કોમ્પોઝિશન સ્કીમ: નાના વેપારીઓ માટે GST કાયદાની પળોજણ દુર કરવાનો ઉત્તમ વિકલ્પ
B2C એટલે કે ગ્રાહકોને સીધું વેચાણ કરતા હોય તેવા વેપારીઓએ એક વાર કોમ્પોઝિશન સ્કીમ વિષે જાણવું છે જરૂરી!!
-By Bhavya Popat, Advocate
તા. ૧૦.૦૩.૨૦૨૬: કોમ્પોઝિશન સ્કીમ (Composition Levy) એ નાના કરદાતાઓ માટે બનાવવામાં આવેલી કર વસૂલાતની એક વૈકલ્પિક પદ્ધતિ છે, જેમાં નિર્ધારિત મર્યાદા સુધીના ટર્નઓવર ધરાવતા કરદાતાઓને જી.એસ.ટી. કાયદાની અટપટા નિયમોમાંથી મહદ્દ અંશે સરળતા મળી રહે છે. આ યોજનાનો મુખ્ય હેતુ નાના ધંધા- વ્યવસાયોને સરળતા, ઓછો અનુપાલન ખર્ચ (Compliance Cost) અને સરળ ટેક્સ પ્રક્રિયા પ્રદાન કરવાનો છે. આ યોજના વૈકલ્પિક (Optional) છે. આમ, સામાન્ય રીતે જી.એસ.ટી. ભરવાના સ્થાને કરદાતા ધારે તો પોતે આ યોજનાનો લાભ લઇ શકે છે.
ત્રિમાસિક ટેક્સ:
આ યોજના હેઠળ નાના કરદાતાઓ માટે ટર્નઓવર આધારિત ટેક્સ સિસ્ટમ છે જેમાં ત્રિમાસિક ટેક્સ ચુકવણી કરી CMP-08 ફોર્મ ભરવાનું થાય છે અને GSTR ૪ નું વાર્ષિક વિગતવાર રિટર્ન ફાઇલિંગ કરવાની સુવિધા આપવામાં આવી છે.
માલ ઉત્પાદક / સપ્લાયર માટે કોમ્પોઝિશન સ્કીમની પાત્રતા
ટર્નઓવર મર્યાદા
વસ્તુના ઉત્પાદન અને વેપાર સાથે જોડાયેલ વેપારીઓ માટે
કોમ્પોઝિશન સ્કીમ માટે હક્કદાર બનવા કરદાતાનું પાછલા નાણાકીય વર્ષમાં કુલ ટર્નઓવર ₹1.5 કરોડથી વધુ ન હોવો જોઈએ. આ ૧.૫ કરોડના ટર્નોવરની મર્યાદા વસ્તુના ઉત્પાદન સાથે અથવા તો વેપાર સાથે જોડાયેલ હોય તેમના માટે લાગુ પડે છે. જો કે રેસટોરંટ એ સેવા હોવા છતાં તેની સાથે જોડાયેલ કરદાતાઓ માટે કોમ્પોઝિશન માટેની મર્યાદા ૧.૫ કરોડની રહેતી હોય છે.
કોમ્પોઝિશનની આ જોગવાઈમાં કરદાતા મુખ્યત્વે સેવાઓની સપ્લાયમાં સંકળાયેલો ન હોવો જોઈએ તે જરૂરી છે. મુખ્યત્વે સેવાઓ સાથે જોડાયેલ કરદાતાઓ માટે અલગ જોગવાઈ કરવામાં આવેલ છે. જો કે મુખ્યત્વે ઉત્પાદન કે વેપાર સાથે જોડાયેલ કરદાતા, નિયત મર્યાદામાં સેવાઓ આપે તો આ સ્કીમમાં બાધ નડતો નથી.
કરદાતા આ મર્યાદામાં સેવાઓ આપી શકે છે:
- રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં ટર્નઓવરના 10% સુધી, અથવા
- ₹5 લાખ, જે વધુ હોય તે સુધી.
જી.એસ.ટી. કલમ ૧૦(૧) હેઠળ ઉત્પાદક-વેપાર સાથે જોડાયેલ કરદાતા માટે કોમ્પોઝિશનનો વેરાનો દર
- ઉત્પાદક માટે: પોતાના કુલ ટર્નોવરના 0.5% CGST + 0.5% SGST,
- વેપારીઓ માટે: પોતાના કરપાત્ર ટર્નોવરના 0.5% CGST + 0.5% SGST
- રેસ્ટોરન્ટ માટે: 2.5% CGST + 2.5% SGST
શરૂઆતમાં આ યોજના ફક્ત માલ સપ્લાય કરનારાઓ માટે ઉપલબ્ધ હતી. પરંતુ 2019માં નાના સર્વિસ પ્રોવાઇડર્સને લાભ આપવા માટે સેવા પ્રદાતાઓ માટે પણ કોમ્પોઝિશન સ્કીમ શરૂ કરવામાં આવી જેનો સમાવેશ જી.એસ.ટી. કાયદાની કલમ ૧૦(2A) માં કરવામાં આવ્યો.
સેવા પ્રદાતાઓ માટે કોમ્પોઝિશન સ્કીમ
(CGST Act ની કલમ 10(2A))
ટર્નઓવર મર્યાદા
પાછલા નાણાકીય વર્ષમાં કુલ ટર્નઓવર ₹50 લાખથી વધુ ન હોવો જોઈએ.
અન્ય શરત
કરદાતા Section 10(1) હેઠળ કોમ્પોઝિશન સ્કીમ માટે પાત્ર ન હોવો જોઈએ.
ટેક્સ દર
3% CGST + 3% SGST
કોમ્પોઝિશન સ્કીમના લાભો
- કાયદા અનુપાલનનો ઓછો ભાર (Reduced Compliance Burden)
સામાન્ય રીતે GST હેઠળ કરદાતાને માસિક અથવા ત્રિમાસિક રિટર્ન, વાર્ષિક રિટર્ન, ઇન્વોઇસની વિગત દરેક રીટર્નમાં અપલોડ કરવી પડે છે. નાના વેપારીઓ માટે આ પ્રક્રિયા મુશ્કેલ બની શકે છે. કોમ્પોઝિશન સ્કીમ હેઠળ ત્રિમાસિક ટેક્સ ચુકવણી (CMP-08) તથા વાર્ષિક રિટર્ન (GSTR-4), આ રીતે કોમ્પોઝિશન પરવાનગી ધરાવતા કરદાતાઓ માટે પ્રક્રિયા ઘણી સરળ બને છે. આ ઉપરાંત સૌથી મહત્વની રાહત કોમ્પોઝિશન કરદાતાને એ બાબતે મળે છે કે તેઓ ઈનપુટ ટેક્સ ક્રેડીટ લેતા નાં હોય ઈનપુટ ટેક્સ ક્રેડીટની જટિલ અને મુશ્કેલ જોગવાઈ તેઓને લાગુ પડતી નથી. આ કારણે ભવિષ્યની કાયદાકીય આટીઘૂંટીથી કરદાતા બચી જાય છે.
- ઓછો ટેક્સ બોજ (Lower Tax Liability)
સામાન્ય રીતે મોટાભાગના માલ પર 5% અથવા 18% GST લાગુ પડે છે. જી.એસ.ટી. ૨.૦ લાગુ થયા બાદ સામાન્ય જરૂરિયાત સિવાયની ઘણીખરી વસ્તુઓ ઉપર ૧૮% ટેક્સ લાગુ પડે છે. કરદાતા ગણતરી કરે તો પરંતુ કોમ્પોઝિશન સ્કીમ હેઠળ કરદાતાને ઘણાખરા કિસ્સાઓમાં સામાન્ય કરદાતા કરતા ઓછુ ટેક્સનું ભારણ આવતું હોય છે. જો કે આ બાબત યોગ્ય ગણતરીને આધીન છે.
- સરળ હિસાબી પ્રણાલી (Simplified Record Keeping)
આ યોજના હેઠળ કરદાતા માટે દસ્તાવેજીકરણ ઓછું, હિસાબ સરળ કરવાના હોય છે. આ કારણે નાના સ્થાનિક વ્યવસાય માટે આ યોજના વધુ અનુકૂળ છે.
કોમ્પોઝિશન પરવાનગી વાળા કરદાતાઓ માટે પ્રતિબંધો:
કોમ્પોઝિશન સ્કીમ પસંદ કરનાર કરદાતા નીચેના વ્યવહારો કરી શકતા નથી:
- GST હેઠળ કરપાત્ર ન હોય તેવી વસ્તુઓ (જેમ કે પેટ્રોલ, ડીઝલ) ની સપ્લાય
- Inter-State સપ્લાય (આંતર રાજ્ય વેચાણ)
- TCS ઉઘરાવવા જવાબદાર E-commerce operator મારફતે સપ્લાય
ક્યાં કરદાતા કોમ્પોઝિશન સ્કીમમાં જવા હક્કદાર નથી?
- નીચેની વસ્તુના ઉત્પાદક:
- આઇસ્ક્રીમ
- પાન મસાલા
- એરેટેડ વોટર
- તમાકુ ઉત્પાદનો
- ફ્લાય એશ બ્રિક્સ વગેરે
- Casual taxable person અથવા Non-resident taxable person પણ આ સ્કીમમાં આવી શકતા નથી.
કોમ્પોઝિશન સ્કીમની મર્યાદાઓ
- ITC ઉપલબ્ધ નથી
કોમ્પોઝિશન કરદાતા:
- ખરીદી પર ચૂકવેલા GST નો Input Tax Credit લઈ શકતા નથી
- તેમજ તેમના ગ્રાહકોને પણ ITC મળતું નથી.
- Inter-State વેપાર કરી શકતા નથી
આ સ્કીમનો મુખ્ય ગેરલાભ એ છે કે કરદાતા:
- રાજ્ય બહાર માલ વેચી શકતા નથી
- Export પણ કરી શકતા નથી
તેથી વ્યવસાયનો વિસ્તાર મર્યાદિત રહે છે.
- ટેક્સ ઉઘરાવી શકતા નથી
કોમ્પોઝિશન કરદાતા:
- ગ્રાહક પાસેથી GST અલગથી વસૂલ કરી શકતા નથી
- Tax Invoice પણ આપી શકતા નથી
આથી ટેક્સ પોતાની ખિસ્સામાંથી ચૂકવવો પડે છે.
કોમ્પોઝિશન સ્કીમમાં જવા અરજી માર્ચ મહિનામાં કરવી જરૂરી:
કોઈ કરદાતા કે જેઓ હાલ રેગ્યુલર સ્કીમમાં છે અને તેઓ આગામી નાણાકીય વર્ષ માટે કોમ્પોઝિશન સ્કીમમાં જવા માંગે છે તેઓ તેઓએ આ બાબતની અરજી ઓનલાઈન ૩૧ માર્ચ સુધીમાં જી.એસ.ટી. પોર્ટલ ઉપર કરી આપવી જરૂરી છે. ત્યારબાદ આ અરજી કરી શકાય નહિ. એક વાર કોમ્પોઝિશન સ્કીમમાં આવી ગયા પછી દર વર્ષે આ અરજી કરવી જરૂરી રહેશે નહિ.
કોમ્પોઝિશન સ્કીમ માટે અરજી કરવા સાથે ૩૦ દિવસમાં ITC ૦૩ ફોર્મ ભરવું છે જરૂરી:
કોમ્પોઝિશન સ્કીમ માટે અરજી કરવામાં આવે એટલે અગામી નાણાકીય વર્ષથી એટલે કે ૦૧ એપ્રિલથી આ સ્કીમ લાગુ થઇ જાય છે. આ સ્કીમ લાગુ થયાના ૩૦ દિવસમાં કરદાતાએ પોતાની પાસે સ્ટોકમાં રહેલ માલ પરની ઈનપુટ ટેક્સ ક્રેડીટ રીવર્સ કરવા અંગેનું ફોર્મ ITC ૦૩ ભરી આપવું જોઈએ. આ ફોર્મ NIL સ્ટોક હોય તો પણ ભરી આપવું હિતાવહ છે. હાલ, ઘણા કરદાતાઓ ને આ ફોર્મ નાં ભરવાના કારણે ૫૦ હાજરના દંડ લાગુ પાડતી નોટીસ આવી છે. આમ, આ ફોર્મ નાં ભરવાની નાની ભૂલના કારણે કરદાતા ઉપર મોટો દંડ લાગુ થાય તેવી શક્યતા છે. માટે આ ફોર્મ અચૂક ભરી આપવું જોઈએ.
નિષ્કર્ષ:
જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી સરકાર જેને ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ ગણાવી રહી છે તે કાયદો જમીની સ્તરે સામાન્ય વેપારી માટે હજુ સાચી પરિભાષામાં ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ રહ્યો નથી. આમ થવાનું સૌથી મોટું કારણ ઈનપુટ ટેક્સ ક્રેડીટ અને તેને લગતી વિવિધ તકરારો ગણી શકાય. આ તકરારો નિવારવા ગ્રાહકો (વપરાશકાર) સાથે વેપાર ધરાવતા કરદાતાઓ માટે કોમ્પોઝિશન સ્કીમ એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. જી.એસ.ટી. ૨.૦ ના કારણે વિવિધ વસ્તુઓના દરમાં પણ મોટા ફેરફારો થયા છે. આ દરો સાથે યોગ્ય ગણતરી કરી નાના વેપારીઓ કોમ્પોઝિશન સ્કીમ દ્વારા માત્ર કર અનુપાલનમાં રાહત જ નહિ પરંતુ પોતાના ભરવા પાત્ર ટેક્સમાં પણ રાહત મેળવી શકે છે. આ બાબતે કરદાતા પોતાની રીતે અથવા હિસાબનીશ અને ટેક્સ કન્સલ્ટન્ટની મદદથી આ નિર્ણય કરી શકે છે.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તારીખ ૦૯.૦૩.૨૦૨૬ ના રોજ પ્રકાશિત થયેલ છે.)

