મુસાફિર હૂઁ યારો – જો બોએગા વહી પાયેગા

Spread the love
Reading Time: 3 minutes

     By Kaushal Parekh 

આજના સમયમાં મનુષ્ય અનેક જાતના રોગોનો શિકાર થઈ રહ્યો છે. આ ફક્ત મનુષ્ય પૂરતું જ મર્યાદિત નથી રહ્યું પરંતુ પશુ-પક્ષીઓ, કિટકોથી લઈને દરેક પ્રજાતિઓમાં આ વિપરીત અસર જોવા મળી રહી છે. આનું શું કારણ હોય શકે?

       હું થોડા દિવસ અગાઉ ચિખલકૂબા, તુલ્સિશ્યામ(ગુજરાત) ખાતે આયોજિત પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં ભાગ લઇ આવ્યો. બે રાત્રિ રોકાણ સાથેના આ કેમ્પનું સંપૂર્ણ આયોજન સ્કાય યૂથ ફોરેસ્ટ કલબ, કેશોદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદેશ વધુમાં વધુ લોકોને પર્યાવરણને થઈ રહ્યાં નુકશાન વિશે જાગૃત કરવાં ઉપરાંત તેઓ પર્યાવરણની જાળવણી કરવાં સંવેદન બને અને વધુ લોકો સુધી આ માહિતીને પહોચાડે એવો હતો.

       કેમ્પના એક સેશન દરમિયાન શ્રી ધૈવતભાઈ હાથી અને શ્રી શિવમભાઈ ભટ્ટે સાથે મળીને અમને પૃથ્વી પરની ઇકો સિસ્ટમ વિષેનું સરસ્સ જ્ઞાન પીરસ્યું. કઈ રીતે એક જીવ બીજાં જીવ કે વનસ્પતિ ઉપર નિર્ભર છે. હાલ આપણે ફક્ત સિંહ, વાઘ જેવા મોટા પ્રાણીઓને બચાવવા મોટા પાયે પ્રયાસો કરીયે છીએ કેમકે આ પ્રાણીઓની પ્રજાતિ હવે ખુબજ ઓછા પ્રમાણમાં જીવિત બચી છે, પરંતુ અન્ય પ્રાણીઓ કે પક્ષીઓ કે જેની સંખ્યા બહોળા પ્રમાણમાં છે તેવી પ્રજાતિને ટકાવી રાખવામાં આપણે કેમ સાવ સુસ્ત છીએ? શું આપણે તે પ્રજાતિનું રક્ષણ કરવા તેની સંખ્યા સાવ લુપ્ત થવાના આરે આવે ત્યાં સુધી રાહ જોઈશું? જેવી રીતે 300 વર્ષ પહેલાં ડોડો પક્ષીની પ્રજાતિ દુર્ભાગ્યપૂર્ણ રીતે મોરેશિયશના ટાપુઓ પરથી ઝડપથી લુપ્ત થઈ ગઈ! આવોજ હાલ આપણી આસપાસ આસાનીથી જોવા મળતા પશુ-પક્ષીઓ જેમકે કાગડા, કાબર, કબૂતર, બગલા, સિગલ તેમજ તળાવની માછલીઓ, કાચબા, હરણ, સાબર, વાંદરા, કુતરા વગેરે પ્રજાતિઓનો થઈ રહ્યો છે. આ તમામ પ્રજાતિ બહોળા પ્રમાણમાં પૃથ્વી ઉપર હોવાથી તેનો ધીમો વિનાશ હજુ આપણી નજરે ચડ્યો નથી. શું છે આ ધીમા વિનાશનું કારણ?

       ઇન્સાન ધર્મના પાલન કરવામાં અને થોડી ખુશી મેળવી લેવામાં એટલો બધો બેધ્યાન બની ગયો છેકે તે આંખો બંધ રાખીને અનેક નિર્દોષ પશુ-પક્ષીઓ ઉપર અત્યાચાર કરી રહ્યો છે. રોજ સવારે કબૂતરને ચળ અને કીડિયારું પૂરવાની સાથે કાગડા, બગલા, કાબર જેવા અનેક પક્ષીઓ કે જે કિટકો ઉપર નિર્ભર છે તેઓને ગાંઠિયા, મીઠાઇ કે અન્ય ફરસાણ અથવા તો કુતરાઓને દરરોજ બિસ્કિટ કોઈપણ જાતની દરકાર વગર ખવડાવ્યે રાખે છે. આ અબોલ જીવોને તો એ સુધા ભાન નથી કે આ ખોરાક ખાવો તેમના માટે યોગ્ય છે કે નહિઁ? મોટેભાગે આપણે આ ખાદ્ય સામગ્રીના પેકેટ પરની એક્સપાયરી ડેટ પણ નથી ચેક કરતાં! જો જગપ્રસિદ્ધ મંદિરમાં ધરવામાં આવતા પ્રસાદીમાં પણ કાળા માથાનો માનવી પોતાના વધુ ફાયદાની લાલચે ભેળસેળ કરીને ઈશ્વર સાથે કપટ કરતો હોય તો જે સામગ્રી દુકાનો અને પેકેટોમાં મળે છે તે ખાવા યોગ્ય છે કે નહીં તેની શું ગેરેન્ટી? દર મોટા તહેવારોના દિવસોમાં નામાંકિત મીઠાઇ અને ફરસાણના સ્ટોર્સ ઉપર ખાદ્ય વિભાગ દ્વારા ખૂબ મોટા જથ્થામાં ખરાબ માવો, તેલ પકડી પાડવામાં આવતા હોય તેમ છતાંપણ આપણે તે વસ્તુઓ ખરીદવા હોડ લગાવતા હોય તેઓ માહોલ છે. ક્યારે આપણે આ સામાન્ય વાતને સમજશું?

       હાલ મોટાભાગના ખેડૂત પાકના વાવેતર દરમિયાન જંગી પ્રમાણમા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતો થયો છે! તેમના મત મુજબ કિટકોની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે તેઓના વિનાશ કરવા આ ઝેરી દવાનો છંટકાવ કરવા સિવાય હવે કોઈ ઉપાય નથી રહ્યો, જ્યારે ખેતી અને કિટકો ઉપર આધારિત પક્ષીઓને ખુબજ આસાનીથી ફરસાણ, મીઠાઇ કે કુતરાઓને બિસ્કિટ જેવી અનેક સામગ્રીઓનો ભરપેટ ખોરાક મળી રહેતો હોવાથી તેઓ હવે ખેતી કે કિટકો નિર્ભર નથી રહ્યા. આજે ખૂબ મોટા પ્રમાણમાં મનુષ્ય કેન્સર / કિડની ફેઈલયર  જેવી ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યો છે કારણકે તે પણ પોતાના ભોજનમાં ઝેરી દવાઓનો છંટકાવ કરેલ શાકભાજી, ફળો કે ધાન્ય આરોગી રહ્યો છે. પૃથ્વી પરની ઇકો સિસ્ટમની સાઇકલ ખોરવવાને કારણે તેની પર્યાવરણ ઉપર ખરાબ અસર જોવા મળી છે. આ ઝેર ધીમી ગતિએ આપણા દરેકની જિંદગીમાં પ્રસરી રહ્યું છે. જો આપણે થોડા જાગૃત બનીને આ ઇકો સિસ્ટમને ફરી પાછી સંતુલિત કરવા આસપાસના પશુ-પક્ષીઓને કુદરતે આપેલ જીવન મુજબ જીવવા દઇશું તો આની સકારાત્મક અસર આપણને ભવિષ્યમાં જોવા મળશેજ. ખરી જરૂરત એ છે કે આપણે સાથે મળીને વચન લઈએ કે આજથી આપણે ક્યારેય પણ આ નિર્દોષ જીવોને કોઈપણ પ્રકારનો ખોરાક નહીં આપીએ જેથી તેઓ ઈશ્વરે આપેલ સમજણ મુજબ શિકાર કરીને ભોજન મેળવતા રહે તે માટેનું યોગ્ય વાતાવરણ ઊભું કરીએ.

       આ આખી ઇકો સિસ્ટમની શરૂઆતનો જીવ પતંગિયા છે. ચાલો આપણે સાથે માળીને આપણી આસપાસના ખુલ્લા વિસ્તારોમાં વધુમાં વધુ પતંગિયાઓ અને પક્ષીઓને આકર્ષે એવા ફૂલ-છોડ ઉગાડીએ જેથી એકબીજા ઉપર ખોરાક માંટે નિર્ભર રહેતા જીવોને પૂરતો ખોરાક મળી રહે. આ નાની શરૂઆત થકી જ આપણે આખી ઇકો સિસ્ટમને મજબૂત બનાવી શકીશું. જરૂર છે સાચા પ્રયાસની. આપને જાણીને આનંદ થશે કે મારી એક નાની પહેલના લીધે દીવ ગૌશાળાએ પક્ષીઓ માટે ગાંઠિયા વેચવાનું તદન બંધ કરી નાખ્યું છે. જો આપ ચાહો તો આપનો એક નાનો પ્રયાસ પણ ભવિષ્યમાં ક્રાંતિ લાવવાનું બળ આપી શકે છે.

  • કૌશલ પારેખ – દીવ ( 9624797422 )

  • ( લેખક જાણીતા પ્રવાસધામ દીવ ખાતે રહે છે . તેઓ વ્યવસાયે એકાઉન્ટન્ટ છે. તેઓ ફરવાના ખૂબ શોખીન છે. તેઓ સારા લેખક અને વાંચન પણ છે. તેઓ દીવ ખાતે બૂક ક્લબ નામે સંસ્થા ચલાવે છે . ) 

error: Content is protected !!