પાછલું GSTR 3B નહીં ભર્યું હોય તો નહીં ભરી શકાય ફોર્મ GSTR 1… જી.એસ.ટી. ડિફોલ્ટર્સ ઉપર થશે ગંભીર અસર
સેન્ટરલ જી.એસ.ટી. હેઠળ બહાર પાડવામાં આવ્યું નોટિફિકેશન 35: નિયમોમાં કરવામાં આવ્યા મહત્વના ફેરફાર
તા. 26.09.2021: જી.એસ.ટી કાયદા હેઠળ નોટિફિકેશન 35 બહાર પાડી મહત્વના ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે. હાલ, પાછલા બે જી.એસ.ટી.આર. 3B રિટર્ન બાકી હોય તો જ કરદાતાઓને પોતાનું GSTR 1 ભરવામાં રોક લાગુ હતી. 01 જાન્યુઆરી 2022 થી આ નિયમમાં ફેરફાર કરી કોઈ કરદાતાનું 1 મહિનાનું GSTR 3B પણ જો બાકી હશે તો તે આગામી GSTR 1 ભરી શકશે નહીં. આમ, રિટર્ન ભરવાંમાં તથા ટેક્સ ભરવામાં ચૂક કરતાં કરદાતા ઉપર આ નિયમની ગંભીર અસર થશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. કોઈ કરદાતા દ્વારા શરતચૂકથી IGST ના સ્થાને CGST/SGST અથવા CGST/SGST ના સ્થાને IGST ભરવામાં આવ્યા હોય તેવા કિસ્સામાં જી.એસ.ટી. કાયદાની કલમ 77 હેઠળ રિફંડ મેળવવાનું થાય છે. આ રિફંડ સાચું ચલણ ભરાયાના બે વર્ષની અંદર માંગવાનુ રહેશે. જો કે જૂના વર્ષો માટે આ નિયમ લાગુ થયાના બે વર્ષમાં આ રિફંડ માંગી શકાશે તેવો ફેરફાર પણ નિયમ 89(1A) લાગુ કરતાં કરવામાં આવ્યો છે. આ નિયમ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત જી.એસ.ટી. રિફંડ લેવા હક્કદાર કરદાતાઓ માટે એ જ બેન્ક ખાતા યોગ્ય ગણાશે જે ખાતાઓ માં બેન્ક એકાઉન્ટ પોતાના PAN ઉપર લેવામાં આવ્યો હોય. માલિકી ધોરણે ધંધો કરતાં અને રિફંડ લેવા હક્કદાર કરદાતાઓનો PAN, આધાર કાર્ડ સાથે લિન્ક હોય તે પણ જરૂરી બનાવવામાં આવ્યું છે. આ ફેરફાર પણ હાલ લાગુ કરવામાં આવ્યો નથી અને આ ફેરફાર લાગુ કરવા અંગેની તારીખ ભવિષ્યમાં બહાર પાડવામાં આવશે. .
જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો મેળવ્યાના 45 દિવસમાં પોતાનું બેન્ક ખાતું પોર્ટલ ઉપર રજીસ્ટર કરાવવાનું થતું હોય છે. કરદાતાઓ એ હવે એ ખાતું આપવું ફરજિયાત રહેશે જે ખાતામાં કરદાતાનું નામ હશે અને જે PAN ઉપર જી.એસ.ટી. નંબર લેવામાં આવ્યો છે તે જ નંબર જે તે બેન્ક ખાતામાં પણ રજીસ્ટર હોય તે જરૂરી બનશે. આ ઉપરાંત માલિકી ધોરણે ધંધો કરતાં કરદાતા જે નવો જી.એસ.ટી. નંબર લેવામાં આવે તો તેમના PAN સાથે આધાર કાર્ડ લિન્ક થયેલું હોય તે જરૂરી ગણાશે. જો કે આ ફેરફાર હાલ લાગુ કરવામાં આવ્યો નથી અને આ ફેરફાર લાગુ કરવા અંગે ભવિષ્યમાં જાહેરનામું બહાર પાડવામાં આવશે.
આ ઉપરાંત જી.એસ.ટી. હેઠળ રિવોકેશનની અરજી કરવા, રિફંડની અરજી કરવા કરદાતા માટે આધાર OTP ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ઓથેન્ટીકેશન કરવામાં સરકારી સંસ્થા/એકમોને મુક્તિ આપવામાં આવી છે. આ સિવાય માલિકી ધોરણે ધંધો કરતાં કરદાતા માટે માલિક દ્વારા આધાર OTP કરાવવાનું રહેશે જ્યારે ભાગીદારી પેઢી માટે ભાગીદારના આધાર પર, કંપની માટે મેનેજિંગ ડાયરેક્ટર દ્વારા આધાર OTP કરાવવું જરૂરી બનશે. આ ફેરફાર પણ હાલ લાગુ કરવામાં આવ્યો નથી. આ ફેરફાર લાગુ કરવા અંગે ભવિષ્યમાં જાહેરનામું બહાર પાડવામાં આવશે.
જી.એસ.ટી. નિયમોમાં કરવામાં આવેલ આ ફેરફારો મુખ્યત્વે કરચોરીના દૂષણ ડામવા કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ ફેરફારોની વેપાર જગત ઉપર મહત્વની અસર થશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.