“તૌક્તે” વાવાઝૉડાનું એક વર્ષ: કુદરત સામે ઝઝૂમતી માનવ આશ

Spread the love
Reading Time: 5 minutes

તા. 17.05.2022: 17 મે 2021, સૌરાષ્ટ્રના દરિયાકિનારા ઉપર કદાચ ઇતિહાસનું સૌથી મોટું વાવાઝૉડૂ ફૂંકાયું. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ઉના પંથકને આ વાવાઝૉડાએ સૌથી વધુ પ્રભાવિત કર્યું હતું. દેશના સૌથી મોટા તાલુકામાં એક જે તાલુકાની ગણના થાય છે તેવા ઉના તાલુકા માટે આ દિવસ કદી ભૂલી શકશે નહીં. મુખ્યત્વે ખેતી ઉપર આધારીત આ તાલુકો, 17 મે 2021 ના દિવસે કેરી-નાળિયેરી સહિતના પાકને મરણતોલ ફટકો પડ્યો. સાંજે 5 કલાકથી શરૂ થયેલ તોફાની પવન દ્વારા રાત્રે આવનારી આફતની વણલિખિત ચેતવણી આપવામાં આવી રહી હતી. મારા જેવા અસંખ્ય લોકો હશે જેઓએ આ વાવાઝૉડા અંગેની હવામાન વિભાગની ચેતવણીને જોઈએ તેવી ગંભીરતાથી લીધી નહીં હોય, જોઈએ તેવી બચાવની તૈયારી પણ કરી નહીં હોય. જો કે શક્તિશાળી તૌક્તેના જાત અનુભવ પછી એટલું ચોક્કસ કહીશ કે કદાચ ગમે તેવી તૈયારી કરી હોય તો પણ કુદરતની વિનાશક્તા સામે માનવીની કોઈ વિસાત નથી!! લોકોની સાવચેતી, સરકારી તૈયારી તથા ટેકનૉલોજિ દ્વારા આગમચેતીના કારણે  માનવ જીવનને પ્રમાણમા ખૂબ ઓછું નુકસાન થયું હતું. પંથકમાં માલ-મિલકતને ખૂબ મોટું નુકસાન થયું હતું. દિવસો સુધી પંથકના લોકોએ વીજળી-પાણીની અછતનો સામનો કર્યો હતો. પંથકના લોકોનું સામાન્ય જીવન લગભગ 1 મહિના સુધી ખોરવાયેલું રહ્યું હતું. આજે આ શક્તિશાળી વાવાઝૉડાના એક વર્ષ બાદ શું છે પરિસ્થિતી આ પંથકની???

ખેતી આધારિત ઉના થયું અનાથ:

ઉના પંથકનો આર્થિક વિકાસના પ્રાણ ખૂબ મોટા પાયે ખેતી ઉપર આધારિત છે. ભૌગોલિક દૂરીના કારણે મોટા ઉદ્યોગ આ પંથકમાં આવી શક્યા નથી. જે થોડા નાના મોટા ઉદ્યોગ છે તે પણ ખેતી આધારિત છે. દાણાના કારખાના, કોટન જિનિંગ ઉદ્યોગ, ડુંગળી-લસણને પ્રોસેસ કરતાં ડી-હાઈડ્રેશન ઉદ્યોગ એ ઉના ખાતેના ઉદ્યોગમાં મુખ્ય છે. માછીમારી પણ પંથકનો મહત્વનો ઉદ્યોગ ગણાય છે. આ ઉપરાંત મોટા પ્રમાણમા આજુબાજુના વિસ્તારમાં ગામડાઓ હોવાના કારણે ઉનાનો વેપાર પણ પ્રમાણમા સારો ગણવામાં આવે છે. પરંતુ આ ઉદ્યોગ હોય, વેપાર હોય કે અન્ય કોઈ આર્થિક પ્રવૃતિ, આ તમામનો આધાર મૂળભૂત રીતે તો ખેતી પર જ રહેલો છે. જો ખેતી સદ્ધર તો આ તમામ પ્રવૃતિઓ વેગવંતી બની રહેતી હોય છે.

17 મે 2021 ના રોજ ઉના પંથક ઉપર ત્રાટકેલા શક્તિશાળી તોફાનના કારણે ઉનાની ખેતીને અકલ્પનીય નુકસાન થયું હતું. મગફળી-કપાસ જેવા રોકડિયા પાકની ખેતી કરતાં ખેડૂતોના પાકને પારાવાર નુકસાન થયું જ હતું અને તેઓએ પોતાની વાર્ષિક આવકમાં ખાસ્સું એવું નુકસાન કર્યું જ હતું. આ સામે નાળિયેરીનો બગીચો કે આંબાનો બગીચો ધરાવતા ખેડૂતોએ જે માર સહન કર્યો છે તે અકલ્પનીય છે. સામાન્ય રીતે આંબા કે નાળિયેરીનો સારો બાગ તૈયાર કરતાં ખેડૂતને પાંચથી 10 વર્ષ લાગતાં હોય છે. આવી રીતે આટલા વર્ષોની મહેનતથી તૈયાર થયેલ બાગ તૌક્તે દ્વારા માત્ર એક રાતમાં લગભગ સંપૂર્ણ રીતે નાશ કરી નાખ્યો હતો. “તૌક્તે” ના વિનાશક સમાપન બાદ જ્યારે ખેડૂતો પોતાની વાડી પર ગયા ત્યારે અનેક ખેડૂતો પોતાની ખેતીની હાલત જોઈ ધ્રુશકે-ધ્રુશકે રડ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. કોઈ વ્યક્તિ તથા પરિવારની 5 થી 10 વર્ષની મહેનત ઉપર માત્ર 1 દિવસમાં પાણી ફરી જાઈ ત્યારે શું હાલત થાય તે અંગે કલ્પના કરતાં પણ એરએરાટી છૂટી જાઇ છે. રોકડિયા પાક સાથે જોડાયેલ ખેડૂતોએ મન માનવી ફરી ખેતીના ભગીરથ કર્યામાં જોડાઈ લગભગ આજે સામાન્ય સ્થિતિમાં પહોચવામાં સફળ થઈ ગયા છે. જ્યારે આંબા-નાળિયેરી જેવા બાગાયતી ખેતી કરનાર ખેડૂતો ગમે તેટલી મહેનત કરે તો પણ પોતાના ખેતરમાં પહેલા જેવી રોનક પાછી આવતા ઓછામાં ઓછો અળધો દાયકો લાગી જશે!!

કેરી બની ગઈ છે દુર્લભ!!

“તૌક્તે” ના એક વર્ષ પાછી જો પરિસ્થિતી સૌથી વધુ બગડી હોય તો તે કેરીના પાકની ગણી શકાય. કેસર કેરી માટે જાણીતો આ નાઘેર પ્રદેશ આજે સારી કેરી મેળવવા માટે વલખાં મારી રહ્યો છે. સમગ્ર પંથકમાં કેરીના ઉત્પાદનને મોટો ફટકો પડ્યો હોય, બજારમાં સારી કેરીની ઉપલબ્ધતા ખૂબ ઓછી છે. અર્થતંત્રનો સામાન્ય નિયમ છે કે પુરવઠો (સપ્લાય) ઘટે એટ્લે ભાવ વધે. “તૌક્તે” ના કારણે કેરીના પુરવઠામાં ખૂબ ઘટાડો થયો હોય ભાવ પ્રમાણમા વધી ગયા છે. કેરીના શોખીનો એ ફરિયાદ પણ કરે છે કે ઊંચા ભાવે ખરીદેલ કેરીમાં પણ જોઈએ તેવો સ્વાદનો અભાવ છે.

મીંઠું નાળિયર પણ બની ગયું છે કડવું (મોંઘું)!!

ઉના પંથકએ દરિયાઈ વિસ્તાર હોય નાળિયેરનો પણ વિપુલ પાક આ વિસ્તારમાં થાય છે. આ વિસ્તારના નાળિયેરને સૌથી મીંઠા નાળિયેર તરીકે માનવમાં આવે છે. “તૌક્તે” બાદ આ પાકમાં પણ મોટા પ્રમાણમા ઘટાડો આવ્યો છે. ખેડૂતોના બગીચાઓના નાશ થતાં ઉના પંથકના નાળિયેરના પુરવઠામાં મોટા પ્રમાણમા ઘટાડો થયો છે. આમ થવાથી પંથકના લોકો માટે કોડીનાર અને આસપાસના વિસ્તારોમાંથી નાળિયેરના પાક માટે અવલંબિત બની ગયા છે. આ કારણે નાળિયેરની કિંમતમાં વધારો થયો છે. નાળિયેરમાં પણ એક વર્ગ એવું માને છે કે બહારથી આવતા નાળિયેરમાં ઉના પંથકના નાળિયેર જેવી મીઠાશનો અભાવ છે.

માછીમારી ઉદ્યોગને પણ થઈ ખૂબ માઠી અસર!!

ખેતી બાદ પંથકની આર્થિક પ્રવૃતિમાં સૌથી મહત્વનુ ગણી સહકાય તો તે છે માછીમારી ઉદ્યોગ. “તૌક્તે” ના ત્રાસથી અનેક “ફિશિંગ બોટો” ને મરણતોલ ફટકો પડ્યો હતો. આ ફટકાને પહોચી વળવા મોટાભાગના માછીમારો પાસે વીમાની કોઈ જોગવાઈ ના હતી. આ કારણે મોટાભાગના માછીમારી સાથે જોડાયેલ ધંધાર્થીઓએ પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા કરવામાં આવેલ વિવિધ રજૂઆતોના પગલે સરકાર દ્વારા આ ઉધોગને આર્થિક સહાય આપવામાં આવી હતી. આજે આ માછીમારી ઉદ્યોગ “તૌક્તે” ના વિનાશ પાછળ છોડી લગભગ પુનઃ વેગવંતો બની રહ્યો છે.

ઉદ્યોગ ક્ષેત્ર પર અસર:

ઉના પંથકના ઉદ્યોગએ મુખ્યત્વે ખેતી આધારિત ઉદ્યોગ છે. કોટોન જિનિંગ ઉદ્યોગ, મગફળીના કારખાના, ડુંગળી લસણના ડીહાઈડ્રેશન જેવા ઉદ્યોગોને “તૌક્તે” બાદ ઉત્પાદન માટે માલ મેળવવામાં થોડી તકલીફ પડી. આ તમામ ઉદ્યોગો રોકડિયા પાક આધારિત હોય, થોડા સમયમાં કાચા માલનો પુરવઠો પુનઃસ્થાપિત થઈ ગયો છે. આ ઉદ્યોગોનું વેચાણ તથા વેપાર મુખ્યત્વે સમગ્ર રાજ્ય-દેશ તથા વિદેશની બજારો ઉપર આધારિત હોય, આ ઉદ્યોગો “તૌક્તે” ના મારમાંથી પ્રમાણમા જલ્દી બહાર આવી શક્યો છે. ઉપરાંત યોગ્ય રીતે વીમા કવચ હોવાના કારણે પણ ઉદ્યોગો પ્રમાણમા જલ્દી બહાર આવી શક્યા.

વેપાર-રોજગાર પર અસર:

ઉપર જણાવેલ છે તેમ ઉના પંથકનું અર્થતંત્રએ મુખ્યત્વે રીતે ખેતી આધારીત છે. ખેતીની અવદશાના કારણે બજારમાં રોનકનો અભાવ છે. કોઈ પણ વેપારમાં ખરીદી કરનાર વર્ગ મોટાભાગે ખેડૂતો હોય, ખરીદશક્તિના અભાવે બજારમાં મંદીનો અનુભવ થઈ રહ્યો છે. હા, “તૌક્તે” પાછી અમુક જરૂરિયાતની વસ્તુઓ ખરીદવી ફરજિયાત હોય, આવા વેપાર સાથે જોડાયેલ લોકોએ ક્ષણિક તેજીનો અનુભવ કર્યો હતો, પરંતુ નિષ્ણાંતો માની રહ્યા છે કે આજે એક વર્ષ પાછી બજારમાં જોઈએ તેવી રોનકનો અભાવ છે. Covid-19 નો માર બે વર્ષ સુધી ઝીલ્યા બાદ “તૌક્તે” એ “પડ્યા પર પાટુ” માર્યું હોય તેવી હાલત વેપાર જગતની થઈ છે. રોજગારએ વેપાર સાથે સીધી રીતે જોડાયેલ બાબત છે. વેપારમાં આવેલી મંદીના કારણે રોજગાર ઉપર પણ નકારાત્મક અસર પડી હોવાના અહેવાલો છે.

પ્રવાસન ક્ષેત્ર:

ઉનાની પાસે દિવ નામનું જગવિખ્યાત પ્રવાસન સ્થળ આવેલું છે. આ કારણે પ્રવાસન પર સીધી કે આડકતરી રીતે નભતા ધંધાઑનો વિકાસ પણ થયો હતો. “તૌક્તે” ના કારણે અન્ય તમામ ક્ષેત્રો સાથે આ ક્ષેત્રમાં પણ નુકસાન તો થયું જ હતું. આ ક્ષેત્રે ખાસ નુકસાન એ આ વ્યવસાય સાથે જોડાયેલ વ્યવસાયીઓના માલ-મિલ્કતને થયું હતું. મોટાભાગે વીમા કવચ હોય આ નુકસાનને ભરપાઈ કરવું વધુ મુશ્કેલ નહતું. Covid-19 નો ડર તથા વ્યાપ ઓછો થતાં પ્રવાસન ક્ષેત્રે ફરી રોનક આવી રહી હોય તેવું જમીનીસ્તરે લાગી રહ્યું છે. “તૌક્તે”ની અસરને દૂર છોડી આ ઉદ્યોગ ફરી પોતાની અસલ વેગ પકડી રહ્યો છે.

જમીન-મકાન-મિલ્ક્તની લેવડદેવડ ચડી ખોરંભે:

ઉના પંથકમાં વિશેષ કોઈ મોટા ઉદ્યોગ ના હોવા છતાં અહીના જમીન-મકાન-મિલ્ક્તના ભાવો પ્રમાણમા સારા કહી શકાય. જમીન, મકાન, મિલ્ક્તનું ખરીદ વેચાણનો દર પણ વિસ્તારની દ્રસ્તીએ ખૂબ સારો થતો હતો. “તૌક્તે” બાદ પરિસ્થિતીમાં બદલાવ આવ્યો છે. જમીન, મકાન, મિલ્ક્તના ખરીદ-વેચાણમાં ઘટાડો થયો હોય તેવું જણાય રહ્યું છે. આ અંગે સૌથી મોટું કારણ એ ગણી શકાય કે મધ્યમ તથા શ્રીમંત ખેડૂતોને જે “તૌક્તે” ના કારણે નુકસાન થયું તેના કારણે બજારમાં ખરીદનાર તરીકે ગણાય તેવો મોટો વર્ગ હાલ આ બજારથી દૂર છે. સૌદાઓ ઘટ્યા છે, ભાવ પ્રમાણમા થોડા સ્થિર થયા છે અને ઘણા સૌદાઑમાં “તૌક્તે” બાદ ખરીદનાર દ્વારા પીછેહઠ થયા હોવાના પણ દાખલા જોવા મળી રહ્યા છે.

કુદરતી વિનાશ બાદ લોકોની જિંદાદિલીને સલામ!!

કુદરતની વિરટતા સામે માનવ સહજ રીતે વામન છે. આ વાત “તૌક્તે” એ ફરી સાબિત કરી આપી. કુદરતની હોનારતને માનવ માત્ર મૂક શાક્ષી બની તેને નિહાળી શકે. કુદરત સામે ઝીક ઝીલવાની માનવીની શક્તિ ઘણી મર્યાદિત છે. પણ હા, આ ગોઝારી ઘટના બાદ પણ આજે એક વર્ષ બાદ લોકો જિંદાદિલીથી જીવન જીવી રહ્યા છે. “બીત ગઈ સો બાત ગઈ” ની સાર્થકતા સમજી “તૌક્તે” ની તકલીફો-મુશ્કેલીઓને ભૂલી આજે એક વર્ષ પાછી પુનઃધબકતું જીવન જીવી રહેલા લોકોની જિંદાદિલીને સલામ!!

error: Content is protected !!