શું ગુજરાત રાજ્ય જી.એસ.ટી. દ્વારા આપવામાં આવેલ નાણાકીય વર્ષ 2017 18 ની નોટિસ થઈ જશે “ડ્રોપ”? બહાર પાડવામાં આવી આ અંગેની મહત્વની સૂચનાઓ

Spread the love
Reading Time: 3 minutes

તા. 12.10.2023: સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડીયામાં ગુજરાત રાજ્ય જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા 21 હજાર જેટલી નાણાકીય વર્ષ 2017 18 માટે આપેલ હતી. આ નોટિસો એક સૉફ્ટવેર દ્વારા જનરેટ થયેલ હતી. વેપારીઓ અને ખાસ કરીને ટેક્સ પ્રોફેશનલ્સનો એવો આક્ષેપ હતો કે આ નોટિસો તદ્દન “મિકેનિકલ” રીતે આપવામાં આવેલ છે અને તથ્યોથી ખૂબ અલગ છે. આ ઉપરાંત આ નોટિસોની કાયદેસરતા વિષે પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા. ઘણા કરદાતાઓ સામે નાણાકીય વર્ષ 2017 18 માં જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા ઓડિટ, પત્રક ચકાસણી વગેરે કાર્યવાહી થઈ ગઈ હોવા છતાં ફરી નોટિસો આપવામાં આવી હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. આ બાબતે સ્ટેટ જી.એસ.ટી. ડિપાર્ટમેંટને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા વ્યાપાર મંડળ જેવા વ્યાપારી સંગઠનો તથા ગુજરાતના જી.એસ.ટી. પ્રોફેશનલ્સના સૌથી મોટા એસોસીએશન એવા ધ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશન સહિત ઘણા ટેક્સ પ્રોફેશનલ એસોસીએશ દ્વારા રજૂઆત કરવામાં આવેલ હતી. ધ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશન દ્વારા એક ખાસ સમિતિ બનાવી તકલીફોનો વિગતવાર ઉલ્લેખ કરી સ્ટેટ જી.એસ.ટી. ને વેપારીઓને સ્પર્શતા વિવિધ મુદ્દાઓની છણાવટ કરવામાં આવી હતી.

આ તમામ રજૂઆતોને ધ્યાને લઈ રાજ્ય જી.એસ.ટી. દ્વારા આ નોટિસો અંગે એક અમુક વિશિષ્ટ સંજોગોમાં આપવામાં આવેલ નોટિસો “ડ્રોપ” (રદ) કરવા સૂચના બહાર પાડવામાં આવેલ છે. આ સૂચનાઓના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે.

  •  જે કરદાતાઓમાં નાણાકીય વર્ષ 2017 18 માટે ઓડિટની કામગીરી થઈ ગઈ હોય અને તેઓને ફરી નોટિસ મળેલ હોય તે નોટિસ “ડ્રોપ” કરવામાં આવશે.
  • જે કરદાતાઓમાં નાણાકીય વર્ષ 2017 18 માં રિટર્ન સ્કૃટીની (પત્રક ચકાસણી) ની કામગીરી હાથ ધરવામાં આવેલ હોય અને આ પત્રક ચકાસણીમાં સમાવિષ્ટ મુદ્દા ઉપર જો આ નોટિસ આપવામાં આવેલ હોય તો તે નોટિસો ડ્રોપ કરવામાં આવશે.
  • જે કરદાતાઓમાં નાણાકીય વર્ષ 2017 18 માં એડવાઈઝરી કે સમન્સની કામગીરી હાથ ધરવામાં આવેલ હોય અને આ એડવાઈઝરી કે સમન્સની કામગીરીમાં સમાવિષ્ટ મુદ્દા ઉપર જો આ નોટિસ આપવામાં આવેલ હોય તો તે નોટિસો ડ્રોપ કરવામાં આવશે.
  • અન્વેષણની (કરદાતાને ત્યાં થયેલ તપાસ) કામગીરી હેઠળ જે કરદાતા ઉપર કાર્યવાહી ચાલુ હોય અથવા કલમ 74 હેઠક કાર્યવાહી થનાર હોય તેવા કરદાતાઓ માટે આ IIT Big Data સૉફ્ટવેર તરફથી આપવામાં આવેલ નોટિસ ડ્રોપ કરવામાં આવશે. જો કે આ નોટિસ ડ્રોપ કરનાર અધિકારી દ્વારા આ બાબતે જે અધિકારી તપાસ અન્વયે કામગીરી કરનાર છે તે અધિકારીને જાણ કરવાની રહેશે.
  •  નાણાકીય 2017 18 માં જે મુદ્દા મુદ્દે હાલ નોટિસ આપવામાં આવેલ હોય તે અંગે અગાઉ કરદાતા દ્વારા DRC 03 ભરી આપવામાં આવેલ હોય અથવા તો કરદાતાને DRC 07 માં આદેશ કરી આપવામાં આવ્યો હોય, તેવા કિસ્સામાં હાલની નોટિસ ડ્રોપ કરી આપવાની રહેશે.
  • જે કિસ્સામાં માલની લેવડ દેવડ વગર માત્ર બિલ લેવામાં આવેલ હોય તેવા કિસ્સામાં કલમ 122 હેઠળ કાર્યવાહી થનાર હોય તેવા કિસ્સામાં આ IIT Big Data ની નોટિસ ડ્રોપ કરી આપવાની રહેશે.
  • જે કિસ્સામાં માત્ર HSN ને આધાર ગણી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ જી.એસ.ટી. કાયદાની 17(5) હેઠળ બ્લોક કરવાના કારણે જ નોટિસ આપવામાં આવેલ હોય અને આવા વેપારી ખરેખર આ ક્રેડિટ લેવા હક્કદાર હોય તેઓની આ નોટિસ પણ પત્રકને આધારે ચકાસણી કરી ડ્રોપ કરવાની રહેશે. અનિવાર્ય સંજોગો સિવાય કરદાતાઓ પાસેથી વિગતો મંગાવવાની રહેશે નહીં. આ પ્રકારના કરદાતાઓ માં એવા કરદાતાનો સમાવેશ થાય છે જે માલની ક્રેડિટ સામાન્ય રીતે આપવામાં આવતી નથી. પરંતુ આ ક્રેડિટ જે તે વસ્તુના વેપારીને ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ તરીકે મોટર કાર કે સ્કૂટરની ક્રેડિટ સામાન્ય રીતે કરદાતાઓને મળતી નથી, પરંતુ આ માલનો વેપાર કરતાં વેપારીઓને આ વસ્તુઓની ક્રેડિટ મળતી હોય છે.
  • કરપાત્ર અને કરમુક્ત માલ વેચાણ સંદર્ભે એવા વેપારીઓ કે જેઓએ માત્ર કરમુક્ત માલની ખરીદી કરી કરમુક્ત માલનું વેચાણ જ કરેલ છે, અને કોમન ક્રેડિટ વાપરેલ નથી તેવા કિસ્સામાં પત્રકો ઉપરથી ચકાસણી કરી આ નોટિસ ડ્રોપ કરવાની રહેશે. અનિવાર્ય સંજોગો સિવાય કરદાતાઓ પાસેથી વિગતો મંગાવવાની રહેશે નહીં.

ઉલ્લેખનિય છે કે આ સૂચના દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે કિસ્સાઓમાં ઉપરની વિગતો લાગુ પડતી ના હોય તેવા કરદાતાઓને ફરી આ અંગે જાણ કરવા પણ રાજ્ય વેરા વિભાગના અધિકારીઓને જણાવવામાં આવ્યું છે. આ જાણ કરી સમયમર્યાદામાં આ કાર્યવાહી કરદાતાઓને યોગ્ય સુનાવણીની તક આપી પુર્ણ કરવા પણ જણાવવામાં આવ્યું છે. આ સૂચનાઓમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે જે કેસોમાં નોટિસ ડ્રોપ કરવાની થાય છે તેવા કિસ્સામાં કરદાતા પાસે લેખિત જવાબ પણ લેવાનો રહેશે નહીં કે કરદાતાઓને રૂબરૂ પણ બોલાવવાના રહેશે નહીં. આ ઉપરાંત આ નોટિસ ડ્રોપ કર્યાની જાણ કરદાતાને કરવાની રહેશે. કોઈ કરદાતાને હેરાનગતિ ના પોહોચે તે બાબતે અધિકારીને અંગત ધ્યાન આપવા તાકીદ કરવામાં આવેલ છે.

આ અંગે વાત કરતાં શાશ્વત લીગલ લો ફર્મના મેનેજિંગ પાર્ટનર પ્રતિક મિશ્રાણી જણાવે છે કે “આ સૂચનાઓથી અનેક નોટિસ ડ્રોપ કરવાની થશે. રાજ્ય જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા ખૂબ ટૂંકા સમયમાં કરદાતાઓના હિતમાં આ SOP બહાર પાડી ‘ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ” પ્રત્યેની કટિબદ્ધતા સાબિત કરી છે.”

આ સૂચનાઓ રાજ્ય જી.એસ.ટી. દ્વારા બહાર પાડવામાં આવતા કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સએ રાહતનો દમ લીધો છે તે બાબત ચોક્કસ છે. IIT Big Data સૉફ્ટવેર ઉપરથી જ માત્ર તૈયાર થયેલ ઘણી નોટિસો આ સાથે ડ્રોપ થશે તેવું જણાઈ રહ્યું છે. પરંતુ એ માનવું પણ ભૂલ ભરેલું છે કે રાજ્ય જી.એસ.ટી. દ્વારા આપવામાં આવેલ તમામ નોટિસો આ સૂચના અન્વયે ડ્રોપ થશે. તમામ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ સહિતના વેપારી સંગઠનો તથા ટેક્સ પ્રોફેશનલ સંગઠનો દ્વારા આ સૂચના ત્વરિત લાવવા જે પ્રયાસો થયા તેની પણ વેપાર જગતે નોંધ લેવી જરૂરી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!