GSTમાં વિલંબિત અપીલો માટે એક વખતની Amnesty સ્કીમની માંગ
સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા વિલંબ માફ કરવા કેન્દ્ર સરકાર, GST Council અને CBIC સમક્ષ રજૂઆત
વડોદરા, 11 ઓગસ્ટ 2026: GST કાયદા હેઠળ First Appeal દાખલ કરવામાં થયેલા વિલંબને કારણે અનેક કરદાતાઓને પોતાના કેસના ગુણદોષ (Merits) પર ન્યાય મેળવવાની તક ગુમાવવી પડી રહી છે. આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને Central Gujarat Chamber of Tax Consultants (CGCTC), Vadodara દ્વારા તા. 10 ઓગસ્ટ 2026ના રોજ કેન્દ્રીય નાણામંત્રી, GST Council Secretariat અને CBICના Chairperson સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. ચેમ્બરે CGST Act, 2017ની Section 107 હેઠળ First Appealમાં થયેલા વિલંબ માટે એક વખતની (One-Time) Amnesty આપવાની માંગ કરી છે.
કલમ 107 હેઠળ અપીલની મર્યાદા સામાન્ય રીતે 3 મહિનાની હોય છે:
CGST Actની Section 107(1) મુજબ કોઈ આદેશ (Order)ની જાણ થયા બાદ કરદાતાએ સામાન્ય રીતે ત્રણ મહિનાની અંદર First Appeal દાખલ કરવાની હોય છે. Section 107(4) હેઠળ યોગ્ય અને પૂરતું કારણ દર્શાવવામાં આવે તો Appellate Authority વધુમાં વધુ એક મહિના સુધીનો વિલંબ માફ કરી શકે છે.
પરંતુ આ વધારાની એક મહિનાની મુદત પણ પૂર્ણ થઈ જાય ત્યારબાદ Appellate Authority પાસે કાયદાકીય રીતે અપીલ સ્વીકારવાની સત્તા રહેતી નથી. પરિણામે, ઘણી વખત કરદાતાની અપીલ માત્ર Limitationના આધારે જ નામંજૂર થઈ જાય છે અને મૂળ Demand સાચી છે કે ખોટી, તેનો ગુણદોષના આધારે નિર્ણય જ થઈ શકતો નથી. રજૂઆતમાં જણાવાયું છે કે Courtsનો સતત અભિગમ એવો રહ્યો છે કે Section 107માં નક્કી કરેલી આ મર્યાદા પછી સામાન્ય Limitation Actની જોગવાઈઓનો ઉપયોગ કરીને વિલંબ વધારી શકાતો નથી.
વિલંબ પાછળ કરદાતાની બેદરકારી જ જવાબદાર નથી
CGCTCએ રજૂઆતમાં ખાસ ભાર મૂક્યો છે કે દરેક વિલંબને કરદાતાની ઈરાદાપૂર્વકની બેદરકારી અથવા Tax Evasion સાથે જોડવો યોગ્ય નથી. GSTના શરૂઆતના વર્ષોમાં GST Common Portalની ટેકનિકલ સમસ્યાઓ, Orders upload થયા હોવા છતાં અસરકારક રીતે જાણ ન થવી, Limitation કઈ તારીખથી ગણવી તે અંગેની અનિશ્ચિતતા, વારંવાર થતા કાયદાકીય સુધારા, Circulars અને વિવિધ High Courtsના અલગ-અલગ અભિપ્રાયો જેવી પરિસ્થિતિઓ હતી.
આ ઉપરાંત COVID-19 Pandemic દરમિયાન થયેલી મુશ્કેલીઓ, નાના કરદાતાઓ માટે ફરજિયાત Pre-Depositની વ્યવસ્થા કરવી, Accountant અથવા Tax Consultantમાં ફેરફાર, Counsel બદલાવા તથા નાના અને મધ્યમ વ્યવસાયોમાં Records જાળવવામાં થતી સામાન્ય મુશ્કેલીઓ પણ વિલંબનું કારણ બની શકે છે.
ચેમ્બરના મતે આવા સંજોગોમાં થયેલા વિલંબને કારણે જો કોઈ કરદાતાને સંપૂર્ણ Appellate Remedyથી જ વંચિત કરી દેવામાં આવે તો તે ન્યાયની દૃષ્ટિએ ગંભીર બાબત બની શકે છે. ખાસ કરીને જ્યારે મૂળ Orderમાં Jurisdictionનો અભાવ, Natural Justiceના સિદ્ધાંતોનો ભંગ અથવા કાયદાનું સ્પષ્ટ ખોટું અર્થઘટન થયેલું હોય ત્યારે માત્ર થોડા દિવસો કે અઠવાડિયાના વિલંબના કારણે તે Orderને પડકારવાની તક સંપૂર્ણપણે ગુમાવવી પડે તે યોગ્ય નથી.
GST Appellate Tribunal શરૂ થતાં મુદ્દો વધુ મહત્વનો બન્યો
આ રજૂઆતનું મહત્વ GST Appellate Tribunal (GSTAT) કાર્યરત થયા બાદ વધુ વધી ગયું છે. રજૂઆત મુજબ GSTATની Principal Benchએ ફેબ્રુઆરી 2026થી Appealsની સુનાવણી શરૂ કરી હતી અને ત્યારબાદ State Benches પણ કાર્યરત થઈ છે.
સરકારે Section 112 હેઠળ Tribunal સમક્ષ Backlog Appeals દાખલ કરવા માટે સમયમર્યાદા પણ નક્કી કરી હતી અને ત્યારબાદ તેમાં એક મહિનાનો વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ આ વ્યવસ્થા મુખ્યત્વે એવા કેસો માટે હતી જેમાં First Appellate Authorityનો Order પહેલેથી ઉપલબ્ધ હતો.
જે કરદાતાની First Appeal જ Limitationના કારણે સ્વીકારવામાં આવી નથી, તેને First Appellate Order મળ્યો જ નથી. તેથી તે કરદાતા GSTAT સુધી પહોંચી શકતો નથી.
ચેમ્બરે આ સ્થિતિને એવી રીતે રજૂ કરી છે કે GST Appellate Tribunalની બીજી કક્ષાની અપીલ વ્યવસ્થા હવે ખુલ્લી છે, પરંતુ કેટલાક કરદાતાઓ Appellate Ladder ના પ્રથમ પગથિયે જ અટવાઈ ગયા છે.
2023માં આવી Amnesty આપવામાં આવી હતી
CGCTCની રજૂઆતમાં એક મહત્વપૂર્ણ પૂર્વ ઉદાહરણ પણ દર્શાવવામાં આવ્યું છે. GST Councilની 52મી બેઠકની ભલામણના આધારે Notification No. 53/2023–Central Tax, dated 2 November 2023 દ્વારા એક વખતની Amnesty આપવામાં આવી હતી. આ વ્યવસ્થા હેઠળ જે કરદાતાઓ સમયસર First Appeal દાખલ કરી શક્યા ન હતા અથવા જેમની Appeal માત્ર Limitationના આધારે Reject થઈ હતી, તેમને નિર્ધારિત શરતો સાથે ફરી Appeal દાખલ કરવાની તક આપવામાં આવી હતી.
આ માટે 31 જાન્યુઆરી 2024 સુધી Appeal દાખલ કરવાની તક આપવામાં આવી હતી અને Admitted Tax તથા નિર્ધારિત Pre-Depositની ચુકવણીની શરત રાખવામાં આવી હતી. જોકે, આ Amnestyનો લાભ માત્ર 31 માર્ચ 2023 અથવા તે પહેલાં પસાર થયેલા Orders સુધી મર્યાદિત હતો. પરિણામે ત્યારબાદના Ordersમાં સમાન પ્રકારના bona fide વિલંબનો ભોગ બનેલા અનેક કરદાતાઓ આ રાહતથી બહાર રહી ગયા હતા.
ચેમ્બરે સરકારનું ધ્યાન દોર્યું છે કે 2023માં અપાયેલી Amnesty એ દર્શાવે છે કે આવા પ્રકારની વ્યવસ્થા વ્યવહારુ અને અમલમાં મૂકી શકાય તેવી છે. હવે GSTAT કાર્યરત હોવાથી નવી One-Time Amnesty આપવાની જરૂરિયાત વધુ તીવ્ર બની છે.
CGCTCની ત્રણ મુખ્ય માંગણીઓ
ચેમ્બરે પોતાની રજૂઆતમાં મુખ્યત્વે નીચેની માંગણીઓ કરી છે:
1. Section 107 હેઠળ One-Time Amnesty:
માત્ર Limitationના કારણે Reject થતી અથવા થઈ ચૂકેલી First Appeals માટે એક વખતની Amnesty જાહેર કરવામાં આવે અને વિલંબ માફ કરીને Appealsને તેમના Merits પર સાંભળવાની તક આપવામાં આવે.
2. પહેલેથી Reject થયેલી Appeals પુનઃસ્થાપિત કરવી:
જે First Appeals માત્ર Limitationના આધારે પહેલેથી Reject થઈ ગઈ છે, તેને Fresh Proceedings શરૂ કરાવ્યા વિના જ Amnesty હેઠળ Restoration કરીને Merits પર Hearing માટે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે.
3. અગાઉ ચૂકવાયેલા Pre-Depositની પુનઃચુકવણી ન કરાવવી:
જો કરદાતાએ મૂળ Appeal દાખલ કરતી વખતે Section 107(6) મુજબ Disputed Taxના 10% જેટલો Pre-Deposit પહેલેથી ચૂકવી દીધો હોય, તો Restoration વખતે ફરીથી Pre-Deposit ભરવાની શરત ન રાખવી.
ચેમ્બરે એવી પણ ભલામણ કરી છે કે આ માટે એક નિર્ધારિત અને યોગ્ય સમયગાળો તથા GST Common Portal પર સરળ Enablement આપવામાં આવે, જેથી સમગ્ર પ્રક્રિયા સરળતાથી અમલમાં મૂકી શકાય.
Revenue પર વધારાનો બોજ નહીં
CGCTCના મતે આ પ્રકારની Amnestyનો હેતુ બેદરકાર કરદાતાઓને અનાવશ્યક રાહત આપવાનો નથી. હેતુ માત્ર એટલો છે કે Genuine Disputes માત્ર Limitationના ટેકનિકલ મુદ્દાને કારણે અંતિમ રીતે બંધ ન થઈ જાય.
Admitted Tax તથા જરૂરી Pre-Depositની ચુકવણીથી Revenueનું હિત પણ સુરક્ષિત રહે છે. બીજી તરફ, જો આવા કેસોને Merits પર સાંભળવાની તક મળે તો કરદાતા તથા Tax Administration બંને માટે વધુ ન્યાયસંગત પરિણામ આવી શકે છે.
High Courts અને GSTAT પરનો બોજ પણ ઘટી શકે
આવી Amnestyથી માત્ર કરદાતાઓને જ રાહત મળશે એવું નથી. Limitation સંબંધિત વિવાદો માટે High Courtsમાં દાખલ થતી Writ Petitionsની સંખ્યા પણ ઘટી શકે છે.
તેના પરિણામે High Courts, First Appellate Authorities અને GST Appellate Tribunal પોતાનો સમય Limitation સંબંધિત પ્રાથમિક વિવાદોમાં ખર્ચવાને બદલે Classification, Valuation, Input Tax Credit, Refund, Place of Supply જેવા મૂળભૂત GST મુદ્દાઓના નિરાકરણમાં વધુ અસરકારક રીતે ઉપયોગ કરી શકશે.
“મુદ્દો દિવસોનો નહીં, ન્યાયનો છે”
CGCTCએ પોતાની રજૂઆતના અંતમાં સ્પષ્ટ કર્યું છે કે આ માંગણી negligent taxpayers માટે “indulgence” મેળવવા માટે નથી. પરંતુ જ્યાં વિવાદ genuine હોય ત્યાં તેનો નિર્ણય કેસના ગુણદોષના આધારે થવો જોઈએ અને માત્ર થોડા દિવસોના વિલંબના કારણે ન્યાયનો દરવાજો બંધ ન થવો જોઈએ, તે આ રજૂઆતનો મુખ્ય આધાર છે.
GST વ્યવસ્થામાં શરૂઆતના વર્ષોમાં ઊભી થયેલી વ્યવહારુ મુશ્કેલીઓ અને હવે GSTATની કામગીરી શરૂ થઈ ચૂકી હોવાની પરિસ્થિતિને જોતા, Section 107 હેઠળ એક નવી One-Time Amnesty અંગે GST Council અને કેન્દ્ર સરકાર તરફથી સકારાત્મક વિચારણા થાય તેવી કરદાતાઓ અને Tax Professionalsમાં અપેક્ષા ઊભી થઈ છે.
સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ પ્રેકટીશનર્સની જેમ આ મુદ્દા ઉપર ગુજરાત ચેમ્બર, ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસો. જેવા જાણીતા એસોસીએશનની આ વિષય પર રજુઆતો ગઈ છે. પ્રથમ અપીલ દાખલ કરવામાં મોડું થયું હોય તેવા કરદાતા આ યોજના આવે તેના પર મીટ બાંધીને બેઠા છે.
ભવ્ય પોપટ, ટેક્સ ટુડે
