ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છે આ છેલ્લી તક!!
નાણાકીય વર્ષ 2020 21 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 છે.
તા. 09.03.2022
આ કરદાતાઓ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું છે ફરજિયાત!!
ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ અમુક વ્યક્તિઓ તથા અમુક સંજોગોમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત રહેતું હોય છે. વ્યક્તિગત કરદાતા તથા H U F કરદાતાની આવક જો કરપાત્ર મર્યાદાથી વધુ હોય તો તેવા સંજોગોમાં તેમના માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત બની જતું હોય છે. આવી રીતે અમુક ખાસ નિયત કરેલ ટ્રસ્ટને છોડતા, અન્ય ટ્રસ્ટ માટે કરપાત્રથી મર્યાદાથી વધુ આવક હોય તો રિટર્ન ભરવું ફરજિયાત બની જતું હોય છે. જ્યારે વ્યક્તિ, HUF કે ટ્રસ્ટ સિવાયના કરદાતા જેવા કે ભાગીદારી પેઢી, લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ (LLP) તથા કંપની માટે આવક હોય કે ના હોય ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત હોય છે. વ્યક્તિગત તથા HUF કરદાતા જેઓ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત નથી તેઓએ પણ મરજિયાત રીતે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું જોઈએ તેવું નિષ્ણાંતોનો એક ચોક્કસ વર્ગ માની રહ્યો છે.
ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાના ફાયદા:
લોન લેવામાં ઇન્કમ ટેક્સ રિટર્નની ઉપયોગિતા
જ્યારે કોઈ વ્યક્તિ ઘર, ગાડી કે અન્ય કોઈ પણ લોન લેવા કોઈ બેન્ક પાસે જાઈ ત્યારે આ ઇન્કમ ટેક્સ રિટર્ન અતિ ઉપયોગી સાબિત થતું હોય છે. સામાન્ય રીતે બેન્કમાં ત્રણ વર્ષના રિટર્ન માંગવામાં આવતા હોય છે. આ માટેનું મુખ્ય કારણ એ છે કે કરદાતાના ત્રણ વર્ષના આવક ઉપરથી સરેરાશ આવક નક્કી કરી શકાય. આમ, જો નિયમિત રિટર્ન ભરવામાં આવે તો આ પ્રકારે બેન્ક લોન લેવામાં ઇન્કમ ટેક્સ રિટર્ન ખૂબ ઉપયોગી બને છે. હાલ, માત્ર એક નાણાકીય વર્ષનું રિટર્ન જ ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર ભરી શકાય છે. હાલ કરદાતા માત્ર નાણાકીય વર્ષ 2020 21 નું નાણાકીય રિટર્ન ભરી શકે છે. એક થી વધુ રિટર્ન એક સાથે ભરી શકાય તેમ ના હોય આ બાબતે યોગ્ય આયોજન કરી સમયસર રિટર્ન ભરવામાં આવે તે ખૂબ જરૂરી છે.
મૂડી ઊભી કરવાંમાં ઇન્કમ ટેક્સ રિટર્નની ઉપયોગિતા:
ઇન્કમ ટેક્સ રિટર્ન નિયમિત ભરવામાં આવે તો વ્યક્તિ સારી એવી મૂડી ઊભી કરી શકે છે. આ મૂડી માંથી તેઓ પોતાની જરૂરિયાત પ્રમાણે મિલ્કત ખરીદીમાં, વિવિધ રોકાણ કરવામાં, વિદેશ પ્રવાસો માટે કે અન્ય કોઈ પણ હેતુ માટે ઉપયોગ કરી શકે છે.
વિદેશાગમન માટે આવકના પુરાવા તરીકે મહત્વનો પુરાવો:
વ્યક્તિ પોતે પોતાના પરિવાર માટે જ્યારે વિદેશ ફરવા કે અભ્યાસ કરવા જવા માટે વિઝા માટે અરજી કરે ત્યારે ઇન્કમ ટેક્સ રિટર્ન મહત્વનો પુરાવો સાબિત થતું હોય છે. વ્યક્તિની આવક બાબતે સૌથી વધુ સ્વીકાર્ય પુરાવા તરીકે ઇન્કમ ટેક્સ રિટર્નને માનવમાં આવે છે. વ્યવસ્થિત આયોજન કરીને ભરવામાં આવેલ ઇન્કમ ટેક્સ રિટર્નના કારણે વિઝાની વિધિ સરળતાથી તથા વધુ સકારાત્મક રીતે પૂરી થઈ શકે છે.
અન્ય ફાયદાઓ:
ઇન્કમ ટેક્સ રિટર્ન ઘણી જગ્યાએ એડ્રેસ પ્રૂફ તરીકે પણ ઉપયોગી બનતા હોય છે. આ ઉપરાંત ઈન્સ્યોરન્સ ક્લેમમાં પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ઉપયોગી થતાં હોય છે. જે વ્યક્તિનો ટેક્સ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા કાપવામાં આવ્યો હોય તેઑ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી આ કપાયેલ ટેક્સનું રિફંડ મેળવી શકે છે.
શું PAN હોય એટ્લે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત છે?
આ પ્રશ્ન ટેક્સ પ્રોફેશનલ્સને વારંવાર તેઓના અસીલ પૂછતાં હોય છે કે શું PAN ધરાવતા હોય તેવા વ્યક્તિગ્ત કરદાતાને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત છે??. આ પ્રશ્નનો જવાબ છે ના. વ્યક્તિગત કરદાતા માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું એવા સંજોગોમાં જ ફરજિયાત છે જ્યારે તેઓની આવક કરપાત્ર મુક્તિ મર્યાદાથી વધુ હોય. હાલ કરપાત્ર મુક્તિ મર્યાદા 2,50,000 છે. આમ, અઢી લાખથી વધુ આવક હોય તેવા વ્યક્તિગત કરદાતાએ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત છે. માત્ર, PAN કાર્ડ હોય એટ્લે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત નથી.
ઇન્કમ ટેક્સની મુક્તિ મર્યાદા છે 2,50,000/- નહીં કે 5,00,000/-
ઇન્કમ ટેક્સ હેઠળ નાણાકીય વર્ષ 2020 21 માટે આવકની મુક્તિ મર્યાદા 2,50,000 છે. ઘણા લોકોની એવી માન્યતા છે કે ઇન્કમ ટેક્સ હેઠળ મુક્તિ મર્યાદા 5,00,000/- છે અને 5 લાખની આવક હોય ત્યાં સુધી ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત નથી. પરંતુ આ માન્યતા તદ્દન ખોટી છે. 2,50,000/- ઉપરની આવક ધરાવતા વ્યક્તિ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફરજિયાત બની જાય છે. હાલ, વ્યક્તિગત કરદાતાઑને 5 લાખ સુધી એક ખાસ પ્રકારનું રિબેટ આપવામાં આવે છે જેથી તેઓએ 5 લાખ સુધી કોઈ ટેક્સ ભરવાનો થતો નથી પરંતુ 2.5 લાખ ઉપરની આવક હોય તો રિટર્ન ભરવું ફરજિયાત બની જતું હોય છે.
ખાસ સંજોગોમાં ઇન્કમ ટેક્સ રિટર્ન બને ફરજિયાત
ઇન્કમ ટેક્સ હેઠળ અમુક ખાસ સંજોગોમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત બનાવવામાં આવ્યું હોય છે. નીચેના સંજોગોમાં અમક મુક્તિ મર્યાદાથી ઓછી હોવા છતાં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત બની જાય છે.
- વિદેશમાં કોઈ મિલ્કત ધરાવતા હોય ત્યારે,
- ભારત બહાર કોઈ બેન્ક એકાઉન્ટમાં સહી કરવાની સત્તા હોય ત્યારે,
- એક કે તેથી વધુ કરંટ ખાતામાં 1 કરોડથી વધુ રકમ બેન્ક ખાતામાં જમા કરવવામાં આવી હોય ત્યારે,
- બે લાખથી વધુ ખર્ચ વિદેશ પ્રવાસ પાછળ કરવામાં આવ્યો હોય તેવા સંજોગોમાં
- એક લાખથી વધુ ઇલેક્ટ્રીક બિલની વર્ષ દરમ્યાન ચુકવણી કરવામાં આવી હોય ત્યારે,
31 માર્ચ 2022 પછી નાણાકીય વર્ષ 2020 21 નું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી શકશે નહીં. આવા સંજોગોમાં જ્યાં ફરજિયાત ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા પત્ર હોય ત્યાં તો આ રિટર્ન ભરી આપવું જોઈએ જ પરંતુ કે કરદાતાઓ માટે ઉપર જણાવેલ ફાયદાઑ મેળવવા પણ 31 માર્ચ પહેલા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું ફરજિયાત બની જાય છે.
15 માર્ચ પહેલા ભરો નાણાકીય વર્ષ 2021 22 નો એડવાન્સ ટેક્સ.
કોઈ પણ નાણાકીય વર્ષમાં કરદાતાનો ભરવાપાત્ર વેરો 10000/- થી વધુ થતો હોય, તેવા સંજોગોમાં કરદાતા એડવાન્સ ટેક્સ ભરવા જવાબદાર થતાં હોય છે. કરદાતાએ પોતાના ચાલુ નાણાકીય વર્ષની આવકનો અંદાજ કરી જો ભરવાપત્ર વેરો 10000/- થી વધુ થતો હોય તો નિયત હપ્તાઑમાં ભરવાનો થાય છે. 15 માર્ચ 2022 સુધીમાં આવા કરતાએ પોતાનો એડવાન્સ ટેક્સનો ચોથો હપ્તો ભરવાનો થાય છે. ઇન્કમ ટેક્સ હેઠળ 44AD, 44ADA જેવી અંદાજિત તાવક યોજનાનો લાભ લેતા કરદાતાઓ માટે પણ પોતાની આવકનો અંદાજ કરી ટેક્સની સંપૂર્ણ રકમ 15 માર્ચ પહેલા જમા કરાવવાની રહે છે. આમ ના કરવામાં આવે તો કરદાતા ઉપર માસિક ધોરણે 1% જેવુ વ્યાજ લાગુ થતું હોય છે. આ વ્યાજ બચાવવા 15 માર્ચ પહેલા એડવાન્સ ટેક્સ ભરી આપવો જરૂરી છે.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા. 07.03.2022 ના રોજ પ્રકાશિત થયેલ છે)