HSN કોડના આધારે કાર અને વાહનો પર ITC અંગે GST વિભાગની નોટિસો – શું કહે છે કાયદો?

-By Bhavya Popat, Advocate
તાજેતરના સમયમાં દેશભરના અનેક વેપારીઓ, કંપનીઓ અને વ્યાવસાયિકોને GST વિભાગ તરફથી મોટર કાર અને અન્ય વાહનોની ખરીદી પર લીધેલા Input Tax Credit (ITC) અંગે નોટિસો મળી રહી છે. આ નોટિસોમાં મુખ્યત્વે વાહનની ખરીદી વખતે દર્શાવાયેલા HSN Code ના આધારે ITC કેમ લેવામાં આવ્યો તેની સ્પષ્ટતા માંગવામાં આવી રહી છે.
ઘણા કરદાતાઓએ વ્યવસાયિક ઉપયોગ માટે ખરીદેલી કાર અથવા વાહન પર ચૂકવેલ GST નો ITC નો લાભ લીધો હતો. હવે વિભાગ HSN Code તથા CGST Act ની કલમ 17(5) નો આધાર લઈને તે ITC રીવર્સ કરવા અંગે નોટીસો આપી રહી છે. આ નોટીસના સાપેક્ષમાં આ લેખ લખવામાં આવી રહ્યો છે પરંતુ તમામ કરદાતા માટે આ વિષયને કાયદાકીય રીતે સમજવો અત્યંત જરૂરી છે.
ઈનપુટ ટેક્સ ક્રેડીટ ITC શું છે?
GST કાયદાનો મુખ્ય સિદ્ધાંત એ છે કે વેપારી અથવા સેવા પ્રદાતા પોતાના વ્યવસાય માટે ખરીદેલી વસ્તુઓ અથવા સેવાઓની ખરીદી પર ચૂકવેલા GST ની ક્રેડિટ મેળવી શકે છે. આ ક્રેડિટને Input Tax Credit (ITC) કહેવાય છે.
સામાન્ય રીતે ધંધા સાથે જોડાયેલ માલ કે સેવાની ખરીદી ઉપર ઈનપુટ ટેક્સ ક્રેડીટ મળતી હોય છે. પરંતુ જી.એસ.ટી. કાયદામાં આ સામાન્ય નિયમમાં કેટલાક અપવાદો પણ આપવામાં આવ્યા છે. જી.એસ.ટી. કાયદા હેઠળ અમુક માલ કે સેવાની ખરીદીઓ પર ઈનપુટ ટેક્સ ક્રેડીટ લેવા અંગે કાયદાએ સ્પષ્ટ પ્રતિબંધ મૂક્યો છે, જેને કાયદાકીય ભાષામાં Blocked Credits તરીકે ઓળખવામાં આવે છે.
મોટર વાહનો અંગે કાયદાની જોગવાઈ
CGST Act, 2017 ની Section 17(5)(a) મુજબ સામાન્ય રીતે 13 અથવા તેથી ઓછી બેઠકો (ડ્રાઇવર સહિત) ધરાવતા મોટર વાહનોની ખરીદી પર ITC મળતી નથી.
આમ, સામાન્ય કાર, SUV, Sedan, Hatchback વગેરે પર ચૂકવેલા GST ની ITC ઉપલબ્ધ નથી, ભલે તે પોતાના ધંધા કે વ્યવસાયના નામે ખરીદવામાં આવી હોય અને તેમનો ઉપયોગ પણ ધંધા કે વ્યવસાયના માટે જ કરવામાં આવતો હોય.
પરંતુ આ નિયમના કેટલાક મહત્વપૂર્ણ અપવાદો પણ છે.
કયા સંજોગોમાં કાર પર ITC મળી શકે?
જો કે આ Blocked Credit ના અપવાદમાં પણ પેટા અપવાદ રહેલા છે. જી.એસ.ટી કાયદાની કલમ 17(5)(a) હેઠળ નીચેના કિસ્સાઓમાં ૧૩સુધીની સીટીગ કેપેસીટી ધરાવતા વાહનની પણ ITC ઉપલબ્ધ રહે છે:
- આગળ વેચાણ (Further Supply)
જો વાહન ખરીદવાનો અને વેચાણ કરવાના ધંધામાં સલગ્ન વેપારી માટે આ ઈનપુટ ટેક્સ ક્રેડીટ ચોક્કસ મળી રહે છે. કાર ડીલર અથવા ઓટોમોબાઇલ ટ્રેડર, તો ખરીદેલી કાર પર ITC મળશે.
- મુસાફરોના પરિવહન માટે
જો વાહનનો ઉપયોગ મુસાફરોના પરિવહન માટે કરવામાં આવે, જેમ કે:
- Taxi Operator
- Cab Aggregator
- Tourist Vehicle
- Passenger Transport Service Provider
તો ITC ઉપલબ્ધ રહેશે.
- Driving Training
Driving School અથવા Driving Training Centre દ્વારા તાલીમ માટે ઉપયોગમાં લેવાતા વાહન પર ITC મળી શકે છે.
13 કરતાં વધુ બેઠકો ધરાવતા વાહનો
જો વાહનમાં ડ્રાઇવર સહિત 13 કરતાં વધુ બેઠકો હોય, તો Section 17(5)(a) નો પ્રતિબંધ લાગુ પડતો નથી.
અટલે કે બસ, મોટી સ્ટાફ વાન અથવા અન્ય મોટા પેસેન્જર વાહન પર, જો અન્ય શરતો પૂર્ણ થતી હોય, તો ITC ઉપલબ્ધ થઈ શકે છે.
HSN Codeનું મહત્વ શું છે?
GST વિભાગ હાલમાં વાહનના HSN Code ના આધારે તપાસ કરી રહ્યો છે તેવું વિવિધ નોટીસ જોતા ફલિત થાય છે. કરદાતાએ જયારે કોઈ મોટર વિહિકલ ખરીદી કરી હોય છે અને તેમાં જી.એસ.ટી. નંબરનો ઉલ્લેખ કરવામાં આવેલ હોય ત્યારે જી.એસ.ટી. ડીપાર્ટમેન્ટની સીસ્ટમ દ્વારા આ પ્રકારના કરદાતાઓને નોટીસ આપવામાં આવેલ હોવાની માહિતી મળી રહી છે. આ સીસ્ટમ જનરેટેડ નોટીસ છે જેમાં સીસ્ટમ પાસે એ બાબત ચકાસવાની કોઈ પદ્ધતિ નથી કે આ ઈનપુટ ટેક્સ ક્રેડીટ જે GSTR ૨A કે 2B માં દર્શાવવામાં આવેલ છે તેની ઈનપુટ ટેક્સ ક્રેડીટ કરદાતા એ લીધી છે કે નહિ. આમ, આ નોટીસોને નીચેના બે વિભાગમાં વહેચી શકાય:
એવા કરદાતા જેઓએ આ ઈનપુટ ટેક્સ ક્રેડીટ લીધી નથી:
આમ, આ નોટીસોમાં ઘણા એવા કરદાતા છે જેઓએ આ કાર કે મોટર બાઈકની ખરીદી કરેલ છે, તેમાં જી.એસ.ટી. નંબર દર્શાવેલ છે પરંતુ આ વસ્તુની ઈનપુટ ટેક્સ ક્રેડીટ લીધેલ નથી. આવા કિસ્સામાં જી.એસ.ટી. ની નોટીસ સંદર્ભે સમયસર જવાબ દેવાની અને વિગતો રજુ કરવાની જવાબદારી ચોક્કસ આવે પરંતુ આ ક્રેડીટના સંદર્ભે કોઈ વેરો ભરવાની જવાબદારી આવે નહી.
એવા કરદાતા કે જેઓએ આ ઈનપુટ ટેક્સ ક્રેડીટ લીધેલ છે:
આ નોટીસોમાં ઘણા એવા કરદાતા છે જેણે આ નિયમ જાણી જોઈને કે જાણકારીના અભાવે આ ઈનપુટ ટેક્સ ક્રેડીટ લઇ લીધી છે. તેઓના માટે આ નોટીસ મોટી આર્થીક જવાબદારી ઉભી કરી શકે છે. આ પ્રકારના કરદાતાએ તુરંત જ પોતાના ટેક્સ વ્યવસાયીની સલાહ લઇ શક્ય એટલા જલ્દી આ ઈનપુટ ટેક્સ ક્રેડીટ રીવર્સ કરી આપવી જોઈએ. આ ઈનપુટ ટેક્સ ક્રેડીટ રીવર્સ કરવામાં સમય એટલે મહત્વનો છે કે હાલ મોટાભાગના કિસ્સામાં DRC 01A એટલે કે પ્રી શો કોઝ નોટીસ આવેલ હશે. હાલ આ ટેક્સ ભરી દંડમાંથી બચવું જરૂરી છે. એક વાર DRC 01 નોટીસ આપી દેવામાં આવશે તો ટેક્સ, વ્યાજ ઉપરાંત દંડ ભરવા પણ કરદાતા જવાબદાર બની જશે.
Goods Vehicle અને Passenger Vehicle વચ્ચેનો તફાવત
ઘણા વેપારીઓ Pick-up Vehicle, Light Commercial Vehicle અથવા માલ પરિવહન માટેના વાહનો ખરીદે છે. જો વાહનનો મુખ્ય હેતુ Goods Transport હોય, તો Section 17(5)(a) નો પ્રતિબંધ લાગુ પડતો નથી.
આવા કિસ્સાઓમાં:
- RC Book
- Vehicle Classification
- Manufacturer Catalogue
- Body Type
ખૂબ મહત્વના પુરાવા બની શકે છે.
સામાન્ય રીતે કયા વાહનો પર વિવાદ થાય છે?
તાજેતરમાં વિભાગ નીચેના વાહનો અંગે વધુ તપાસ કરી રહ્યો છે:
- SUV
- Luxury Cars
- Company Cars
- Directors’ Cars
- Staff Vehicles
- Double Cabin Pick-up Vehicles
- Multi Utility Vehicles (MUV)
- Crew Cab Vehicles
આ પૈકી કેટલાક વાહનો Passenger Vehicle તરીકે ગણાય છે જ્યારે કેટલાક Goods Vehicle તરીકે. દરેક કેસ તેના તથ્યોના આધારે નક્કી થાય છે. આ અંગે પોતાના ટેક્સ પ્રોફેશનલની સલાહ લેવી અત્યંત જરૂરી છે.
ન્યાયિક અભિગમ
વિવિધ ન્યાયિક ચુકાદાઓમાં એ સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે કે કરવેરા કાયદાની વ્યાખ્યા માત્ર નામ અથવા HSN Code પરથી નહીં પરંતુ વસ્તુની વાસ્તવિક પ્રકૃતિ, ઉપયોગ અને કાયદાની જોગવાઈઓના આધારે કરવી જોઈએ. આથી માત્ર HSN Code દર્શાવીને ITC નકારવો દરેક કિસ્સામાં યોગ્ય ગણાવી શકાય નહીં. વિભાગે દરેક કેસના તથ્યો, વાહનની પ્રકૃતિ અને Section 17(5) હેઠળ ઉપલબ્ધ અપવાદોનું પણ મૂલ્યાંકન કરવું જરૂરી છે.
તાજેતરમાં HSN Code ના આધારે આપવામાં આવેલ GST નોટિસોએ ઘણા કરદાતાઓમાં ચિંતા ઉભી કરી છે. પરંતુ દરેક Notice નો અર્થ એવો નથી કે ITC આપમેળે રદ થઈ જશે.
જો વાહન કાયદામાં દર્શાવેલા અપવાદોમાં આવે છે અથવા તે Goods Vehicle છે, 13 કરતાં વધુ બેઠકો ધરાવે છે અથવા મુસાફરોના પરિવહન અથવા આગળ વેચાણ માટે ઉપયોગમાં લેવાય છે, તો ITC કાયદેસર રીતે ઉપલબ્ધ રહી શકે છે.
આથી દરેક કરદાતાએ પોતાની વાહનની ખરીદી, તેનો HSN Code, Registration Certificate, Seating Capacity અને વાસ્તવિક ઉપયોગની સંપૂર્ણ સમીક્ષા કરવી જોઈએ અને સમયસર જવાબ આપવો જોઈએ. આ અંગે વાંચકોના કોઈ પ્રશ્ન હોય તો adv.bhavyapopat@gmail.com પર પૂછી શકો છો.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબમાં તારીખ ૧૦.૦૮.૨૦૨૬ ના રોજ પ્રકાશિત થયેલ છે)
