવો અમારો મત છે.
- અમારા અસીલ નગર પાલિકાને કરમુક્ત સેવા આપતા હોય તો તે સેવા ઉપર જી.એસ.ટી. TDS કરવાનો રહે? રમેશભાઈ કોટક, ટેક્સ એડવોકેટ, વેરાવળ
જવાબ: જી.એસ.ટી. કાયદાની કલમ 51(1) મુજબ નગર પાલિકા દ્વારા માત્ર કરપાત્ર માલ કે સેવા માટેજ ટી.ડી.એસ. કરવાની જવાબદારી આવે.
ઇન્કમ ટેક્સ
- અમારા અસીલને અમારા વકીલ ફીનું બિલ દર વર્ષે અમારા દ્વારા આપવામાં આવે છે. તેઓ આ બિલનું પ્રોવીઝન કરી જે તે વર્ષમાં ખર્ચ તરીકે બાદ લે છે. તેઓ ચાર વર્ષનું સાથે 40000/- ના બિલનું પેમેન્ટ એક સાથે કરે તો શું TDS કાપવાની તેમની જવાબદારી આવે? ગૌરવ પટેલ, એડવોકેટ, ખેડા
જવાબ: ના, આ કિસ્સામાં જ્યારે જે તે વર્ષના ખર્ચની રકમ નિયત મર્યાદાથી નીચે હોય (194જે ના કિસ્સામાં 30000 થી નીચે)ત્યારે TDS કરવાની કોઈ જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.
- અમારા અસીલ પાસે અનલિસ્ટેડ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના 3,50,000 ના શેર છે જે તેઓએ 08.01.2012 માં ખરીદ્યા હતા. 11.05.2021 ના રોજ આ શેરનું 6,80,000/– માં વેચાણ કરેલ છે. આ વ્યવહાર ઉપર ઇન્કમ ટેક્સની શું જવાબદારી આવે? ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 54 નો લાભ અમારા અસીલને મળી શકે. રમેશ કે. સુરેજા, રાજકોટ
જવાબ: તમારા અસીલને અનલિસ્ટેડ શેરના મૂડી નફા ગણવામાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન હોવાથી ઇંડેક્સેશનનો લાભ મળે. આ મૂડીનફા સામે તેઓ ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 54 EC અથવા 54F હેઠળ કરમુક્તિના લાભ મળી શકે તેવો અમારો મત છે.
- અમારા અસીલ એક માલિકી ધોરણે (પેઢી A) ધંધો ધરાવે છે. તેમની અન્ય એક સલગ્ન પેઢી (સિસ્ટર કન્સર્ન) છે જેમની સાથે તેઓના સતત વ્યવહારો થયા કરે છે. બન્ને પેઢીનું પાછલા વર્ષનું ટર્નઓવર 10 કરોડથી વધુ હતું. પેઢી A સલગ્ન પેઢીને 2 કરોડનો માલ વેચે છે. જેનું 1 કરોડ 80 લાખનું પેમેન્ટ તેમણે ચૂકવવામાં આવે છે. આ કિસ્સામાં TCS ની જવાબદારી આવે? પેઢી A પાસે સલગ્ન પેઢીની ડિપોઝિટ છે જેનું વ્યાજ તેઓ સલગ્ન પેઢીને ચૂકવે છે. શું આ વ્યાજ ઉપર પણ TCS ની જવાબદારી આવે? સચિન ઠક્કર, એડવોકેટ, ડીસા
જવાબ: હા, ઉપરોક્ત કિસ્સામાં તમારા અસીલની પેઢી (પેઢી A) TCS ઉઘરાવવા જવાબદાર બને તેવો અમારો મત છે. જે રકમ ઉપર TDS થતું હોય તે રકમ ઉપર TCS ની જવાબદારી આવે નહીં.
:ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિતિ થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.