ગુજરાત વેટ કાયદા હેઠળ જૂની ડિમાન્ડ અંગે વેપારીઓને આવી રહ્યા છે ઉઘરાણીના SMS તથા E Mail!! શું આ ડિમાન્ડ છે અપડેટેડ?
ઘણા મોટા પ્રમાણમા એવા વેપારીઓને પણ SMS તથા E Mail આવ્યા છે જેમના ચલણ ભરાઈ ગયા હોય અને ડિપાર્ટમેંટમાં જમા પણ કરવવામાં આવ્યા હોય!!
તા. 22.06.2021: ગુજરાત વેટ કાયદા હેઠળ ગઈકાલથી વેપારીઓને તેમણે મોબાઈલ ઉપર SMS દ્વારા તથા E Mail દ્વારા તેમની જૂની ડિમાન્ડ (માંગણું) બાકી છે તે અંગેની જાણ કરવાંમાં આવી રહી છે. આ ડિમાન્ડ પૈકી વેટ લાગુ થયો છે ત્યારથી એટ્લેકે 2006-07 થી ડિમાન્ડ અંગેના મેસેજ આવ્યા અંગેના અહેવાલો મળી રહ્યા છે. સમગ્ર રાજયમાં શરૂ કરવામાં આવેલ આ પ્રક્રિયા રાજ્ય સ્તરેથી મોનીટર થતી હોવાની માહિતી મળી રહી છે. આ ડિમાન્ડ પૈકી ખૂબ મોટા પ્રમાણમા એવી રકમ છે જે વેપારીઓ દ્વારા અગાઉ જ ભરપાઈ થઈ ગઈ છે અને જેના ભરણાના ચલણ પણ વેટ ડિપાર્ટમેંટને આપી દેવામાં આવ્યા હોય. આ ડિમાન્ડમાં એવી પણ ડિમાન્ડ છે કે જેમાં વેપારી ડિપાર્ટમેંટની ડિમાન્ડ સામે અપીલમાં ગયા હોય અને તેમને સ્ટે આપવામાં આવ્યો હોય. આ પૈકી એવી પણ ડિમાન્ડ છે જેમાં અપીલમાં વેપારી જીતી ગયા હોય અને અપીલ આદેશની અસર જે તે ડિમાન્ડમાં આપવાની બાકી હોય. કોરોના કાળમાં જ્યારે વેપારીઓ ધંધાકીય ક્ષેત્રે અનેક મુસીબતોનો સામનો કરતાં હોય ત્યારે આ પ્રકારના મેસેજ આવતા તેઓ તણાવમાં આવી ગયા હોવાના સમાચારો મળી રહ્યા છે. આવા વેપારીઓ પોતાના ટેક્સ પ્રોફેશનલ્સને ફોન ઉપર પ્રશ્નો કરતાં તેઓની કામગીરીમાં પણ વધારો થયો છે. એવા અનેક કિસ્સાઑ બને છે કે જ્યાં અનેક વાર ડિમાન્ડના ચલણો ડિપાર્ટમેટમાં રજૂ કર્યા હોય છતાં પણ ડિમાન્ડ “રાઉન્ડ” કરવામાં આવતી નથી અને વારંવાર આ રકમની ઉઘરાણી અંગે યાદી કરદાતાને કરવામાં આવતી હોય છે. જૂની ડિમાન્ડની વસૂલાત કરવી સરકાર માટે ચોક્કસ જરૂરી છે પરંતુ આ વસૂલાતની કામગીરી સમગ્ર રાજ્યમાં હાથ ધરતા પહેલા ડિમાન્ડ રજીસ્ટર અપડેટ કરવું જરૂરી છે તેવી માંગ ઉઠવા પામી છે. ટેક્સ વિષેસજ્ઞોનો એક ખાસ વર્ગ તો એમ પણ માને છે કે આટલા મોટા પ્રમાણમા હાથ ધરવામાં આવેલ વસૂલાત એ આવનારા દિવસોમાં “એમ્નેસ્ટી સ્કીમ” (માફી યોજના) માટેના એંધાણ પણ ગણી શકાય!! શું ખરેખર આવી શકે છે જૂની ડિમાન્ડ માટે ફરી એમ્નેસ્ટી સ્કીમ??? હાલ આ અંગે કોઈ પુષ્ટિ નથી પરંતુ આ પ્રકારની યોજના બહાર પાડી ફરી વેપારીઓને એક તક આપવામાં આવે તો કોવિડ કાળમાં રાહતરૂપ સાબિત થશે તે ચોક્કસ છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.