સારા એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે ટેક્સ કન્સલ્ટન્ટની કિંમત ઓછી ના આંકો

Spread the love
Reading Time: 2 minutes

પ્રમાણમા નાની એવી ફી બચાવવા જી.એસ.ટી. પોર્ટર્લ પર જાતે અથવા એકાઉન્ટન્ટ દ્વારા રિટર્ન ભરવાનો રસ્તો પડી શકે છે મોંઘો:

તા. 30.03.2021: જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી જી.એસ.ટી. પોર્ટલ એ કાયદા તથા નિયમોની પણ ઉપર હોય તેવું લાગી રહ્યું છે. આવી જ રીતે ઘણા ટેકનિકલ એક્સપર્ટ્સ જેઓ જી.એસ.ટી. કાયદા કે નિયમો બાબતે વધુ જાણકારી ધરાવતા ના હોવા છતાં રિટર્ન ભરવાની કામગીરી આવા ટેકનિકલ લોકો-સાઇબર કેફે-કોમ્પ્યુટર જોબવર્ક કરતાં લોકો પણ કરતાં થયા છે. એવા પણ કિસ્સા જોવા મળ્યા છે કે કરદાતા પોતાના એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે ટેક્સ કન્સલ્ટન્ટ પાસે વર્ષોથી જે કામ કરાવતા હતા તે કામ આવા ટેકનિકલ લોકો-સાઇબર કેફે ચલાવતા કે કોમ્પ્યૂટર જોબવર્કનું કામ કરતાં લોકો પાસે કરાવતા હોય છે. અમુક એકાઉન્ટન્ટ કે જેમનું મુખ્ય કામ ચોપડા તૈયાર કરવાનું હોય છે તે પણ પોતાના અસીલના સામાન્ય આર્થિક ફાયદા માટે ટેક્સ પ્રોફેશનલ્સના બદલે પોતે રિટર્ન ભરી આપતા હોય છે. આ પ્રમાણે કરવાના લાંબા ગાળાના પરિણામ ખૂબ ભયંકર આવતા હોય છે. આવા અનેક કિસ્સા સામે આવ્યા છે જ્યાં આવી સામાન્ય રકમનો લોભ વેપારીને મોટી મુશ્કેલીમાં મૂકી દીધા હોય. એક કિસ્સામાં કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતા બે વર્ષ સુધી પોતે કંપોઝીશનમાં છે એમ માની વેપાર કરતાં રહ્યા અને જ્યારે તેમની આકારણી હાથ ધરવામાં આવી ત્યારે ખબર પડી કે તેઓઑ કંપોઝીશન માટે “એલીજીબલ” જ નથી. તેમના ઉપર મોટી રકમની ડિમાન્ડ ઊભી થઈ હોવાના સમાચાર છે. આવા અન્ય કિસ્સામાં સાઇબર કેફે વાળા વ્યક્તિ પાસે રિટર્ન ભરાવતા વેપારી સતત રિટર્ન ના ભરતા તેમનો રજીસ્ટ્રેશન રદ્દ થઈ ગયો હોય, સમયસર રિવોકેશન કે અપીલ પણ ના કરતાં હાલ ખૂબ મુશ્કેલ પરિસ્થિતી ઊભી થઈ હોવાના સમાચાર છે. એક કિસ્સામાં તો એવું પણ બન્યું કે એક વેપારી કે જે ખૂબ નાના પ્રમાણમા ધંધો કરતાં હતા તેમને બેન્કમાં કરંટ ખાતું ખોલવવું હતું. બેન્કમાં એવું જાણવા મળ્યું કે જી.એસ.ટી. નંબર હોય તો બેન્ક ખાતું તુરંત ખૂલી જશે. આમ, તેઓ એક કોમ્પ્યુટર ઓપરેટર પાસે ગયા જેમણે સલાહ આપી કે નંબર લઈ લો અને નંબર મેળવ્યા પછી રિટર્ન ના ભરતા એટ્લે જાતેજ નંબર કેન્સલ થઈ જશે. આ પ્રકારની સલાહથી તે વેપારીએ જી.એસ.ટી. નંબર લઈ લીધો. અત્યારે રિટર્ન ના ભરવાની લેઇટ ફી ઉપરાંત ટેક્સની પણ મોટી અને ખોટી જવાબદારી ઊભી થઈ હોવાના સમાચાર છે.

આવા તો અનેક કિસ્સા સામે આવતા હોય છે જ્યાં સામાન્ય રકમ બચાવવા વેપારી બિન વ્યવસાયી લોકોની મદદ લેતા હોય છે અને આગળ જતાં તેમના ઉપર મોટી મુશ્કેલી ઊભી થઈ જતી હોય છે. ઘણી વાર વેપારીઓ એવું માનતા હોય છે કે અમે તો આ પ્રમાણે કોમ્પ્યુટર એક્સપર્ટ પાસે કામ કરાવીએ છીએ પણ કોઈ તકલીફ પડી નથી!! પણ આવા વેપારીએ એ બાબત જાણવી જરૂરી છે કે જી.એસ.ટી. માં તકલીફો ત્વરિત આવતી હોતી નથી પણ ઘણી વાર ચાર વર્ષે આકારણી ઊભી થતી હોય છે. આ પ્રકારે જ્યારે આકારણી ઊભી થતી હોય છે ત્યારે આ પ્રકારના બિનવ્યવસાયી લોકો હાથ ઊંચા કરી નાંખતા હોય છે અને વેપારીએ પોતે સરકારી અધિકારીઑ સામે ઉપસ્થિતિ થઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આવા સમયે વેપારીને પોતાની ગંભીરતાનું ભાન થતું હોય છે. પરંતુ ત્યારે ઘણું મોડુ થઈ ગયું હોય છે. ત્યારે એ વિચાર ચોક્કસ આવે કે શું ધંધામાં ખૂબ પાવરધા હોય તેવા હોશિયાર વેપારી શું આવી નાના લોભ માટે આવી ભૂલ કરે??? મોટાભાગે વેપારીઓ આ અંગે યોગ્ય સમજ ધરાવતા હોય છે. આ પ્રકારે જ્યારે ભવિષ્યમાં આકારણી ઊભી થતાં વ્યવસાયી ક્વોલિફાઇડ લોકો અધિકારી સમક્ષ વેપારી વતી રજૂઆત કરવા હક્કદાર હોય છે અને પોતાના જ્ઞાન વડે સારી રીતે પોતાના અસીલનો કેસ લડી શકતા હોય છે. તેઓની પોતાની એક “ફેઇસ વેલ્યૂ” જે તે સરકારી ઓફિસોમાં હોવાનો લાભ પણ વેપારીઓને ચોક્કસ મળે છે.

આમ, વેપારી સામાન્ય રકમ બચાવવા આ પ્રકારે બિન વ્યવસાયી લોકો પાસે કામ કરાવવાના બદલે ક્વોલિફાઇડ એડવોકેટ કે C A ની મદદ લે તે જરૂરી છે. બ્યૂરો રિપોર્ટ, ટેક્સ ટુડે.

2 thoughts on “સારા એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે ટેક્સ કન્સલ્ટન્ટની કિંમત ઓછી ના આંકો

  1. Very nice Bhavya Bhai, it was necessary to give this information to the trader, as it is in the trader’s mind that now that GST is online, any person can do the work of GST.

    Can I share this information with my Client via Whats up ?

Comments are closed.

error: Content is protected !!