બર્થ-ડેની ઉજવણી… ના કેક ના ચોકલેટ

[speaker]
કોરોના મહામારીમાં અનેક નજીકના મિત્રો, સ્વજનો ગુમાવ્યા, “તૌઉ- તે” માં અનેક લોકોએ ગુમાવ્યું તેમની રોજી!! કેક કાપી કે ચોકલેટ આપી ના ઉજવી શકાય આ બર્થ-ડે
તા. 09.06.2021: 09 જૂન 2021 એટ્લેકે આજે છે મારો 40 મો જન્મ દિવસ. સામાન્ય રીતે પણ બર્થ-ડે સેલિબ્રેશન મને ગમતું હોતું નથી. પણ આ વર્ષ ચોક્કસ એવું માનું છું કે આ વર્ષે બર્થ ડે ઉજવવો વધુ મુશ્કેલ લાગે. કોરોનાની આ બીજી લહેરમાં નજીકના સ્વજનો ગુમાવ્યા છે તો સાથે સાથે અનેક મિત્રો, અસીલો પણ કોરોનાનો ભોગ બન્યા છે. આ તમામના પરિવારનું જીવન સદંતર બદલી ગયું હશે તેમાં કોઈ શંકાના સ્થાન નથી. ધંધાઓમાં ખૂબ મંદી છે તો અનેક લોકોએ આ મંદીના કારણે પોતાની નોકરી પણ ગુમાવી છે. આ ઉપરાંત ઉના પંથકમાં આવેલ ભયાનક વાવાઝોડા “તાઉ-તે” એ પંથકમાં સાર્વત્રિક વિનાશ કર્યો છે. અનેક લોકોના ઘરની છત વગરના થઈ ગયા છે તો, અનેક ધંધાર્થીએ પોતાના ધંધામાં મોટું નુકસાન વેઠયું છે તો અનેક ખેડૂતોએ પોતાના જીવનની સમગ્ર મહેનત જમીનદોસ્ત થતાં જોઈ છે.
આ સમયે હું ચોક્કસ એવું માનું છું કે બર્થ ડે ઉજવણી કરવી યોગ્ય નથી. હું બર્થ ડે ના ઉજવું તેમાં આ તમામ પરિસ્થિતીમાં કોઈ ફર્ક પડશે નહીં તે હું ચોક્કસ જાણું છું. પણ આ પરિસ્થિતીમાં તેમની સાથે હોવાની લાગણી અનુભાવવા પ્રયત્ન કરું છું. “ઓશો” ના એક અનુયાયી તરીકે કુદરત સામે જંગ કરવા અંગે તો વિચર પણ ના આવે કારણકે એ બાબત ચોક્કસ મનમાં ઘર કરી ગઈ છે કે પરમાત્માની ઈચ્છા સામે તમે તમારી ઈચ્છા રજૂ કરી તેની મહાનતા ઉપર પ્રશ્નાર્થ કરવા પ્રયત્ન પણ કરી શકાય નહીં. પણ ચોક્કસ એવી આશા રાખું છું કે આ મુશ્કેલ પરિસ્થિતી જેમના જીવનમાં આવી છે તેમને નવી રાહ મળશે અને તેઑ હિંમતથી આ પરિસ્થિતીમાંથી બહાર નીકળી શકશે. અનેક એવા મિત્રો હશે જેમના માટે સ્વજન ગુમાવવાના કારણે ઘણી આર્થિક મુશ્કેલી આવી હશે. સ્વજનની વિમા પોલિસી હશે પણ તે અંગે વળતર લેવા મુશ્કેલી પડી હશે. દુકાનો-ફેક્ટરીમાં મોટું નુકસાન થયું હશે અને તેનું વળતર ચૂકવવામાં ઈન્સ્યોરન્સ કંપની અવરોધ ઊભા કરતી હસે. એક “ટેક્સ એડવોકેટ”-એક પત્રકાર તરીકે હું આવા લોકોને તમામ પ્રકારની મદદ કરવા તૈયાર છું. આ માટે તેઓ મારો સંપર્ક કરી શકે છે.
અને છેલ્લે મારા તમામ સ્વજનો, મિત્રો, શુભચિંતકોનો મારા જન્મ-દિવસની શુભકામના આપવા બદલ ખૂબ આભાર. આ બર્થડે હું ના તો “કેક” કાપીશ ના તો હું આપણે ચોકલેટ આપી શકીશ. અમુક મિત્રો આ દિવસે મને ગિફ્ટ આપતા હોય છે તેમણે પણ ખાસ વિનંતી કે આમ પણ હું “ગિફ્ટ” લેવાનોનો ખાસ વિરોધી છું, પણ આ વર્ષે તો મારૂ માન રાખી ખાસ વિનંતી કે કોઈ પણ “ગિફ્ટ કલ્ચર” થી મને શરમાવશો નહીં. તમે મને જે ગિફ્ટ આપવા માંગતા હોય તેની 50% રકમ પણ આ પ્રકારે દુખી થયેલ લોકો માટે વાપરશો તો હું આપનો ખાસ આભારી થઈશ. તમારે ત્યાં આવતા ધરના કામમાં મદદરૂપ થતાં બહેનના બાળકો માટે એક નાની ચોકલેટ આપો તો પણ હું આપનો ખાસ આભારી થઈશ. હા, “નો કેક-નો ચોકલેટ” એ હું એક વ્યક્તિ સામે પાળી શક્યો નથી અને તે છે મારી નાની દીકરી. રાત્રે 12 વાગ્યે જ ચોકલેટ ખવડાવી (ફરજિયાત એવું સમજવું) બર્થ ડે વિશ કર્યો. અને રાત્રે પોતાના રીતે મારા માટે કેક બનાવી રહી છે. દીકરીના આ પ્રેમને ના કહી શકું એવી હિંમત હજુ આવી નથી!!!
અને છેલ્લે તમામ સ્વજનો, મિત્રો અને શુભ ચિંતકોનો તેમની બર્થ-ડે શુભકમનાઑ બદલ ખૂબ આભાર. ભવ્ય પોપટ.