મહેસાણા ખાતે “જીએસટી પખવાડિયું” અને “MSME સપ્તાહ” અંતર્ગત ભવ્ય આઉટરીચ કાર્યક્રમની ઉજવણી…

0
Spread the love
Reading Time: 4 minutes

મહેસાણા, ૨૪ જૂન ૨૦૨૬

ભારત સરકારના આદેશ અનુસાર અને દેશના આર્થિક વિકાસની કરોડરજ્જુ સમાન સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ને સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે, કેન્દ્રીય વસ્તુ અને સેવા કર (CGST) વિભાગ, મહેસાણા ડિવિઝન દ્વારા આજે એક ભવ્ય અને વિસ્તૃત આઉટરીચ (સંપર્ક) કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ “જીએસટી પખવાડિયું” (૧૬.૦૬.૨૦૨૬ થી ૩૦.૦૬.૨૦૨૬) તેમજ “MSME સપ્તાહ” (૨૨.૦૬.૨૦૨૬ થી ૨૬.૦૬.૨૦૨૬) ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો. આ વર્ષે આ ઉજવણીની મુખ્ય થીમ “EMPOWERING MSMEs, ENABLING GROWTH, BUILDING NEW INDIA” (MSMEs નું સશક્તિકરણ, વૃદ્ધિને સક્ષમ બનાવવી, નૂતન ભારતનું નિર્માણ) રાખવામાં આવી છે, જેના અંતર્ગત કરદાતાઓની સુવિધા અને વેપાર પ્રક્રિયાને વધુ સરળ બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. કરદાતાઓની સમસ્યાઓનું સ્થળ પર જ નિવારણ કરવા અને વેપાર ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે CGST મહેસાણા વિભાગ ખાતે મહત્વપૂર્ણ ચર્ચા યોજાઈ

        આ મહત્વપૂર્ણ બેઠક અને આઉટરીચ કાર્યક્રમનું નેતૃત્વ મહેસાણા CGST વિભાગના સહાયક આયુક્ત (Assistant Commissioner) શ્રી ધીરેન્દ્ર ચૌધરી (Dheerendra Choudhary) દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સર્વશ્રી અમિત શર્મા (સુપરિન્ટેન્ડેન્ટ), કૌશિક પાલ (ઇન્સ્પેક્ટર) અને અભિષેક કુમાર (ઇન્સ્પેક્ટર) સહિતના સમગ્ર સ્ટાફની સક્રિય હાજરી જોવા મળી હતી. આ ઉપરાંત, મહેસાણા અને ઊંઝા વિસ્તારના અગ્રણી વેપારી સંગઠનો જેવા કે મહેસાણા સેલ્સ ટેક્સ બાર એસોસિએશન, મહેસાણા CPE ચેપ્ટર, મહેસાણા ઇન્ડસ્ટ્રીઝ ઓનર્સ એસોસિએશન, શ્રી ઊંઝા વ્યાપાર મંડળ અને ઊંઝા માર્કેટ યાર્ડ વ્યાપાર એસોસિએશનના પ્રમુખશ્રીઓ અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન નીચે મુજબના મહત્વના કાયદાકીય અને વહીવટી મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી:

૧. ઉદ્યમ સહાયતા કેન્દ્રની સ્થાપના અને કરદાતા સુવિધા: સહાયક આયુક્ત શ્રી ધીરેન્દ્ર ચૌધરીએ (ધીરેન્દ્ર ચૌધરી, સહાયક આયુક્ત, CGST મહેસાણા વિભાગ, ગાંધીનગર કમિશનરેટ) જણાવ્યું હતું કે CGST મહેસાણા વિભાગ ખાતે વિશેષ “ઉદ્યમ સહાયતા કેન્દ્ર” (Udyam Sahayata Kendra) ની સ્થાપના કરવામાં આવી છે. આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય MSME એકમો અને સામાન્ય કરદાતાઓને જીએસટી સંબંધિત કોઈપણ પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓનું તાત્કાલિક નિવારણ પૂરું પાડવાનો છે. આ પખવાડિયા દરમિયાન નોંધણી (Registration) અને રિફંડ (Refund) જેવા મુખ્ય ક્ષેત્રોની કામગીરીનું ઝડપી અને સમયબદ્ધ નિવારણ કરવામાં આવશે.

૨. ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર (IDS) રિફંડ અંગે ટેકનિકલ સ્પષ્ટતા: આઉટરીચ કાર્યક્રમ દરમિયાન કરદાતાઓ સાથે ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર (IDS) હેઠળના રિફંડ અંગે અત્યંત વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે:

  • રિફંડની ગણતરી કરતી વખતે, સેક્શન ૧૭(૫) હેઠળ બ્લોક કરાયેલી ક્રેડિટ (Blocked Credit) અને કેપિટલ ગુડ્સ (Capital Goods) પરની આઇટીસીને બાદ કરીને જ ‘Net ITC’ ની ગણતરી કરવાની રહેશે.
  • ઇનપુટ સેવાઓ (Input Services) સંબંધિત આઇટીસીને માત્ર પ્રમાણસર (Proportionate) ધોરણે જ ધ્યાનમાં લેવામાં આવશે.
  • તારીખ ૨૨/૦૯/૨૦૨૫ થી ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર રિફંડ સ્કીમ હેઠળ પાત્ર ઠરેલી નવી નોટિફાઇડ પ્રોડક્ટ્સ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

૩. નિકાસ રિફંડ (Export Refund) ની સરળ પ્રક્રિયા: નિકાસકારોને પ્રોત્સાહન આપવા માટે કાયદાકીય જોગવાઈઓની સ્પષ્ટતા કરતા અધિકારીઓએ જણાવ્યું કે, નિકાસ રિફંડની ગણતરી માટે ઝીરો-રેટેડ સપ્લાય (Zero-rated supply) નું ટર્નઓવર નક્કી કરતી વખતે, એફ.ઓ.બી. મૂલ્ય (FOB Value) અથવા ઇન્વોઇસ મૂલ્ય (Invoice Value) બેમાંથી જે ઓછું હશે તેને જ આધાર ગણવામાં આવશે.

૪. કારણ દર્શાવો નોટિસ (SCN) નો સમયસર જવાબ: વિભાગ દ્વારા કરદાતાઓને ખાસ અપીલ કરવામાં આવી હતી કે જ્યારે પણ કચેરી તરફથી કોઈ કારણ દર્શાવો નોટિસ (Show Cause Notice) આપવામાં આવે, ત્યારે તેનો જવાબ કાયદા દ્વારા નિર્ધારિત ૧૫ દિવસની સમયમર્યાદામાં જ સબમિટ કરવો અનિવાર્ય છે, જેથી ભવિષ્યની કાનૂની ગૂંચવણોથી બચી શકાય.

૫. જીએસટી નોંધણી (GST Registration) અને સ્થળ ચકાસણી: નવી જીએસટી નોંધણી મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે કરદાતાઓએ કોઈપણ એક માન્ય સરનામાનો પુરાવો (Valid Address Proof) રજૂ કરવો પડશે, જેમાં બ્લોક નંબર, સર્વે નંબર, પ્લોટ નંબર, બિલ્ડિંગનું નામ, રોડનું નામ વગેરે જેવી સંપૂર્ણ અને સચોટ વિગતો હોવી જરૂરી છે. આ ઉપરાંત, જ્યારે પણ વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ (Physical Verification) કરવામાં આવે, ત્યારે કરદાતાએ તમામ અસલ દસ્તાવેજો (Original Documents) તૈયાર રાખવાના રહેશે.

૬. સેક્શન ૬૫ હેઠળ CGST ઓડિટ સુવિધા: વેપારી મંડળોની રજૂઆતને ધ્યાને રાખીને, સેક્શન ૬૫ હેઠળ થતા CGST ઓડિટની પ્રક્રિયા માટે સર્કલ ઓફિસ, મહેસાણા ખાતે જ જરૂરી વ્યવસ્થાઓ અને સુવિધાઓ ઊભી કરવા માટે હકારાત્મક સૂચન સ્વીકારવામાં આવ્યું હતું.

મહેસાણા જીએસટી વિભાગની કરદાતાઓને અપીલ: સહાયક આયુક્ત શ્રી ધીરેન્દ્ર ચૌધરીએ મહેસાણા અધિકારક્ષેત્ર હેઠળના તમામ કરદાતાઓ, નાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને સરકારની આ વિશેષ સુવિધા ઝુંબેશનો મહત્તમ લાભ લેવા અને વેપારમાં નડતી કોઈપણ મુશ્કેલીઓ મુક્તમને કચેરી સમક્ષ રજૂ કરવા આગ્રહભરી વિનંતી કરી છે.

શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સમાપન: બેઠકના અંતે ઉપસ્થિત તમામ વેપારી પ્રતિનિધિઓ અને અધિકારીઓ માટે ચા-નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ખૂબ જ શાંતિભર્યા, સુમેળભર્યા અને પ્રેમભર્યા વાતાવરણમાં ચર્ચાઓ પૂર્ણ થઈ હતી અને સમગ્ર પ્રોગ્રામ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. વેપારી મંડળોએ વિભાગના આ હકારાત્મક અને સહયોગી અભિગમને મુક્ત કંઠે બિરદાવ્યો હતો.

હર્ષદ ઓઝા, ટેક્સ રિપોર્ટર (ઉત્તર ગુજરાત)



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!