મહેસાણા ખાતે ચેરિટેબલ ટ્રસ્ટો માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો…
મહેસાણા
તારીખ : 29-04-2026
ઇન્કમ ટેક્સ બાર એસોસિએશન, મહેસાણા અને કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ (એક્ઝેમ્પશન), અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ગઇકાલે રોટરી ભવન હોલ, જેલ રોડ, મહેસાણા ખાતે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘ઇન્કમ ટેક્સ એક્ટ ૨૦૨૫’ હેઠળ ચેરિટેબલ સંસ્થાઓ માટે કરવામાં આવેલા મહત્વના ફેરફારો અને નવી જોગવાઈઓ અંગે આ સેમિનારમાં ઊંડાણપૂર્વક માર્ગદર્શન અને સમજ આપવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત અમદાવાદના ઇન્કમ ટેક્સ કમિશનર (એક્ઝેમ્પશન) શ્રી વી. નંદાકુમારે જણાવ્યું હતું કે, બદલાતા સમય સાથે ટેક્સના કાયદાઓમાં પારદર્શિતા લાવવા માટે સુધારા કરવામાં આવ્યા છે. તેમણે ચેરિટેબલ સંસ્થાઓએ કાયદાકીય મુક્તિ મેળવવા માટે પાળવાના થતા નિયમોની વિસ્તૃત માહિતી આપી હતી.
આ ઉપરાંત, એડિશનલ કમિશનર ડૉ. અતુલ પાંડેએ ટેકનિકલ પાસાઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, ટ્રસ્ટો અને સંસ્થાઓએ રજીસ્ટ્રેશન અને રિટર્ન ફાઇલિંગમાં કઈ સાવચેતી રાખવી જોઈએ. તેમણે મોટી સંખ્યામાં ઉપસ્થિત ટ્રસ્ટીઓ અને સભ્યોના પ્રશ્નોના સચોટ જવાબો આપી તેમની શંકાઓનું નિવારણ કર્યું હતું.
મહેસાણામાં અત્યારે ઉનાળાની આકરી ગરમી અને ઉચ્ચ તાપમાન હોવા છતાં, આસપાસના વિસ્તારની શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓના ટ્રસ્ટીઓ, પ્રતિનિધિઓ અને ટેક્સ પ્રોફેશનલ્સ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતથી પૂર્ણાહુતિ સુધી શ્રોતાઓની હાજરી નોંધપાત્ર રહી હતી.આ કાર્યક્રમમાં સંસ્થાઓને પડતી કાયદાકીય ગૂંચવણો અને નવી જોગવાઈઓ અંગે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી.વક્તાશ્રી એ સત્રના અંતે ઉપસ્થિત ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ સભ્યોના પ્રશ્નોના સચોટ જવાબો આપી તેમની શંકાઓનું નિવારણ કર્યું હતું.
ઇન્કમ ટેક્સ બાર એસોસિએશન, મહેસાણાના પ્રમુખ CA જપન યાજ્ઞિક અને સેક્રેટરી CA મેહલ દોશી દ્વારા મહેમાન વક્તાઓનું પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ આ સેમિનારને અત્યંત ઉપયોગી અને સમયસરનું માર્ગદર્શન ગણાવ્યું હતું. આમ, કાર્યક્રમના અંતે કાળઝાળ ગરમી સામે રાહત આપવા માટે ઠંડી ઠંડી લચ્છી અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સૌ શ્રોતાઓ જ્ઞાનવર્ધક માર્ગદર્શન અને અલ્પાહારનો આનંદ માણી છૂટા પડ્યા હતા.
– હર્ષદ ઓઝા, ટેક્સ રિપોર્ટર (ઉત્તર ગુજરાત)





