ઇન્કમ ટેક્સ પોર્ટલની થઈ રહ્યું છે દુરસ્ત, ભરાઈ રહ્યા છે રિટર્ન થઈ રહી છે અન્ય કામગીરી:CBDT
કરદાતાઓની સરળતા વધે તે માટે ઈન્ફોસિસ સાથે કામ કરી રહ્યું છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ:
તા. 09.09.2021: ઇન્કમ ટેક્સનું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા સેન્ટરલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા 08 સપ્ટેમ્બરના રોજ એક પ્રેસ વિજ્ઞપ્તિ બહાર પાડી જાહેર કર્યું છે કે હવે ધીમે ધીમે ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર ઘણીખરી ટેકનિકલ ખામીઓ દૂર કરી આપવામાં આવી છે અને પોર્ટલ ઉપરની કામગીરી યોગ્ય રીતે ચાલી રહી છે. આ વિજ્ઞપ્તિમાં જણાવવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર માહિનામાં રોજના 3.20 લાખ જેટલા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરાઈ રહ્યા છે. નાણાકીય વર્ષ 2020-21 માટે 1.19 કરોડ ઇન્કમ ટેક્સ રિટર્ન અત્યાર સુધીમાં નવા પોર્ટલ ઉપર ભરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ રિટર્ન પૈકી 98 લાખથી વધુ ઇન્કમ ટેકસ રિટર્નનું ઇ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું છે. આ પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવવામાં આવ્યું છે કે આ રિટર્ન પૈકી 7 લાખથી વધુ રિટર્ન અત્યાર સુધીમાં ડિપાર્ટમેંટ દ્વારા પ્રોસેસ પણ કરી નાંખવામાં આવ્યા છે. ઇન્કમ ટેક્સ રિટર્ન ઉપરાંત 10 લાખથી વધુ અન્ય ફોર્મ્સ પણ ભરવામાં આવ્યા છે જેમાં ટ્રસ્ટ નોંધણી માટેના ફોર્મની સંખ્યા 1 લાખથી વધુ છે. આ ઉપરાંત આધાર પાન લિન્ક કરવાની કામગીરી તથા PAN એલોટમેંટ પણ પોર્ટલ ઉપર સરળતાથી થઈ રહી છે અને રોજના અંદાજે 50 હજાર લોકો આ કામગીરીનો લાભ લઈ રહ્યા છે તેવું પણ આ પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવવામાં આવ્યું છે. ઇન્કમ ટેક્સ પોર્ટલની કામગીરીમાં ધીરે ધીરે સુધાર થઈ રહ્યો છે તેવું નિષ્ણાંતો ચોક્કસ માને છે પરંતુ આ પ્રકારે “હાર્ડકોર ડેટા એનાલિસિસ” માં કરદાતાઓ ઇન્કમ ટેક્સ રિટર્ન સહિત અન્ય ફોર્મ ભરવામાં કરવામાં આવેલ નિષ્ફળ પ્રયાસોનો (Failed Logs) સમાવેશ થવો જોઈએ આવે તેવું પણ નિષ્ણાંતો માની રહ્યા છે. ઇન્કમ ટેક્સ રિટર્ન હોય કે ટ્રસ્ટ માટેની અરજીના ફોર્મ 10A, ઇ વેરીફીકેશન હોય કે રિફંડ ફરી ઇસસ્યું કરવાની વિધિ હોય, તમામ વિધિમાં ટેકનિકલ ક્ષતિઓ હોવાથી ટેક્સ પ્રોફેશનલ્સને અનેક તકલીફો પડી રહી છે અને તેમનો ઘણો સમય બગડી રહ્યો છે. પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવવામાં આવ્યું છે તેમ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ ઇન્ફૉસિસ સાથે રહી આ તકલીફો દૂર કરવા પ્રયત્નશીલ છે. જેવી રીતે ઈન્ફોસિસ તથા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ સાથે મળી ઇન્કમ ટેક્સ પોર્ટલની તકલીફો દૂર કરવા મથી રહ્યા છે તેવી જ રીતે કરદાતા તથા ટેક્સ પ્રોફેશનલ્સએ પણ આ તકલીફો સાથે પોતાનું કામ કરતાં રહેવું પડશે તે બાબત ચોક્કસ છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે