ધંધાના સ્થળની સ્થળ તપાસ કરતાં પહેલા કરદાતાને જાણ કરવી છે જરૂરી: દિલ્હી હાઇકોર્ટ
તા. 27.09.2022: દિલ્હી હાઇકોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો આપતા ઠરાવવામાં આવ્યું છે કે જી.એસ.ટી. હેઠળ કરદાતાના ધંધાના સ્થળની તપાસ કરતાં પહેલા કરદાતાને નોટિસ આપવી જરૂરી છે. M/s Curil Tradex Pvt Ltd વી. કમિશ્નર, દિલ્હી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તથા અન્યો (10408/2022) ના કેસમાં દિલ્હી હાઇકોર્ટની બે જજોની બેન્ચ દ્વારા ઠરાવવામાં આવ્યું છે કે કરદાતાને જાણ કર્યા વગર કરવામાં આવેલ સ્થળ તપાસ એ કરદાતાના કુદરતી ન્યાયનું હનન ગણી શકાય. કરદાતાના ધંધાના સ્થળની તપાસ માત્ર તેની અથવા તેના અધિકૃત વ્યક્તિની હાજરી માંજ હાથ ધરી શકાય. પ્રસ્તુત કેસમાં અધિકારી દ્વારા કરદાતાની જાણ બહાર તેમના ધંધાના સ્થળની સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સ્થળ તપાસના રિપોર્ટને આધીન કરદાતાનો નોંધણી દાખલો સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ સસ્પેન્શનના આદેશ સામે કરદાતાએ દિલ્હી હાઇકોર્ટમાં રિટ પિટિશન ફાઇલ કરવામાં આવી હતી. જી.એસ.ટી. હેઠળ સ્થળ તપાસના નિયમોનો અભ્યાસ કરી બન્ને પક્ષોની દલીલ સાંભળી કરદાતાની તરફેણમાં ચુકાદો આપતા ડિવિઝન બેન્ચ દ્વારા આમ ઠરાવવામાં આવ્યું હતું. જમીની સ્તરે આ પ્રકારે કરદાતાને જાણ કર્યા વગર ઘણીવાર સ્થળ તપાસ હાથ ધરવામાં આવે છે અને આ સ્થળ તપાસના રિપોર્ટને આધીન કરદાતા વિરુદ્ધ આદેશ પસાર કરવામાં આવતા હોય છે. આ ચુકાદો આ પ્રકારના કેસોમાં કરદાતાને મદદરૂપ બની શકે છે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.