ગેરકાયદે ખનન અને ખનિજ પરિવહન સામે GST વિભાગ હવે બની શકે છે વધુ કડક

0
Spread the love
Reading Time: 2 minutes

રાજ્ય ખનન વિભાગ અને GST વિભાગ વચ્ચે માહિતીની સીધી વહેંચણીના CBICના નવા નિર્દેશો

નવી દિલ્હી, તા. 11 ઓગસ્ટ:

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) ના GST Investigation Wing દ્વારા 03 ઓગસ્ટ, 2026ના રોજ Instruction No. 01/2026-GST રૂપે નવી સુચના બહાર પાડવામાં આવી છે. આ નવા નિર્દેશ હેઠળ હવે રાજ્યના ખનન વિભાગો (State Mining Authorities) અને CGST વિભાગ વચ્ચે ગેરકાયદે ખનન અને ખનિજોના ગેરકાયદે પરિવહન અંગેની માહિતીનું નિયમિત આદાન-પ્રદાન કરવામાં આવશે.

CBICએ સ્પષ્ટ કર્યું છે કે ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG) ના ઓડિટમાં જાણવા મળ્યું હતું કે રાજ્ય ખનન વિભાગો દ્વારા ગેરકાયદે ખનન, ખનિજોની જપ્તી, વાહનોની જપ્તી, ખાણ લીઝ રદ કરવી, મંજૂર મર્યાદા કરતાં વધુ ખનન સહિતના અનેક કિસ્સાઓ ઝડપાયા હતા. જોકે આ માહિતીનો GST કાયદા હેઠળ કરચોરી શોધવા માટે વ્યવસ્થિત ઉપયોગ થતો ન હતો.

GST ચોરીના કેસો ઝડપાશે

CBICના મત મુજબ, ગેરકાયદે ખનન સંબંધિત માહિતી પરથી નીચે મુજબની GST અનિયમિતતાઓ બહાર આવી શકે છે:

  • કરપાત્ર સપ્લાય છુપાવવી (Suppression of Taxable Supplies)
  • GST નોંધણી લીધા વિના વ્યવસાય કરવો
  • વેચાણનું ઓછું મૂલ્યાંકન (Undervaluation)
  • GSTની ઓછી અથવા ચૂકવ્યા વગરની રકમ
  • ખોટી રીતે Input Tax Credit (ITC) મેળવવી
  • CGST Act, 2017 હેઠળની અન્ય જોગવાઈઓનો ભંગ

આથી હવે રાજ્ય ખનન વિભાગ પાસેથી મળતી માહિતીના આધારે GST અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવશે.

CBIC દ્વારા આપવામાં આવેલી મુખ્ય સૂચનાઓ

તમામ CGST ઝોનના મુખ્ય મુખ્ય કમિશનરોને નીચે મુજબની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે સૂચના આપવામાં આવી છે:

  • દરેક CGST ઝોનમાં રાજ્ય ખનન વિભાગ સાથે સંકલન માટે નોડલ ઓફિસરની નિમણૂક કરવી.
  • રાજ્ય ખનન વિભાગ સાથે માહિતીના નિયમિત આદાન-પ્રદાન માટે સત્તાવાર વ્યવસ્થા ઊભી કરવી.
  • પ્રાપ્ત થયેલી માહિતીનું વિશ્લેષણ કરીને જ્યાં જરૂરી હોય ત્યાં GST કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરવી.
  • જરૂરી હોય ત્યારે મળેલી ગુપ્તચર માહિતી (Intelligence) સંબંધિત કમિશનરેટ અથવા DGGI સાથે વહેંચવી.
  • માહિતી વહેંચણીની અસરકારકતા અને કામગીરીની સમીક્ષા કરવા માટે રાજ્ય ખનન વિભાગ સાથે નિયમિત બેઠકો યોજવી.

વેપારીઓ માટે આ જાણવું મહત્વનું:

ખાસ કરીને ખનિજોના ખનન, ખરીદી, વેચાણ અને પરિવહન સાથે સંકળાયેલા વેપારીઓ માટે હવે વધુ સાવચેતી રાખવાની જરૂર રહેશે. રાજ્ય ખનન વિભાગમાં થયેલી કોઈપણ કાર્યવાહી હવે સીધી GST વિભાગ સુધી પહોંચી શકે છે. પરિણામે માત્ર Mining Act હેઠળ જ નહીં પરંતુ CGST Act હેઠળ પણ તપાસ, ટેક્સ વસૂલાત, વ્યાજ, દંડ અને અન્ય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

GST હેઠળ યોગ્ય નોંધણી, વાસ્તવિક ટર્નઓવરનું જાહેરકરણ, યોગ્ય ઇન્વોઇસિંગ અને કાયદેસર Input Tax Creditનો દાવો કરવો હવે વધુ મહત્વનો બની ગયો છે.

Tax Today વિશ્લેષણ

CBIC ની આ સુચના વિવિધ સરકારી વિભાગો વચ્ચે Data Sharing અને Inter-Departmental Coordination વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આગામી સમયમાં અન્ય વિભાગો જેમ કે પરિવહન, વન, આવક અને સ્થાનિક સત્તામંડળો પાસેથી પણ મળતી માહિતીના આધારે GST તપાસોમાં વધારો થવાની શક્યતા છે. તેથી આ  ક્ષેત્રોમાં કાર્યરત વેપારીઓએ પોતાના GST અનુપાલન (Compliance) પર વિશેષ ધ્યાન આપવું જરૂરી બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!