ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો: વેચનાર વેરો નાં ભરે તો ઈનપુટ ક્રેડીટ મળે નહિ: પ્રમાણિક વેપારી માટે પણ કોઈ અપવાદ નહિ

0
Spread the love
Reading Time: 4 minutes

-By Bhavya Popat, Advocate

GST કાયદા હેઠળ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) સંબંધિત એક અત્યંત મહત્વપૂર્ણ અને વ્યાપક અસર ધરાવતો ચુકાદો તાજેતરમાં Gujarat High Court દ્વારા આપવામાં આવ્યો છે. “Maruti Enterprise vs Union of India” સહિતના અનેક કેસોને એકસાથે સાંભળી કોર્ટએ આપેલો આ નિર્ણય સીધો કરદાતાઓના હિત વિરુદ્ધ ગયો છે અને GST પ્રેક્ટિસમાં મોટા ફેરફારો લાવશે.

આ ચુકાદો ખાસ કરીને CGST Act ની કલમ 16(2)(c) ની બંધારણીય કાયદેસરતા અંગેનો હતો. આ કલમ હેઠળ વેચનાર/સપ્લાયર દ્વારા સરકારને ટેક્સ ભરવામાં આવ્યો હોય ત્યારે જ ખરીદદાર ITC મેળવી શકે તેવી જોગવાઈ રહેલ છે. આ કેસના અરજકર્તા સહીત ઘણા એવા કરદાતાઓ છે જેઓએ ખરીદી કરી ત્યારે તેઓએ વેચનારને ટેક્સની રકમ ચૂકવેલ છે, વેચનાર દ્વારા આ વેચાણને પોતાના GSTR ૧ માં દર્શાવેલ છે, ખરીદનારના GSTR૨A/B માં પણ આ ખરીદી દર્શાવવામાં આવેલ છે પરંતુ વેચનાર દ્વારા આ વેચાણ ઉપર ટેક્સ ભરવામાં આવ્યો નથી તે કારણે ખરીદનારની ઈનપુટ ટેક્સ ક્રેડીટ નકારવામાં આવેલ છે.

કેસનો પૃષ્ઠભૂમિ

આ કેસમાં અરજદારોએ દલીલ કરી હતી કે:

  • ખરીદદાર પાસે સપ્લાયર ટેક્સ ભરે છે કે નહીં તે તપાસવાની કોઈ વ્યવસ્થા નથી
  • છતાં ITC ન આપવો એ અન્યાય છે
  • કલમ 16(2)(c) બંધારણના આર્ટિકલ 14, 19(1)(g), 265 અને 300A નો ભંગ કરે છે

અર્થાત, “બોનાફાઇડ ખરીદદાર” (એવા ખરીદનારજે પ્રમાણિક છે વેચનાર સાથે કોઈ પણ રીતે જોડાયેલ નથી) ને પણ સપ્લાયરની ભૂલ માટે દંડિત કરવામાં આવી રહ્યો છે.

પરંતુ કોર્ટએ આ તમામ દલીલોને નકારી કાઢી.

કોર્ટનો સ્પષ્ટ નિષ્કર્ષ

ગુજરાત હાઇકોર્ટએ ચુકાદામાં નોંધ્યું છે કે:

  • ITC કોઈ હક્ક (right) નથી, પરંતુ “concession” છે
  • ITC મેળવવા માટે તમામ શરતો પૂર્ણ કરવી ફરજિયાત છે
  • કલમ 16(2)(c) સંપૂર્ણ રીતે બંધારણીય છે
  • તેને “read down” કરવાની જરૂર નથી. કોઈ પણ કલમની કાયદેસરની બંધારીય વૈધતા તપાસતી વખતે કોર્ટ દ્વારા ક્યારે કલમને અવૈધ જાહેર કરવાના બદલે તેને “Read Down” કરવામાં આવે છે. આ “Read Down” કરવું એટલે કલમનું અર્થઘટન તેની અન્ય જોગવાઈઓ અને આ જોગવાઈઓના હેતુ પ્રમાણે કરવું.

કોર્ટનું સૌથી મહત્વપૂર્ણ નિરીક્ષણ:

આ ચુકાદામાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખરીદદાર ITC ત્યારે જ લઈ શકે જ્યારે સપ્લાયર ટેક્સ સરકારમાં જમા કરે. આથી સ્પષ્ટ થાય છે કે ITC સંપૂર્ણપણે “tax paid to government” પર આધારિત છે. કોઈ પણ સંજોગોમાં જો વેચનાર દ્વારા ટેક્સ સરકારી તિજોરીમાં જમા કરાવવામાં નાં આવ્યો હોય તો ખરીદનાર વેપારી ગમે તેટલા પ્રમાણિક કે શુદ્ધ બુદ્ધિના હોય પરંતુ તેઓને ઈનપુટ ટેક્સ ક્રેડીટ મળી શકે નહિ.

કોર્ટની કાનૂની વ્યાખ્યા

કોર્ટએ GST સ્કીમને ધ્યાનમાં રાખીને કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા સ્પષ્ટ કર્યા:

  1. ITC માટેની શરતો cumulative છે

કલમ 16(2) ની શરતો (a) થી (d) સુધીની તમામ શરતો સાથે પૂર્ણ કરવી પડે, એક પણ શરત અધૂરી હોય તો ITC મળશે નહીં.

  1. ટેક્સ ભરવો એ કેન્દ્રિય અને સૌથી મહત્વની શરત

કલમ 16(2)(c) મુજબ:

  • સપ્લાયર ટેક્સ ચૂકવે તે ફરજિયાત
  • તે વગર ITC માન્ય નથી
  1. ITC એક concessional benefit છે

કોર્ટએ સ્પષ્ટ કહ્યું:

  • ITC કોઈ મૂળભૂત અધિકાર નથી
  • તે કાયદા દ્વારા આપવામાં આવેલી સુવિધા છે
  • એટલે તેની શરતોનું કડક પાલન જરૂરી છે
  1. Double Taxation નો મુદ્દો નકારાયો

અરજદારોની દલીલ હતી કે:

જો આવી રીતે વેચનારની ભૂલ ના કારણે ખરીદનારની ઈનપુટ ટેક્સ ક્રેડીટ નકારવામાં આવેતો એક જ ટ્રાન્ઝેક્શન પર બે વખત ટેક્સ વસૂલ થાય છે, જે બંધારણ મુજબ યોગ્ય નથી

આ બાબતે પોતાના ચુકાદામાં ગુજરાત હાઈકોર્ટએ કહ્યું કે:

  • આ “double taxation” નથી
  • કારણ કે ITC માત્ર ત્યારે જ મળશે જ્યારે સરકારને ટેક્સ મળ્યો હોય

GST સિસ્ટમની વાસ્તવિકતા – કોર્ટનો અભિગમ

કોર્ટએ GST મિકેનિઝમને આ ચુકાદામાં વિગતે સમજવા પ્રયાસ કર્યો છે.

  • GSTR-1 → સપ્લાયર રિટર્ન
  • GSTR-2B → ખરીદદારને ITC સ્ટેટમેન્ટ
  • GSTR-3B → ટેક્સ ચુકવણી

માત્ર GSTR-2B માં એન્ટ્રી દેખાવું પૂરતું નથી, વાસ્તવિક ટેક્સ ચુકવણી જરૂરી છે

ખરીદદારો માટે શું જોખમ?

આ ચુકાદા પછી ખરીદદારો માટે ગંભીર જોખમ ઊભા થાય છે:

  1. Supplier Default = Buyer Loss

જો સપ્લાયર ટેક્સ ન ભરે તો ખરીદનારે પોતે વેચનારને જી.એસ.ટી.ની રકમ ચૂકવેલ હોવા ચાત ITC રિવર્સ કરવી પડશે અને ઈનપુટનો કોઈ લાભ તેને મળશે નહિ. આ ઉપરાંત ખરીદનારે આ રકમ ઉપર વ્યાજ અને દંડ પણ ચૂકવવો પડશે

  1. Compliance Burden વધ્યું

હવે ખરીદદારને:

  • Vendor verification કરવું પડશે
  • સતત reconciliation કરવું પડશે
  1. Business Risk વધ્યું

ખોટા સપ્લાયર સાથે કામ કરવાથી:

  • સીધો નાણાકીય નુકસાન

ચુકાદામાં કોર્ટ દ્વારા સરકારને મહત્વની સુચના:

આ ચુકાદો ચોક્કસ કરદાતાઓ વિરુદ્ધ છે, પરંતુ આ ચુકાદામાં કોર્ટએ સરકારને મહત્વની સૂચના આપી છે જણાવ્યું છે કે :

  • જી.એસ.ટી. સિસ્ટમ વધુ પારદર્શક બનાવવી જોઈએ
  • રિયલ-ટાઇમ ટ્રેકિંગ મિકેનિઝમ લાવવા જોઈએ
  • બોનાફાઇડ ખરીદદારોને રક્ષણ આપવા જોગવાઈ બનાવવા વિચારના કરવી જોઈએ.

આ ચુકાદાના મહત્વપૂર્ણ કાનૂની સિદ્ધાંતો

કોર્ટએ નીચેના સિદ્ધાંતો પુનઃસ્થાપિત કર્યા:

  • Tax laws literal interpretation થી જ એટલે કે શાબ્દિક અર્થઘટનથી જ વાંચવાના રહે
  • Equity (ન્યાયસંગતતા) નો ઉપયોગ તેમાં કરી શકાય નહિ.
  • ITC = conditional benefit, ઈનપુટ ટેક્સ ક્રેડીટ એ શરતી છે અને વેપારીનો અબાધિત હક્ક નથી

ગુજરાત હાઇકોર્ટનો આ ચુકાદો GST કાયદામાં એક ટર્નિંગ પોઇન્ટ ગણી શકાય. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાના અમુક કેસોતો અંદાજે ૨૦૨૦ થી ચાલી રહેલા હતા. ઘણા વેપારીઓ ગુજરાત હાઈકોર્ટના આ કેસ ઉપર આશા નજર રાખી બેઠા હતા અને પોતાના ઉપર આવી પડેલી મુસીબત માટે ગુજરાત હાઈકોર્ટના શરણે હતા. કોર્ટના આ ચુકાદાથી GST ના કરદાતાઓ અને ખાસ કરીને ગુજરાતના કરદાતાઓ નિરાશ થયા હશે તે ચોક્કસ છે. આ સાથે જી.એસ.ટી. પ્રોફેશનલ્સમાં પણ આ ચુકાદાના સંદર્ભે નિરાશા સાંપડી છે. ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદામાં કાયદાકીય બાબતોનું ચોક્કસ ધ્યાન રાખવામાં આવ્યું છે પરંતુ સામાન્ય લોકોમાં-ધંધાર્થીઓમાં આ પ્રકારની જોગવાઈઓથી નિરાશા અને ડર ઉભો થાય તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. આ ચુકાદા સામે અરજકર્તા સુપ્રીમ કોર્ટમાં જાય તેવી શક્યતા પણ રહી છે. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને આપવામાં આવેલ સુચનાઓના કારણે સરકાર અગામી જી.એસ.ટી. કાઉન્સિલમાં આ મુદ્દાને લઇ જાય તેવી શક્યતા પણ રહેલી છે. જી.એસ.ટી. કાઉન્સિલ દ્વારા આ અંગે સરકારને સુચન કરી પ્રમાણિક કરદાતાઓને બચાવવામાં આવે તે ખુબ જરૂરી છે. અન્યથા ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસના સ્થાને પેઈન ઓફ ડુઈંગ બીઝનેસ વધી જશે.

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા ૦૪ મે ૨૦૨૬ ના રોજ પ્રકાશિત થયેલ છે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!