ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ કરદાતાઓને આપવામાં આવી મહત્વની રાહત

Spread the love
Reading Time: < 1 minute

ઇન્કમ ટેક્સ ફેઇસલેસ એસેસમેન્ટ હેઠળ ઇ વેરિફિકેશન કરવામાં કરદાતાઓને મુક્તિ: કંપની સહિતના કરદાતાઓ ને EVC કરાવવાની ઝંઝટ માંથી મળશે મુક્તિ 

તા. 09.09.2021: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ આકારણી માટે ફેઇસલેસ સ્કૃટીની એસેસમેન્ટની મહત્વકાંક્ષી યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ યોજનાનો મૂળ હેતુ કરદાતાઓને ઇન્કમ ટેક્સ ઓફિસના ધક્કાથી બચાવવાનો તથા સંપૂર્ણ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો છે. પરંતુ આ યોજના હેઠળ ટેકનિકલ જટિલતા અંગે કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સ પાસેથી ફરિયાદો સાંભળવા મળી રહી હતી. હાલ, કોઈ પણ કરદાતાએ ફેઇસલેસ આકારણીમાં કોઈ જવાબ કે વિગતો રજૂ કરવાની થતી હોય છે તે રજૂ કરવા સમયે આધાર OTP અથવા EVC દ્વારા વેરિફિકેશન કરવું જરૂરી રહેતું હતું. કંપની કરદાતાઓના કેસમાં તથા ઇન્કમ ટેક્સ હેઠળ ઓડિટ કરાવવા જવાબદાર કરદાતાના કેસમાં આ જવાબ કે વિગતો રજૂ કરવા ડિજિટલ સિગ્નેચર વડે વેરિફિકેશન જરૂરી રહેતું હતું. આ યોજનામાં મહત્વપૂર્ણ ફેરફાર કરી કરદાતાઓને આ વિધિ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. ઇન્કમ ટેક્સનું નિયમન કરતી સંસ્થા સેન્ટરલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા આ અંગે 07 સપ્ટેમ્બરે પ્રેસ રીલીઝ બહાર પાડવામાં આવી છે. આ પ્રેસ રીલીઝ અનુસાર ઇન્કમ ટેક્સ ફેઇસલેસ સ્કૃટીનીમાં કોઇ પણ જવાબ કે વિગતો રજૂ કરવા માટે કરદાતા ઇન્કમ ટેક્સ પોર્ટલમાં પોતાના એકાઉન્ટનો ઉપયોગ કરે ત્યારે વેરિફિકેશનની કોઈ જરૂરિયાત રહેશે નહીં. આ રાહત કંપની, ટેક્સ ઓડિટ સહિતના કેસોને લાગુ પડશે તેવું આ પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવવામાં આવ્યું છે. જો કે આ બાબતે ઇન્કમ ટેક્સ કાયદામાં કરવાના થતાં ફેરફારો આગામી સંસદ સત્રોમાં કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. આમ, શક્ય બને કે કંપની કરદાતાઓ તથા ટેક્સ ઓડિટ કરાવવા જવાબદાર કરદાતાઓએ આ સુવિધા તથા સરળતાનો લાભ લેવા થોડી વધુ રાહ જોવી પડી શકે છે. “ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ” તરફ ઉઠાવવામાં આવેલ આ સુધારાને કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સ આવકારી રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!