અઢી લાખ સુધીની રકમ કોઈ ગૃહિણીએ નોટબંધી દરમ્યાન જમા કરાવી હોય તો ના લાગે કોઈ ટેક્સ!!

Spread the love
Reading Time: 2 minutes

ઇન્કમ ટેક્સની આગ્રા ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવ્યો મહત્વનો ચુકાદો: કોઈ ગૃહિણીએ પોતાની બચતમાંથી 2,50,000/- સુધીની રકમ જમા કરાવે તો તેના ઉપર ઇન્કમ ટેક્સ લાગી શકે નહીં. 

તા.22.06.2021: નોટબંધી દરમ્યાન બેન્ક ખાતામાં રોકડ જમા કરાવવા બાબતે અનેક કરદાતાઓને ઇન્કમ ટેક્સ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. આ પૈકી અમુક કરદાતાઓના કેસમાં મોટી રકમના માંગણા આકારણી દરમ્યાન ઊભા કરવામાં આવેલ છે. આ આકારણી પૈકી એક આકારણી સામે અપીલ કરવામાં આવી હતી. શ્રીમતિ ઉમા અગ્રવાલ વી. ઇન્કમ ટેક્સ ઓફિસર વોર્ડ 1(3) ના કેસમાં આ અંગે ખૂબ મહત્વનો સિદ્ધાંત પ્રતિપાદિત કરતાં ઇન્કમ ટેક્સ ટ્રાઈબ્યુનલની આગ્રા બેન્ચ દ્વારા ચુકાદો આપી જાહેર કરવામાં આવ્યું છે કે અઢી લાખ સુધીની રકમ એક ગૃહિણી દ્વારા પોતાની બચત માંથી જમા કરાવવામાં આવે તો તેના ઉપર ટેક્સ આકારી શકાય નહીં. ટ્રાઈબ્યુનલમાં ખાસ નોંધ કરવામાં આવી હતી કે ગૃહિણી પોતાનો સમગ્ર સમય પોતાના ઘરનું ધ્યાન રાખવામા વ્યતીત કરતી હોય છે. બાળકનું ધ્યાન રાખવું, ખાવાનું બનાવવું ઘરની સંભાળ રાખવી જેવા કામમાં પોતાનું સમગ્ર જીવન વ્યતીત કરતી હોય છે. ટ્રાઈબ્યુનલે નોંધ્યું હતું કે ભલે ગૃહિણી કામ કરવા માટે બહાર જઇ આવક નથી રળતી પરંતુ પોતાના ઘરને સાચવી અનેક બચત કરતી હોય છે. પોતાના પરિવાર પ્રત્યેના પ્રેમને કારણ તે આ તમામ સેવાઓ નિસ્વાર્થ રીતે કરતી હોય છે અને આ સેવાઓ માટે કોઈ રકમ લેતી હોતી નથી.  પોતાના પતિ પાસેની આવક માંથી ખર્ચા માટે મળેલ રકમમાં બચત કરી કરીને ભેગી કરેલ રકમ નોટબંધીના કારણે આ ગૃહિણીઓએ બેન્કમાં જમા કરાવવા ફરજ પડી હતી. કરદાતા તરફે દલીલ કરતાં તેમના વકીલે જણાવ્યુ હતું કે પ્રધાનમંત્રી મોદીજીએ પોતાના ભાષણમાં જણાવ્યુ હતું કે નોટબંધીમાં અઢી લાખ સુધીની રકમ જમા કરાવવામાં આવે તો કોઈ તપાસ કરવામાં આવશે નહીં. આગ્રા ટ્રાઈબ્યુનલે પોતાના ચુકાદામાં ખાસ મનુસ્મૃતિનું એક સુભાષિત  ટાંકયું છે જેનું ગુજરાતીમાં ભાષાંતર છે “જ્યાં સ્ત્રીઓની પુજા થાય છે, ત્યાં પ્રભુની હાજરી હોય છે, જ્યાં સ્ત્રીઓની પુજા થતી નથી ત્યાં તમામ કાર્યો અસફળ નીવડે છે”.  ટ્રાઈબ્યુનલ દ્વારા સ્ત્રીઓની “નોશનલ ઇન્કમ” બાબતના માનનીય સર્વોચ્ચ ન્યાયાલયના ચૂકાદાઓને પણ ધ્યાને લીધા છે. આ ચુકાદામાં ભારત સરકારની તા. 18.11.2016 ની એ પ્રેસ રીલીઝનો પણ ઉલ્લેખ છે જેમાં ગૃહિણીઑની અઢી લાખ સુધીની જમા રકમ ઉપર કોઈ પગલાં ના ભરવા જાહેરાત કરી છે. હા, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ પાસે જો પાકે પાયે માહિતી હોય કે કોઈ ગૃહિણીએ પોતાના નહીં પણ કોઈ અન્ય વ્યક્તિની રકમ પોતાના ખાતામાં જમા કરાવેલ છે તો ડિપાર્ટમેંટ આ અંગે પગલાં લઈ શકશે. પણ આ અંગે સાબિતીનો બોજો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટનો રહે. ટ્રાઈબ્યુનલે નોંધ્યું હતું કે આ કેસમાં અધિકારી દ્વારા એવું કશું પુરવાર કરવામાં આવ્યું નથીકે આ જમા કરાવેલ રકમ એ કોઈ બિન હિસાબી ધંધા કે અન્ય આવક પૈકીની આવક છે. આ ચુકાદામાં સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે આ ચુકાદાનો લાભ એવી ગૃહિણીને મળશે જેમની બેન્કમાં જમા રકમ અઢી લાખ કે તેથી નીચે હોય. ઇન્કમ ટેક્સની આગ્રા બેન્ચનો આ ચુકાદો નોટબંધીના કેસો માટે ખૂબ ઉપયોગી બનેશે તેમ માનવમાં આવી રહ્યું છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!