ગુજરાત હાઇકોર્ટનો સેંટરલ અને સ્ટેટ જી.એસ.ટી. ને પ્રશ્ન: વેચનાર વેરો ના ભારે તો પણ પ્રમાણિક ખરીદનારને તમે કેવી રીતે રાહત આપશો?
જી.એસ.ટી. કાયદાની કલમ 16(2)(c) ની વૈધતા પડકારતી અરજી દરમ્યાન ગુજરાત હાઇકોર્ટનો જી.એસ.ટી. ડિપાર્ટમેંટને વેધક પ્રશ્ન!
તા. 11.03.2022: ગુજરાત હાઇકોર્ટમાં જી.એસ.ટી. કાયદાની કલમ 16(2)(c) ની વૈધતા બાબતે પ્રશ્ન ઉઠાવતી રિટ પિટિશન દાખલ કરવામાં આવી છે. જી.એસ.ટી. કાયદાની આ કલમ મુજબ જ્યારે વેચનાર દ્વારા વેરો ભરવામાં ના આવ્યો હોય તેવા સંજોગોમાં ખરીદનારની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ના આપવા અંગે જોગવાઈ કરવામાં આવેલ છે. આ કેસની સુનાવણી દરમ્યાન ગુજરાત હાઇકોર્ટની ટેક્સ બેન્ચ દ્વારા સેંટરલ અને સ્ટેટ ટેક્સ ડિપાર્ટમેંટને એવો વેધક પ્રશ્ન કરવાંમાં આવ્યો હતો કે, અપ્રમાણિક કરદાતાઓને રોકવાના હેતુથી બનાવવામાં આવેલ આ જોગવાઈમાંથી પ્રમાણિક કરદાતાઓને તમે કેવી રીતે રાહત આપશો? કોર્ટ દ્વારા નોંધવામાં આવ્યું હતું કે વેચનાર વેપારી ટેક્સ ના ભારે તેના ઉપર ખરીદનાર વેપારી કેવી રીતે જવાબદાર બની શકે?? ખરીદનાર દ્વારા જ્યારે વેચનારને માલ તથા ટેક્સની રકમ ચૂકવી આપવામાં આવી હોય ત્યારે ખરીદનારની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ કેવી રીતે રોકી શકાય? આ પ્રકારના મહત્વના પ્રશ્નો બેન્ચ દ્વારા સરકારી વકીલને કરવામાં આવ્યા હતા. જો કે કોર્ટ દ્વારા નોંધવામાં આવ્યું હતું કે જ્યારે કોઈ ખરીદનાર તથા વેચનારની સાંઠગાંઠ સાબિત થતી હોય ત્યારે ચોક્કસ આ ખરીદનારની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરી શકાય છે. આ કેસની સુનાવણીમાં જી.એસ.ટી. ડિપાર્ટમેંટ તરફથી સિનિયર એડવોકેટ સરકારનો પક્ષ રજૂ કરશે. આ કેસની હવે પછીની સુનાવણી આગામી સપ્તાહમાં થશે તેવી સંભાવના રહેલી છે. આ કેસ જી.એસ.ટી. હેઠળ પ્રમાણિક કરદાતાઓને કરવામાં આવી રહેલી કનડગત સામે ખૂબ મહત્વનો સાબિત થશે તે ચોક્કસ છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.