દીવમાં આવકવેરા વિભાગ દ્વારા ‘નવા આવકવેરા કાયદા–2025’ અંગે જાગૃતિ કાર્યક્રમનું થયું આયોજન

0

oplus_136314880

Spread the love
Reading Time: 2 minutes

કરદાતાઓ અને ટેક્સ પ્રોફેશનલ્સ સહિત 70થી વધુ લોકોએ ભાગ લીધો; કરવેરાના કાયદાની પાયાની સમજણ કેળવવા પર ભાર

દીવ, 16 ઑક્ટોબર, 2026: આવકવેરા વિભાગ, વેરાવળ દ્વારા ‘નવી આવકવેરા પ્રણાલી તરફ એક કદમ’ તથા કરદાતા જાગૃતિના ઉદ્દેશ્ય સાથે હોટેલ કોહિનૂર, દીવ-નાગોઆ રોડ, દીવ ખાતે આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન આવકવેરા વિભાગ, વેરાવળ દ્વારા Taxation Advisor’s Association, Diu & Somnath-Veravalના સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કરદાતાઓ અને ટેક્સ પ્રોફેશનલ્સ સહિત 70થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આવકવેરા વિભાગ તરફથી એડિશનલ કમિશનર ઑફ ઇન્કમ ટેક્સ, રાજકોટ શ્રીમતી મમતા મીણા તથા આસિસ્ટન્ટ કમિશનર ઑફ ઇન્કમ ટેક્સ, રાજકોટ શ્રી નિખિલ ચૌહાણ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતું. કાર્યક્રમમાં હોટેલ એસોસિએશન, દીવના પ્રમુખ શ્રી યતિન ફુગરો, લિકર ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી ભાવેશ શેઠ, ટ્રેડ યુનિયનના પ્રમુખ કાદરભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે ઇન્કમ ટેક્સ ઑફિસર શ્રી દિનેશકુમારે સ્વાગત પ્રવચન આપીને ઉપસ્થિત મહેમાનો, કરદાતાઓ અને ટેક્સ પ્રોફેશનલ્સનું અભિવાદન કર્યું હતું. ત્યારબાદ શ્રી નિખિલ ચૌહાણે નવા આવકવેરા અધિનિયમ, 2025 અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે નવા કાયદાના માળખા, કરદાતાઓ માટે તેની અગત્યતા તથા આવકવેરાની જોગવાઈઓને સમજવાની જરૂરિયાત અંગે માહિતી આપી હતી.

આ પ્રસંગે હોટેલ એસોસિએશન, દીવના પ્રમુખ શ્રી યતિન ફુગરોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દરેક કરદાતાએ કરવેરાના કાયદાની પાયાની સમજણ કેળવવી જરૂરી છે. કાયદાની યોગ્ય જાણકારીના અભાવે ઘણી વખત કરદાતાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી કરદાતાઓએ પોતાની કરવેરા સંબંધિત જવાબદારીઓ, કાયદાકીય જોગવાઈઓ અને સમયમર્યાદાઓ અંગે જાગૃત રહેવું જોઈએ. આવા જાગૃતિ કાર્યક્રમો કરદાતાઓ અને આવકવેરા વિભાગ વચ્ચે સંવાદ વધારવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત કરદાતાઓ અને ટેક્સ પ્રોફેશનલ્સને નવા આવકવેરા કાયદા અંગે માહિતી મેળવવાની તક મળી હતી. પ્રશ્નોત્તરી અને પરસ્પર સંવાદ દ્વારા કરવેરા સંબંધિત બાબતો અંગે જાગૃતિ વધારવા માટે પણ આ કાર્યક્રમ ઉપયોગી રહ્યો હતો. અંતમાં ઇન્કમ ટેક્સ ઑફિસર શ્રી મદનલાલે આભારવિધિ રજૂ કરી હતી અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ આવકવેરા વિભાગના અધિકારીઓ, વિવિધ એસોસિએશનોના પ્રતિનિધિઓ, કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સનો આભાર વ્યક્ત કર્યો હતો.

કરદાતાઓમાં કાયદાકીય જાગૃતિ વધારવા અને નવા આવકવેરા અધિનિયમ, 2025 અંગે યોગ્ય સમજણ વિકસાવવાના હેતુથી યોજાયેલો આ કાર્યક્રમ કરદાતાઓ તથા કરવેરા ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યાવસાયિકો માટે માહિતીસભર રહ્યો હતો. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!