ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસના આ “ન્યુ ઈન્ડિયા” માં જી.એસ.ટી. રજીસ્ટ્રેશન મેળવવું નથી “ઇઝી”!!
તા. 16.05.2022
જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો મેળવવો છેલ્લા થોડા સમયથી ખૂબ મુશ્કેલ બની ગયો છે. 01 જુલાઇ 2017 ના રોજ જ્યારે જી.એસ.ટી. લાગુ કરવામાં આવ્યો ત્યારે જી.એસ.ટી.ની અનેક પ્રક્રિયાઓમાં ખામીઓ હતી. જી.એસ.ટી. પોર્ટલ ઉપરની વિવિધ ખામીઓના કારણે કરદાતાઓ તથા વધુ ટેક્સ પ્રોફેશનલ્સના દ્વારા આ અંગે ખૂબ રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો. પરંતુ એ સમયે જો સૌથી વધુ વખાણ જો કોઈ પ્રક્રિયાના થતાં હતા તો તે હતા જી.એસ.ટી. હેઠળ નોંધણી મેળવવાની પ્રક્રિયાના!!! આજે જ્યારે જી.એસ.ટી. લાગુ થયાને 5 પૂરા થવા આવવાના હોય ત્યારે પરિસ્થિતી સદંતર બદલાઈ ગઈ છે. જી.એસ.ટી. હેઠળ મોટા ભાગની પ્રક્રિયા સરળ બની ગઈ છે પરંતુ જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો મેળવવો ખૂબ મુશ્કેલ બની ગયો છે.
શું છે આ પાછળનું કારણ?
01 જુલાઇ 2017 થી જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી હજારો કરચોરીના નાના મોટા અનેક કૌભાંડ બહાર આવ્યા છે. આ કૌભાંડોમાં “બિલિંગ” કૌભાંડ સૌથી મોટો ભાગ ભજવે છે. માલનું વેચાણ કર્યા વગર બિલ આપવાની પ્રવૃતિ અથવા માલ વેચાણ કરવામાં આવ્યો હોય અને બિલ આપવામાં ના આવ્યું હોય આ પ્રકારની પ્રવૃતિના કારણે જી.એસ.ટી. ની આવકમાં ખાસ્સું એવું ગાબડું પડતું હોય છે. “સર્ક્યુલર ટ્રાન્સેકશન” (બોગસ વ્યવહારો) દ્વારા પણ જી.એસ.ટી. હેઠળ મોટી કરચોરી આદરવામાં આવતી હોય છે. જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા આવા વેપારીને ત્યાં તપાસ ધરી માસ મોટી “ડિમાન્ડ” (માંગણું) પણ ઊભી કરવામાં આવતી હોય છે. આ પ્રકારે છાશવારે બહાર પડતાં કૌભાંડોના કારણે કરચોરી અંગેની શંકા અને શક્યતા અંગે ધારણા કરી મોટાભાગના જી.એસ.ટી. હેઠળના નવા નોંધણી મેળવવાની અરજીને નકરવામાં આવતી હોય છે. જેમ જેમ આ પ્રકારે કૌભાંડ બહાર આવતાં ગયા તેમ તેમ જી.એસ.ટી. હેઠળ નિયમોમાં વિવિધ ફેરફારો કરવામાં આવ્યા છે. જી.એસ.ટી. હેઠળ ક્રેડિટ મેળવવા તથા નોંધણી દાખલો મેળવવા અંગેના નિયમો ખૂબ વધુ કડક અને મુશ્કેલ બનાવી નાંખવામાં આવ્યા છે.
જી.એસ.ટી. ડિપાર્ટમેંટની છે પોતાની તકલીફ:
વારંવાર બહાર આવતા આ જી.એસ.ટી. “બોગસ બિલિંગ” કૌભાંડના કારણે જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દરેક કરદાતાને શંકાની નજરે જોઈ રહ્યું છે. સેંટરલ જી.એસ.ટી. તથા મોટાભાગના રાજ્ય જી.એસ.ટી. ખાતા દ્વારા પોતાના અધિકારીઓને ખાતાકીય પરિપત્ર દ્વારા નવા નોંધણી દાખલા આપવામાં ખૂબ સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. ગુજરાત રાજ્ય જી.એસ.ટી.ની વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા ભાવનગર અને આસપાસના વિસ્તારમાંથી પકડવામાં આવેલ મોટા “બોગસ બિલિંગ” કૌભાંડના કારણે નવા નોંધણી દાખલા આપવામાં અધિકારીઓને ખૂબ કડક માર્ગદર્શિકાઓ આપવામાં આવી છે. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અધિકારીઓને એવું પણ જણાવવામાં આવે છે કે જે તે નવા જી.એસ.ટી. નંબર આપવામાં જો કોઈ કરદાતા (વેપારી) “બોગસ બિલિંગ” કરતો ઝડપાશે તો તે અંગે જે તે અધિકારીની અંગત જવાબદારી રહેશે. આ કારણે અધિકારીઓ જી.એસ.ટી. નંબર આપવામાં ખૂબ વધુ સાવચેતી રાખી રહ્યા છે. “દૂધનો દાઝેલો જેમ છાસ પણ ફૂંકીને પીવે” તેવી રીતે “બોગસ બિલિંગ” થી ત્રસ્ત જી.એસ.ટી. ડિપાર્ટમેંટ ખૂબ ચાળી ચાળીને નવા નોંધણી દાખલા (રજીસ્ટ્રેશન) આપી રહ્યું છે.
પ્રમાણિક કરદાતા થઈ રહ્યા છે પરેશાન:
જી.એસ.ટી. ડિપાર્ટમેંટના આ વલણના કારણે મોટા પ્રમાણમાં પ્રમાણિક કરદાતાઓ પરેશાન થઈ રહ્યા છે. જી.એસ.ટી. નંબર મેળવવાની અરજી એક થી વધુ વાર કરી હોવા છતાં દરેક વખતે અલગ અલગ કારણોસર નોંધણી દાખલો મેળવવાની અરજી રદ્દ કરી હોવાના અનેક દાખલા સામે આવી રહ્યા છે. કોઈ વેપારી મરજિયાત રીતે જી.એસ.ટી. નંબર મેળવવા અરજી કરે ત્યારે જી.એસ.ટી.ની આવકમાં વધારો થઈ તે સામાન્ય બાબત છે. પરંતુ આ પ્રકારે મરજિયાત રીતે નોંધણી નંબર મેળવતા દરેક વેપારી “બોગસ” હોવાની પ્રાથમિક માન્યતાથી પીડાતા જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા ખૂબ મોટા પ્રમાણમા અરજીઓ રદ્દ કરવામાં આવે છે. હદ્દ તો ત્યારે થઇ જાય છે જ્યારે કોઈ વેપારી કંપોઝીશન હેઠળ પરવાનગી સાથે નવા નોંધણી દાખલા માટે અરજી કરે ત્યારે પણ અનેક કિસ્સામાં આ અરજી રદ કરવામાં આવી છે તેવા કિસ્સા સામે આવી રહ્યા છે. આ તકે એ જાણવું વાંચકો માટે જરૂરી છે કે જી.એસ.ટી. હેઠળ કંપોઝીશન હેઠળ નોંધણી દાખલો મેળવે તે વેપારી કોઈ પણ રીતે “બોગસ બિલિંગ” કરી કોઈ ફાયદો મેળવી શકે નહીં. આ તો એવા વેપારી છે જેઓ “ફૂલ નહીં તો ફૂલની પાંખડી” સરકારને જી.એસ.ટી. સ્વરૂપે જમા કરાવશે. ટેક્સ પ્રોફેશનલ્સના મનમાં એ પ્રશ્ન સતત થઇ રહ્યો છે કે “બોગસ બિલિંગ” દ્વારા કરચોરી આચરી સરકારી તિજોરીને નુકસાન આપનાર કરદાતાની ઉપર આકરી કાર્યવાહી કરવામાં આવી રહી હોય ત્યારે આ રીતે કંપોઝીશન હેઠળના કરદાતાઓને પણ નોંધણી દાખલો ના આપીને સરકારી તિજોરીને જે નુકસાન જઇ રહ્યું છે તેનું શું??
જી.એસ.ટી. વધારવા સરકારના પ્રયાસો:
એક તરફ વેરો વધારવા ઝુંબેશ અને બીજી તરફ નવા કરદાતાઓને નોંધણી દાખલો ના આપી વેરો ઘટાડવા આડકતરી રીતે પ્રયાસો થઇ રહ્યા હોય તેવું જમિની સ્તરે લાગી રહ્યું છે. છેલ્લા ઘણા મહિનાઓથી જી.એસ.ટી. ના આંકડાઓ નવા કીર્તિમાન કરી રહ્યા છે એ બાબત ચોક્કસ છે પરંતુ જો વ્યાવહારિક ચકાસણી કરી જી.એસ.ટી. યોગ્ય કરદાતાઓને જી.એસ.ટી. નંબર સમયસર ફાળવવામાં આવે તો જી.એસ.ટી. ની આવકમાં હજુ વધારો થઇ શકે છે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.
શું આ નથી ધંધો કરવાના અધિકાર પર તરાપ??
ભારતીય બંધારણના અનુચ્છેદ 19(1)(g) હેઠળ ભારતના દરેક નાગરિકને સમગ્ર દેશમાં કાયદેસરનો ધંધો કરવાનો મૂળભૂત અધિકાર છે. જી.એસ.ટી. કાયદા હેઠળની જોગવાઈઑને આધીન વ્યક્તિ જી.એસ.ટી. નંબર મેળવવા જવાબદાર તથા હક્કદાર પણ છે. હાલની જી.એસ.ટી. ડિપાર્ટમેંટની નીતિ એ વ્યકિતના ધંધો કરવા અંગેના બંધારણીય અધિકાર ઉપર તરાપ નથી??? આ પ્રશ્ન કાયદાવીદો માટે ચર્ચાનો વિષય બની રહ્યો છે.
કરચોરી ડામવી છે જરૂરી પણ સામે ધંધાને ડામવામાં ના આવે તે બાબત પણ ધ્યાને રાખવી છે જરૂરી!!
માનનીય પ્રધાનમંત્રી દ્વારા “ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ”, “મેઈક ઇન ઈન્ડિયા” જેવા અનેક પગલાઓ ધંધા-રોજગારના હિત માટે ઉઠાવવામાં આવ્યા છે. આ તમામ પગલાંઓને હાલની જી.એસ.ટી. ડિપાર્ટમેંટની નીતિ વિપરીત પરિણામ આપી રહી છે. કરચોરી કે કરચોરોને સમર્થન આપવાનો ઉદેશ ક્યારેય આ લેખનો કે લેખકનો ના હોય શકે. માત્ર, આ પ્રકારની નીતિથી પ્રમાણિક ધંધાદારીઓ જે મુશ્કેલી ભોગવી રહ્યા છે તે ઉજાગર કરવાનો આ એક પ્રયાસ છે. છેલ્લે લેખનું સમાપન ફરી એ ઉક્તિ દ્વારા જ કરીશ કે “કરચોરી ડામવી ચોક્કસ જરૂરી છે પરંતુ આ કરચોરી ડામવાના આ પ્રયાસમાં ધંધાને-રોજગારને ડામવામાં ના આવે તેની તકેદારી રાખવી વધુ જરૂરી છે”
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબમાંની વ્યાપારભૂમિ પૂર્તિમાં 16 મે 2022 ના રોજ પ્રકાશિત થયેલ છે.)