વેચાણ છુપાવતા રેસ્ટોરંટ ઉપર ઇન્કમ ટેક્સ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે દેશ વ્યાપી ઝંબેશ

0
Spread the love
Reading Time: 2 minutes

નવી દિલ્હી, 9 માર્ચ 2026:
આવકવેરા વિભાગે રેસ્ટોરન્ટ અને ફૂડ એન્ડ બેવરેજ (F&B) ક્ષેત્રમાં આવક છુપાવવાના મામલાઓ સામે દેશવ્યાપી ચકાસણી હાથ ધરી છે. વિભાગ દ્વારા જાહેર કરાયેલા પ્રેસ રિલીઝ મુજબ આ કાર્યવાહી દરમિયાન મોટા પાયે વેચાણ છુપાવવાના કિસ્સાઓ સામે આવ્યા છે.

આવકવેરા વિભાગે નવેમ્બર 2025 દરમિયાન F&B ક્ષેત્રમાં કરચોરીના પેટર્ન અંગે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અનેક રેસ્ટોરન્ટોએ તેમની વાસ્તવિક વેચાણ વિગતોને છુપાવવા માટે બિલ ડિલીટ કરવું અથવા વેચાણમાં ફેરફાર કરવો જેવા ઉપાયો અપનાવ્યા હતા.

આવકવેરા વિભાગે લગભગ 1.77 લાખ રેસ્ટોરન્ટ્સના ટ્રાન્ઝેક્શન ડેટાનું AI આધારિત વિશ્લેષણ કર્યું હતું. આ ડેટાની તુલના તેમના ઇન્કમ ટેક્સ રિટર્નમાં દર્શાવેલા ટર્નઓવર સાથે કરવામાં આવી હતી. વિશ્લેષણમાં મોટા પ્રમાણમાં વેચાણ છુપાવવાની ઘટના સામે આવી. કેટલીક જગ્યાએ નોંધાયેલ વેચાણ ફાઈનાન્સિયલ એકાઉન્ટ્સ અથવા ટેક્સ રિટર્નમાં સંપૂર્ણપણે દર્શાવવામાં આવ્યું ન હતું અને કેટલાક ટ્રાન્ઝેક્શન તો નોંધાયેલા વેચાણમાંથી બહાર રાખવામાં આવ્યા હતા.

આ તપાસના અનુસંધાનમાં 8 માર્ચ 2026ના રોજ દેશભરમાં સર્વે કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં 22 રાજ્યોના 46 શહેરોમાં આવેલા 62 રેસ્ટોરન્ટ્સમાં તપાસ કરવામાં આવી. પ્રાથમિક માહિતી મુજબ આ કામગીરીમાં આશરે રૂ. 408 કરોડ જેટલી વેચાણની રકમ છુપાવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.

આવકવેરા વિભાગે જણાવ્યું છે કે તે સ્વૈચ્છિક પાલન (Voluntary Compliance) અને વિશ્વાસ આધારિત ટેક્સ સિસ્ટમને પ્રોત્સાહન આપે છે. તેથી કરદાતાઓને ઇન્કમ ટેક્સ અધિનિયમની કલમ 139(8A) હેઠળ અપડેટેડ રિટર્ન દાખલ કરીને તેમની ભૂલો સુધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

વિભાગ દ્વારા પ્રથમ તબક્કામાં ઓળખાયેલા 63,000 રેસ્ટોરન્ટ્સને ઈમેલ અને મેસેજ મોકલવામાં આવશે, જેમાં તેમને 31 માર્ચ 2026 પહેલા તેમના રિટર્ન અપડેટ કરવા વિનંતી કરવામાં આવશે.

આ કાર્યવાહીથી રેસ્ટોરન્ટ ક્ષેત્રમાં કરચોરી સામે આવકવેરા વિભાગે કડક વલણ અપનાવ્યું હોય રેસ્ટોરંટ માલિકોમાં ચિંતા વ્યાપી ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!