જી.એસ.ટી. પોર્ટલની સફળતા બાદ ઇન્કમ ટેક્સ પોર્ટલ પણ “ઈન્ફોસિસ” ના હવાલે!!! ભગવાન બચાવે ટેક્સ પ્રોફેશનલ્સને

Spread the love
Reading Time: 2 minutes

જી.એસ.ટી. પોર્ટલની નિષ્ફળતા વિષે CAG ના નકારાત્મક રિપોર્ટ પછી પણ જો ઇન્કમ ટેક્સ પોર્ટલ ઈન્ફોસિસને હવાલે કરવામાં આવે તે કેટલું યોગ્ય???

તા. 09.06.2021: જી.એસ.ટી. પોર્ટલનું સંચાલન દેશની દિગ્ગજ ઇન્ફોર્મેશન કંપની ઈન્ફોસિસને સોપવામાં આવ્યું હતું. 2017 થી લાગુ કરવામાં આવેલ જી.એસ.ટી. નું કોઈ સૌથી નબળું પાસું ગણી શકાય તો તે જી.એસ.ટી. પોર્ટલ છે. આ પોર્ટલની નિષ્ફળતાઓને લઈને અનેક સમાચાર વાંચી ચૂક્યા હશો. દેશની વિવિધ હાઇકોર્ટમાં જી.એસ.ટી. પોર્ટલની ખામીઓના અંગે અનેક ચૂકદાઓમાં કોર્ટ દ્વારા ટીકાઓ કરવામાં આવી છે. કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા પણ તેમના રિપોર્ટમાં જી.એસ.ટી. ના અમલ બાદ પોર્ટલની ખામીઓ અંગે ટીકાઓ કરવામાં આવી હતી. આ તમામ હકીકતો બાદ પણ જે નવું ઇન્કમ ટેક્સ પોર્ટલ “લોન્ચ” કરવામાં આવ્યું છે તેનું સંચાલન પણ “ઈન્ફોસિસ” ને સોપવામાં આવ્યું છે!! પોર્ટલ લોન્ચ થયા ના પ્રથમ દિવસેજ પોર્ટલ અંગે અનેક ફરિયાદો ઊભી થઈ હતી. આ ફરિયાદોની તીવ્રતાનો ખ્યાલ ત્યારે આવી શકે જ્યારે દેશના નાણાંમંત્રીએ ખુદ ઈન્ફોસિસના ચેરમેન નંદન નિલકેનીને ટ્વિટર ઉપર આ ફરિયાદો અંગે ધ્યાન આપવા જણાવ્યુ હતું. આ અંગે વાત કરતાં ટેકનિકલ એક્સપર્ટ અને જેતપુરના જાણીતા ટેક્સ એડવોકેટ લલિત ગણાત્રા જણાવે છે કે “એક સારામાં સારી રીતે ચાલતી incometaxindiaefiling.gov.in વેબસાઈટ કે જે NIC ચલાવતી હતી તેની જગ્યા એ નવી વેબસાઈટ incometax.gov.in લઈને આવ્યા જેને ઈન્ફોસિસ ચલાવશે ત્યારે આ વેબસાઈટ ઉપર દરેક પ્રકારના ફોર્મ નવા ડેવલોપ થશે. હવે એક એક ફોર્મ ડેવલોપ કરવામા GSTની વેબસાઈટ પર કેટલો સમય લીધો છે તે સૌ જાણે જ છે. હવે તે જ કંપનીને આખુ ઇન્કમ ટેક્સનું નેટવર્ક સોપી દેવું કેટલું યોગ્ય ગણાય??”.

ઇન્કમ ટેક્સની વેબસાઇટ ખૂબ સારી રીતે ચાલી રહી હતી. આ સારી રીતે ચાલતી વેબસાઇટને વધુ સરળતા લાવવા ડિસ્ટર્બ કરવી કોઈ રીતે જરૂરી નથી. જી.એસ.ટી. લાગુ કર્યા સમયે સરકારના એક ઉચ્ચ અધિકારી દ્વારા જાહેરાત થઈ હતી કે જી.એસ.ટી. રિટર્ન સિસ્ટમ એટલી સરળ હશે કે એક નાનો બાળક પણ આ ફોર્મ ભરી શકે. આજે જી.એસ.ટી. પોર્ટલ ઉપર કામ કરતાં દરેક વ્યક્તિ આ બાબત જાણે છે કે અધિકારીની આ બાબત કેટલી ખોટી સાબિત થઈ છે. ઇન્કમ ટેક્સની નવી વેબસાઇટ લોન્ચ કરવા પાછળ પણ આજ કારણ આપવામાં આવી રહ્યું છે. છેલ્લા 3 દિવસથી નવી વેબસાઇટ ટેક્સ પ્રોફેશનલ્સના ગુસ્સાનો ભોગ બની રહી છે. સરળતા તો આવશે ત્યારે આવશે અત્યારે તો ભગવાન બચાવે ટેક્સ પેયર્સ… સોરી ટેક્સ પ્રોફેશનલ્સને!!! ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.

3 thoughts on “જી.એસ.ટી. પોર્ટલની સફળતા બાદ ઇન્કમ ટેક્સ પોર્ટલ પણ “ઈન્ફોસિસ” ના હવાલે!!! ભગવાન બચાવે ટેક્સ પ્રોફેશનલ્સને

  1. નાણાકીય વર્ષ પૂર્ણ થાય પછી ૩૦.૦૯.૨૦૨૧ સુધી નોન ઓડિટ વાળા રિટર્ન ફાઇલ કરવાના હોય છે એટલે ૬ માસ નો સમય મળે છે . અને ઓડિટ કેસ વાળા રિટર્ન ભરવા ૩૦.૧૧.૨૦૨૧ સુધી નો સમય મળે છે એટલે કે ૮ માસ નો સમય મળે છે. નાણાકીય વર્ષ પૂર્ણ થયા ને ૨.૫ માસ જેટલો સમય વીતી ગયો છે. હજુ સુધી ઇન્કમ ટેક્સ ની વેબસાઇટ ના ઠેકાણા નથી. રિટર્ન ફાઇલ થઈ શકતા નથી. ૬ માસ માંથી ૨.૫ માસ વેડફાઇ જાય એ પ્રોફેશનલ માટે બહુ જ નુકશાન છે. ડ્યુ ડેટ નજીક આવશે પછી પ્રોફેશનલ દ્વારા તારીખ લંબાવવા માટે માંગણી કરવામાં આવશે તો નાણા મંત્રી માંગણી ધ્યાને લેશે નહીં. વેબસાઇટ એવી રીતે તૈયાર હોવી જોઈએ કે પહેલી એપ્રિલ થી જ રિટર્ન ફાઇલ થઈ શકે. આજે ૧૦ જૂન છે. અંદાજે ૭૦ દિવસ પ્રોફેશનલ ના વેડફાઇ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!