ગુજરાત હાઈકોર્ટની લાલ આંખ: અગાઉના ચુકાદાઓની અવગણના કરવા બદલ GST અધિકારીઓને ફટકાર્યો દંડ


– દર્શિત શાહ (કરવેરા સલાહકાર)
– અનસ એન્ટરપ્રાઇઝ કેસનું વિસ્તૃત વિશ્લેષણ.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાયદા હેઠળ કલમ ૫૦ (Section 50) મુજબ વ્યાજની ગણતરી હંમેશા એક જટિલ અને વિવાદિત મુદ્દો રહ્યો છે. ખાસ કરીને જ્યારે કરદાતાએ પોતાનો ટેક્સ સમયસર ‘ઈલેક્ટ્રોનિક કેશ લેજર’ (Electronic Cash Ledger – ECL) માં જમા કરાવી દીધો હોય, પરંતુ ટેકનિકલ કે અન્ય કોઈ કારણોસર GSTR-3B પત્રક ભરવામાં વિલંબ થયો હોય.
આ મુદ્દા પર ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં ૧૬ જુલાઈ, ૨૦૨૬ ના રોજ ‘અનસ એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા‘ (SCA No. 11064 of 2025) ના કેસમાં એક ઐતિહાસિક અને અત્યંત કડક ચુકાદો આપ્યો છે. આ ચુકાદો માત્ર વ્યાજની ગણતરી પૂરતો સીમિત નથી, પરંતુ અધિકારીઓ દ્વારા ન્યાયિક સિદ્ધાંતો (Judicial Precedents) ની મનસ્વી રીતે કરવામાં આવતી અવગણના સામે લાલ આંખ સમાન છે. ટેક્સ પ્રોફેશનલ્સ માટે આ કેસનું તકનીકી પૃથ્થકરણ સમજવું ખૂબ જ આવશ્યક છે.
કેસની હકીકતો અને વિવાદનું મૂળ (Facts of the Case) અરજદાર (અનસ એન્ટરપ્રાઇઝ) દ્વારા અમુક ટેક્સ પિરિયડ માટે GSTR-3B પત્રક ભરવામાં વિલંબ કરવામાં આવ્યો હતો. જોકે, માત્ર એક મહિનાને બાદ કરતાં અન્ય તમામ સમયગાળા માટે કરદાતાએ નિયત તારીખ પહેલાં જ પોતાના ‘ઈલેક્ટ્રોનિક કેશ લેજર’ (ECL) માં ટેક્સની પૂરેપૂરી રકમ જમા કરાવી દીધી હતી.
ત્યારબાદ, GST ઓડિટ દરમિયાન વિભાગ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો અને કરદાતા પાસેથી માત્ર પત્રક મોડું ફાઈલ કરવાના આધારે વધારાના વ્યાજની માંગણી કરવામાં આવી. શરૂઆતમાં કરદાતાએ ફોર્મ GST DRC-03 મારફતે વ્યાજની રકમ ભરી દીધી, પરંતુ બાદમાં ફોર્મ GST RFD-06 હેઠળ આ વ્યાજનું રિફંડ મેળવવા અરજી કરી. GST અધિકારીઓએ આ રિફંડ નકારી કાઢ્યું, જેની સામે અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી.
સરકાર અને વિભાગની રજૂઆત (Revenue’s Submission) આ કેસમાં સરકાર તરફથી બે મુખ્ય દલીલો કરવામાં આવી હતી: વૈકલ્પિક ઉપાય (Alternative Remedy): અરજદાર રિફંડ નામંજૂર કરતા આદેશ સામે સીધી હાઈકોર્ટમાં આવવાને બદલે અપીલ દાખલ કરી શકે તેમ હતો, તેથી આ રિટ અરજી મંજૂર ન કરવી જોઈએ. વધુમાં વિભાગ ની રજૂઆત એ પણ હતી કે નિયમ ૮૮B નો ભવિષ્યલક્ષી અમલ (Prospective Effect): ૨૨-૦૬-૨૦૨૪ ના રોજ મળેલ ૫૩મી GST કાઉન્સિલની ભલામણોના આધારે CGST Rules ના નિયમ ૮૮B માં જે સુધારો (Proviso) કરવામાં આવ્યો છે, તે ૧૦-૦૭-૨૦૨૪ થી નોટિફાય થયો છે. વિભાગની દલીલ હતી કે આ સુધારો માત્ર ૧૦-૦૭-૨૦૨૪ પછીના કેસોને જ લાગુ પડે છે (Prospective), ભૂતકાળના કેસોને નહીં.
કોર્ટનું તકનીકી વિશ્લેષણ: ઈલેક્ટ્રોનિક કેશ લેજર (ECL) નું કાનૂની સ્વરૂપ આ કેસમાં કલમ ૩૯, ૪૯, ૫૦ અને ૫૪ તેમજ નિયમ ૮૮B ના આધારે હાઈકોર્ટે અત્યંત મહત્વનું અર્થઘટન કર્યું છે. કોર્ટે અગાઉના ‘આર્ય કોટન ઇન્ડસ્ટ્રીઝ‘ (ગુજરાત હાઈકોર્ટ) અને ‘આઈશર મોટર્સ – Eicher Motors’ (મદ્રાસ હાઈકોર્ટ) ના ચુકાદાઓને ટાંકીને સ્પષ્ટ કર્યું કે:
- જ્યારે કરદાતા પોતાના બેંક ખાતામાંથી ઈલેક્ટ્રોનિક કેશ લેજરમાં રકમ જમા કરાવે છે, ત્યારે તે રકમ સીધી જ સરકારના ખાતામાં જમા થઈ ગયેલી ગણાય છે.
- ECL માં જમા થયેલી આ રકમ એક પ્રકારનો ‘એડવાન્સ ટેક્સ’ છે, જેને કરદાતા સીધેસીધો પરત લઈ શકતો નથી, પરંતુ તેનો ઉપયોગ પત્રક પ્રમાણે ભરવાપાત્ર વેરાને સરભર કરવા (Offset) માટે કરી શકે છે.
- જો સરકાર પાસે વેરાની રકમ પહેલેથી જ જમા પડી હોય, તો તેના પર વ્યાજ માંગવું એ કાયદાના સિદ્ધાંત વિરુદ્ધ છે.
વ્યાજ કે દંડ કલમ ૫૦ નું ખોટું અર્થઘટન (Interest vs Penalty) હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે કલમ ૫૦(૧) હેઠળ વ્યાજ એ વળતર (Compensatory) સ્વરૂપનું છે. કલમ ૫૦(૧) ના પ્રોવિઝોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વ્યાજ માત્ર ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) બાદ કરીને ભરવાપાત્ર થતી ‘નેટ કેશ લાયબિલિટી’ પર જ લાગે. જ્યારે વેરાની રકમ ECL માં સમયસર જમા કરાવી દેવામાં આવી હોય અને સરકારને કોઈ નાણાકીય નુકશાન થતું ન હોય, ત્યારે પત્રક મોડું ભરવાના નામે વ્યાજ વસૂલવું એ વ્યાજને દંડમાં (Penalty) પરિવર્તિત કરી દેવા સમાન છે, જે કલમ ૫૦ નો ઉદ્દેશ્ય નથી.
અધિકારીઓના મનસ્વી વલણ પર કોર્ટની આકરી ટિપ્પણી હાઈકોર્ટે અધિકારીઓના વલણની સખત આલોચના કરતા નોંધ્યું કે અરજદારે વારંવાર ‘આર્ય કોટન ઇન્ડસ્ટ્રીઝ’ ના ચુકાદા તરફ ધ્યાન દોરવા છતાં, અધિકારીઓએ આ બંધનકર્તા કાનૂની સિદ્ધાંતની સંપૂર્ણપણે અવગણના કરી હતી.કોર્ટે નિયમ ૮૮B ના સુધારા અંગે સ્પષ્ટ કર્યું કે, આ સુધારો નવો કાયદો બનાવતો નથી, પરંતુ અગાઉથી અસ્તિત્વ ધરાવતા સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ (Clarificatory) કરે છે. વિભાગે પોતે સ્વીકાર્યું હતું કે ‘આર્ય કોટન’ નો ચુકાદો આ કેસમાં સીધો લાગુ પડે છે, છતાં માત્ર નિયમ ૮૮B ૧૦-૦૭-૨૦૨૪ થી આવ્યો છે તેવું બહાનું આગળ ધરીને રિફંડ નકાર્યું હતું. હાઈકોર્ટે આ અભિગમને “પસંદગીયુક્ત ઇનકારનો ક્લાસિક કેસ” (Classic case of selective denial) ગણાવ્યો હતો.
હાઈકોર્ટનો આદેશ અને દંડનીય કાર્યવાહી (Decision & Directions): કોર્ટે કરદાતાની તરફેણમાં ચુકાદો આપતા રિકવરી અને રિફંડ નામંજૂરીના આદેશો રદબાતલ કર્યા છે. કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે વિભાગે કરદાતાને વધારાના ચૂકવાયેલ વ્યાજનું રિફંડ ૬ અઠવાડિયાની અંદર વાર્ષિક ૬% કાયદેસરના વ્યાજ (Statutory interest) સાથે ચૂકવવું પડશે. વધુમાં, જો ૬ અઠવાડિયામાં આ રિફંડ ચૂકવવામાં ન આવે, તો જેટલા અઠવાડિયા મોડું થાય તે સમય માટે વિભાગે ૧૨% લેખે દંડનીય વ્યાજ ચૂકવવું પડશે . આ ઉપરાંત, હાઈકોર્ટના અગાઉના ચુકાદાઓનું પાલન ન કરવા અને મનસ્વી વર્તન બદલ કોર્ટે જી.એસ.ટી. વિભાગને ₹૫,૦૦૦ નો દંડ (Costs) પેટે જમા કરાવવાનો પણ આદેશ કર્યો છે
કોર્ટના ચુકાદા પરથી મહત્વની સ્પષ્ટ થતી બાબતો:
૧. ભૂતકાળના વિવાદોનું રિફંડ: જો કોઈ ક્લાયન્ટે જૂના સમયગાળા (૧૦-૦૭-૨૦૨૪ પહેલા) માટે માત્ર GSTR-3B મોડું ભરવાના કારણે (જ્યારે રકમ ECL માં જમા હોય) DRC-03 દ્વારા વ્યાજ ભરી દીધું હોય, તો આ ચુકાદાનો આધાર લઈને કલમ ૫૪ હેઠળ RFD-06 દ્વારા રિફંડની અરજી દાખલ કરવાનો વિકલ્પ રહે છે, ખાસ કરીને જ્યારે રકમ મોટી હોય.
૨. Clarificatory Amendments નું મહત્વ: જ્યારે GST કાઉન્સિલ દ્વારા કોઈ નિયમમાં સુધારો કરીને કોર્ટના ચુકાદાઓને કાયદામાં સમાવિષ્ટ કરવામાં આવે (જેમ કે નિયમ ૮૮B માં પ્રોવિઝો દાખલ થવો), ત્યારે તેને માત્ર ‘ભવિષ્યલક્ષી’ (Prospective) ગણી શકાય નહીં. પ્રોફેશનલ્સે અપીલ કે નોટિસના જવાબમાં દલીલ કરવી જોઈએ કે આવા સ્પષ્ટીકરણ (Clarification) મૂળ કાયદાના અમલથી જ લાગુ ગણાય.
૩. ન્યાયિક શિસ્ત (Judicial Discipline): જો એસેસમેન્ટ કે ઓડિટ દરમિયાન અધિકારીઓ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના બંધનકર્તા ચુકાદાઓને સીધી રીતે નકારતા હોય, તો પ્રોફેશનલ્સે તે વાત ઓર્ડર-શીટમાં લેખિતમાં નોંધાવવી જોઈએ. આ કેસ દર્શાવે છે કે અપીલની વૈકલ્પિક વ્યવસ્થા હોવા છતાં, હાઈકોર્ટ આવા મનસ્વી આદેશો સામે સીધી રિટ પિટિશન સાંભળે છે તે જાણવું જરૂરી છે.
અનસ એન્ટરપ્રાઇઝનો આ ચુકાદો દર્શાવે છે કે GST કાયદાનું માળખું વેપારને સરળ બનાવવા માટે છે, કરદાતાને દબાવવા માટે નહીં. કલમ ૫૦ મુજબ વ્યાજ એ માત્ર વિલંબિત ચુકવણીના વળતર રૂપે લેવાય છે. તેથી ઈલેક્ટ્રોનિક કેશ લેજરમાં જમા પડેલી રકમ પર વ્યાજ માંગવું એ કાયદાના સિદ્ધાંતોની વિરુદ્ધ અને ગેરવાજબી છે.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં ૦૩ ઓગસ્ટ ૨૬’ ના રોજ પ્રકાશિત થયેલ છે.)
(લેખક અમદાવાદ ખાતે ટેક્સેશનની પ્રેક્ટીસ કરે છે અને ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસો. ના કારોબારી સભ્ય છે.)
