માઈકક્રોસ્કોપ શ્રેણી..પ્રયાસ.. 7

Spread the love
Reading Time: 13 minutes

 

ધનવંતરીનું વરદાન. અનોખી માટી, અનોખી તાસીર ડો. ગીધાબાપા..
—————————————————————-

ઓગણીસમી સદી નો અસ્ત અને વીસમી સદી નો ઉદય એવો કાળનો સંવનન કાળ હતો એવા સમયે સમગ્ર વિશ્વને એક મહામારીએ ભરડો લીધો વિશ્વની સાથે સમગ્ર ગુલામ ભારત અને તેમાં જેનું ટપકા જેટલું પણ સ્થાન નહતું તેવું જેતપુર પણ બાકાત ના રહ્યું.આ મહામારી પ્લેગ અને મરકી તરીકે ઓળખાતી હતી. જે યેરસિનિયા પેસ્ટિસ નામના જીવાણુથી થાય છે આ જીવાણુ ઉંદર અને ખિસકોલી દ્વારા માનવ શરીરમાં ફેલાઈ જાય છે. આ જીવાણુ સ્પર્શ અને ઉચ્છવાસ દ્વારા ઝડપથી ફેલાઈ જાય છે . આ મહામારી ત્રણ પ્રકારની હતી પાચનતંત્ર અને શ્વસનતંત્ર પર આ રોગની અસર થાય તેને બ્યુબોનીક પ્લેગ કહેવતો, રૂઘીરનળી ઉપર અસર કરે તેને સેપ્ટાઇસમીક પ્લેગ કહેવતો, ફેફસા ઉપર અસર કરતા રોગને ન્યુમોનિક પ્લેગ કહેવતો. ભારતમાં મોટાભાગે બ્યુબોનીક પ્લેગની અસર હતી. આ મહામારીનો અંતિમ હુમલો લોહીની ઉલ્ટીથી થતો હતો અને મૃત્યુનું કારણ લોહીની ઉલ્ટી બનતું તેથી લોકબોલીમાં આ મહામારીને “કોગળિયું ” કહેતા.

જેતપુરમાં આ મહામારીએ વિકરાળ રૂપ લીધું હતું , કોઈ પરિવાર એવો નહિ હોય કે આ મહામારીની ઝપેટમાં ના આવ્યો હોય. આ રોગ માણસ થી માણસમાં ફેલાતો હોવાથી કોઈ કોઈના સંપર્કમાં આવવા રાજી ન હતા. મરકી (પ્લેગ) થયાની ખબર પડે તો પરિવારના વ્યક્તિ તેને ગામ બહાર મૂકી આવે . પરિવારના પરિવાર મરકીનો ભોગ બનતા જતા હતા. ગામના ગામ ઉજ્જડ થતા જતા હતા.

આવી વિકટ પરિસ્થિતિમાં એકલપંડે ભડવીર લોહાણા યુવક બેચર માવજી નથવાણી મૃત્યુના ભય વગર, મરકીના ભોગ બનેલા પરિવારની વ્હારે દોડતો હતો, મરકીમાં મૃત્યુ પામેલ વ્યક્તિની અત્યોષ્ટિ કરવાથી પરિવાર પણ દૂર રહેતો તેવી પરિસ્થિતિમાં બેચર નથવાણી માનવજીવનના સોળ સંસ્કારમાના અંતિમ સંસ્કારને પૂર્ણ સંસ્કાર માનતો હતો. તેનું માનવું હતું કે સોળે સંસ્કાર પામેલો માણસ જ મોક્ષના માર્ગે પ્રયાણ કરી શકે. તે વિચારથી જ પ્રેરાઈને દરેક માનવ શબના અંતિમ સંસ્કાર કરી મોક્ષના માર્ગે પ્રયાણ કરાવવાનો સંતોષ માનતો આ સંતોષ જ બેચરનું પ્રેરણના બળ હતું.

બેચર નાથવાણીના લગ્ન મોંઘી સાથે થયા હતા. મોંઘી પતિના સેવા પરાયણના રંગે રગાયેલ સ્ત્રી હતી. પતિના દરેકેદરેક કાર્યમાં તેની મૌન સહમતિ રહેતી હતી. સ્ત્રીની અંત્યેષ્ટિ સમયે મોંઘીની ભૂમિકા મહત્વની રહેતી. મોંઘીને યુવાનીમાં જ “માં”નું બિરુદ મળ્યું હતું સમગ્ર પરગણામાં આબાલવૃદ્ધ મોંઘીમાં તરીકે ઓળખતા અને સંબોધતા.

એક દિવસ દરબારગઢમાંથી માણસ આવ્યો બેચર નથવાણીની ડેલી ખટખટાવી અવાજ માંર્યો બેચર નથવાણી ઘેર છે ? રાજનું તેંડુ આવ્યું છે, દરબારશ્રીએ રાજમાં હાજર થવા કહેણ મોકલ્યું છે. મોંઘીમાએ ખોરડામાંથી જવાબ આપતા કહ્યું, કોઈ મરદઆદમી ઘરમાં નથી. મારા ઘણી કોઈને લઈને મહાણે ગયા છે. મહાણેથી આવે એટલે ખબર આપીશ.

મોંઘીમાના મનમાં ઉચાટ થઈ ગયો. કોણ જાણે ! દરબારને શું એ કામ હશે ! અત્યાર સુધી દરબારે કોઈ દિ બોલવ્યા તો નથી ! અમે સીધા સાદા માણસ કોઈને આડા કે ઉભા નડ્યા પણ નથી. દરબાર વિષે સાંભળ્યું હતું કે દરબાર કોઈ દિવસ રૈયતને સીધે સીધું બોલાવે નહીં . દરબારને મન રૈયત તેના સંતાનો જેવી હતી. દરબાર રૈયતને દુઃખે દુઃખી અને રૈયતના સુખે સુખી રહેતા. ભગવાનનું નામ લેતા લેતા મનો મન બબડીયા ઠીક, હશે ! “ઘણીનો કોઈ ધણી થોડો હોય” ઠાકર સૌ સારાવાના કરશે.

બેચર નથવાણી મહાણેથી થાક્યો પાક્યો ઘેર આવ્યો. ફળિયામાં આવ્યો મોંઘીમાએ પાણી તૈયાર રાખ્યું હતું. “મહાણીયુ” (આભરણું) કાઢ્યું. ઘરમાં આવતા મોંઘીમાએ દરબરગઢમાંથી કહેણ આવ્યાનું કહ્યું.

બેચર નથવાણી બપોરા કરી નિરાંતે સંધ્યાટાણે દરબારગઢ પોહચ્યો. દરબારગઢમાં હજી પગ મૂકે છે ત્યાંજ રામજી મંદિરની ઝાલર સંભળાણી, સંધ્યાના રતુંબડા કેશરીયાળા કિરણોનો અભિષેક નખશીખ બેચર નથવાણીના દેહ પર થતો હતો. બેચર નાથવાણી જાણે યુદ્ધના મેદાનમાં કેશરીયા કરવા જતો કોઈ યોદ્ધો . અલૌકિક દ્રશ્ય ઉભરી આવ્યું , કોઈ એક રાજવી બીજા રાજવીને મળવા જતો હોય તેવું દ્રશ્ય આપોઆપ રચાઇ ગયું.બેચર નથવાણીનું આવું રૂપ જોઈ દરબારને મોજના ફોર છૂટ્યા. તેમના મોઢામાંથી શબ્દો આપોઆપ નીકળી ગયા વાહ ,અદભુત લોહરાણા , વાહ બેચર નથવાણી મારી કલ્પના હતી તેનાથી પણ ચાર ચાસણી ચડે તેવો. વાહ લોહરાણા, વાહ. બેચર નથવાણીને દરબારગઢના કહેણનો બિલકુલ ભાર કે ડર નથી તે સહજ ચાલે પોહચે છે. દરબાર આસન ગ્રહણ કરવાનું કહે છે. દરબારી પરંપરા મુજબ સ્વાગત કરે છે.

દરબારી સ્વાગત પરંપરા પુરી કરી , દરબારે બેચર નાથવાણીને પૂછ્યું કે અમારા ખબરી એ વાવડ (સમાચાર) આપ્યા છે કે આપ આવી કપરી મહામારીમાં આપના આરોગ્યની ખેવના રાખ્યા વગર મરકીમાં મરણ ગયેલા લોકોના શબને કોઈ પરિવારનો અંગત માણસ અડવા તો ઠીક જોવા પણ તૈયાર નથી થતો ! અને આપ તેમના શરીરને મહાણે લઇ જઈ અંત્યેષ્ટિ કરો છો ? આ વાત ખરી છે ? બેચર નથવાણીએ જવાબમાં માત્ર કહ્યું , બાપુ વાત ખરી છે. આપને ખબર છે, આનું પરિણામ શુ આવે ? અસાધ્ય રોગ મરકીનો હું ભોગ બનું , દરબારે કહ્યું અંતિમ પરિણામ મૃત્યુ છે. બેચર નથવાણી એ કહ્યું બાપુ હું મારા જ્ઞાન, મારી જાણકારી તથા મારી આવડત મુજબ શક્ય તેટલી તકેદારી રાખું છું .

દરબારે કહ્યું હું જાણી શકું આપ કેવી , કેટલી અને કેવી રીતે તકેદારી રાખો છો ? બેચર નથવાણીએ સમજણ આપતા કહ્યું હું અને મારો સહયોગી શણના કોથળાનો માસલો બનાવી માથા ઉપર ઓઢી લઈએ, હાથમાં શણની કોથળી બનાવી પહેરી લઈએ મોઢા ઉપર બુકાની બાંધીએ. વાંસના બામ્બુથી શબને અડકયા વગર કુનેહ પૂર્વક ગાડાંમાં ચડાવી દઈએ . ગાડું હાંકનાર અને શબ વચ્ચે પાણકોરા (જાડું તલપત્રી જેવું કપડું)નો પડદ બાંધી રાખીએ. હવાથી મરકીના જંતુ વાતવરણમાં ફેલાતા અટકાવવા તેના શબ તથા તેની પથારીને પાણકોરથી હવાની અવર જવર ના થાય તેમ લપેટી તેમની અંત્યેષ્ટિ સાથે ભસ્મ કરી નાખીએ.

દરબારે કહ્યું તમે આવું અઘરું કામ કરો છો તેમાં તમને શું મળે ? બેચર નથવાણી એ કહ્યું ,સંતોષ !
દરબારે કહ્યું કેવી રીતે, બેચર નથવાણી એ કહ્યું બાપુ, હિન્દૂ ધર્મ અને સંસ્કૃતિમાં સોળ સંસ્કાર હોય છે 1..ગર્ભધાન સંસ્કાર,2..પુંસવન સંસ્કાર,3..સીમન્તોન્નયન સંસ્કાર,4..જાતકર્મ સંસ્કાર, 5..નામકરણ સંસ્કાર,6..નિષક્રમણ સંસ્કાર,7..અન્નપ્રશન સંસ્કાર,8..ચુડા કરણ સંસ્કાર,9..કર્ણવેધ સંસ્કાર 10..ઉપનયન સંસ્કાર, 11.. વેદારંભ સંસ્કાર, 12..સમાવર્તન સંસ્કાર, 13..વિવાહ સંસ્કાર,14..વાનપ્રસ્થ સંસ્કાર,15..સન્યાસ સંસ્કાર, 16..અંત્યેષ્ટિ સંસ્કાર.. આ સોળે સંસ્કારનું માનવ જીવનમાં મહત્વ છે ,એકમાત્ર સોળમા સંસ્કાર માનવીની ગેરમોજુદગીમાં થાય જે બીજા પર આધારિત છે તે સંસ્કાર યથાયોગ્ય વિધિ પ્રમાણે થાય તો જેતે જીવને મોક્ષ પ્રાપ્ત થાય. માત્રનેમાત્ર જીવને મોક્ષ પ્રાપ્ત થાય તે સંતોષ માટે જ આ પવિત્ર કામ કરૂં છું..

દરબારે ખુશી વ્યક્ત કરી કહ્યું , બેચર નથવાણી આપ રાજનું ઘરેણું છો, રાજને આપના જીવનનું ખુબજ મહત્વ છે, આપ આપની મરજી મુજબ કાર્ય કરી શકો તેં માટે રાજ આપને પરવાનો આપે છે સાથે સાથે આપની તદુરસ્તીની ખેવના કરે છે.

આપની અમૂલ્ય સેવાને વેગ મળે તે હેતુ સબબ અંત્યેષ્ટિ દીઠ પાવલી રાજ તરફથી મહેનતાણા રૂપે બાંધી આપે છે.

બેચર નાથવાણીએ વિવેકપૂર્ણ , સવિનય વાત કરતા કહ્યું, બાપુ,અંત્યેષ્ટિ સંસ્કારતો ધાર્મિક વિધિ છે હિન્દૂ પ્રણાલીમાં સંસ્કારનું મૂલ્ય આંકી શકાય નહીં, સંસ્કાર અને ધર્મ અમૂલ્ય છે. તેનું મહેનતાણું મારાથી લઇ ના શકાય આપને હું એક વિનંતી કરી શકું આ મદદ આપ જે પરિવારમાં મરકીથી મૃત્યુ થયું હોય તે પરિવારને આપતો યોગ્ય થશે. દરબારે, બેચર નથવાણીની વાતને કાયદો બનાવી રાજના મરકીમાં મરણ જનારના પરિવારને આર્થિક સહાય રૂપે એક પાવલીની જાહેરાત કરી.

બેચર નથવાણી પરિવારમાં ચાર દીકરી અને બે દીકરા મોટાનું નામ મગન અને સૌથી નાનો દીકરો ગિરધર જેનો જન્મ તારીખ 22-6-1906ના રોજ થયો હતો. બેચર નથવાણીને યુવાનીમાં અકાળે ઝટકો લાગી ગયો તેમના નાના ભાઈનું અકાળે અવસાન થયું. તેમનો આઘાત અસહ્ય હતો નાનાભાઈનું દેવું ચૂકવવાનું પ્રણ, નાનાભાઈની અંત્યેષ્ટિ સમયે સમગ્ર જ્ઞાતિ સમક્ષ લીધું. સમય આવ્યે પોતાના નાનાભાઈને ઋણ મુક્ત કરાવી નાત જમણ કરાવ્યું. હજી ભાઈની કાયમી વિદાયનો ઘા તાજો જ હતો ત્યાં નાના દીકરા ગિરધરની ઉમર માંડ દોઢેક વરસની હશે ત્યાં ધર્મપત્નિ મોંઘીમાંની વિદાય થઈ. માંબાપ બન્નેની જવાબદારી પોતે લીધી પણ બીજા લગ્ન ન જ કર્યા.

જ્ઞાતિના સારામાઠા પ્રસંગે જગ્યાનો અભાવ હતો તમાટે જ્ઞાતિ આગેવાનો સાથે સંવાદ કરી માત્ર દસ જ આગેવનો પાસેથી આર્થિક સહયોગ લઈ પોતાની આગેવાનીમાં સૌ પ્રથમ લોહાણા મહાજન વાડીની સ્થાપના કરી.

બેચર માવજી નથવાણી પોતાનો વ્યાપાર કરતા જાય અને બાળકોનો ઉછેર કરતા જાય. મોટો દીકરો કરિયાણાની દુકાન સંભાળતો થયો નાનો દીકરો ગીરધર દુકાને બેસે પણ તેમને રસ નવું નવું જાણવું , નવુનવું વાંચવું ખાસ કરી વૈદકશાસ્ત્રના પુસ્તકો ભેગા કરે વાંચે, વાંચીને વન વગડામાંથી જડીબુટ્ટી શોધે તેમના પ્રયોગો કરે , અખતરા કરે દુકાને કોઈ ગ્રાહક આવે અને તબિયત અંગે ફરિયાદ કરે એટલે તરતજ પડીકી આપે ત્રણ દિવસમાં તે ગ્રાહક સાજો થઈ જાય. મિત્રો, આડોશી , પડોશી, સાગા ,સ્નેહી ઉપર પ્રયોગ સફળ થવા મંડ્યા ગિરધરને પરિવાર અને મિત્રો ગીધા તરિકે સંબોધતા આમ ગીરધરમાંથી તેમનું કાયમીનામ ગીધો થઈ ગયું. ગીધાનો રસ વ્યાપારમાં ઘટતો ગયો અને વૈદકમાં વધતો ગયો .

ગીરધર જુવાન થતા તેમના લગ્ન ખરેડી (તાલુકો કાલાવડ) મુકામે પ્રતિષ્ઠિત લોહાણા પરિવારના દીકરી દીવાળી સાથે થયા. બેચર માવજી નથવાણી જેતપુર પરગણામાં મોટું નામ, સમૃદ્ધિની ચર્ચા પચાસ પચાસ ગાવમાં થાય તે સમય એટલે લૂંટફાટ અને મારફાડ નો અંધાધૂંઘીનો યુગ, લૂંટારાની નજરમાં બેચર માવજી નાથવાણીના દીકરાની જાન સામે ખરેડીના નગરશેઠની દીકરી દલ્લો મોટો મળશે તેવી લાલચે ગીરધરની જાન આડે લૂંટારું પડ્યા. બેચર નથવાણી પણ માટી અને ભડવીર હતો, દસ જણને ભારે પડે . લૂંટારુએ ત્રાડ નાખી ઉભા રહેજો બેચર નથવાણી અને જાન સાથેના વળાવિયાએ તલવારો કાઢી સામે ગયા. તલવારો સાબોસબ ખેંચાય તે પહેલાં બેચર નાથવાણીને વિચાર આવ્યો કે લૂંટી લૂંટી ને શુ લૂંટશે ? દાગીના જર ઝવેરાત કે બીજું કાંઈ ! તે તો ભગવાને દીધું ઘણું છે પણ મારે ત્યાં રંગે ચંગે ઉજવેલા છેલ્લા શુભ પ્રસંગે લોહી રેડી અપશુકનિયાળ નથી કરવો ! મારે આવતલ પુત્રવધૂના પગલાં લોહિયાળ નથી કરવા ! મારે મારી પુત્રવધુને કુમકુમ પગલે આવકારવી છે ! બેચર નાથવાણીએ પોતાની તલવાર મ્યાન કરી . વળાવ્યાને આદેશ કર્યો તમારી તલવાર મ્યાન કરો. આપણે લોહી રેડી અપશુકન નથી કરવા. જાન લૂંટાઈ ,લોહીનું એક ટીપું રેડયા વગર શુભચોઘડીએ ભાભીમાએ વરઘોડિયાને પોંખિયા. બીજે દિવસે બેચર નાથવાણીએ જાનમાં જે સગાવાલાના દાગીના લૂંટાયા તેનો ઓર્ડર આપ્યો, પુત્રવધુ દિવાળીને સવાયા દાગીનનો ઓર્ડર આપી નથવાણી પરિવારની આબરૂ કુનેહ પૂર્વક વધારી દીધી.બેચર નથવાણીએ ભવિષ્યનાં આયોજન રૂપે બન્ને પુત્ર માટે બાવાવાળા પરામાં સામસામે મકાન બનાવેલા.

દોડવું હતુંને ગીધાનો ઢાળ મળ્યો તેમના હાથમાં ગોંડલના પ્રખ્યાત વૈદ્ય ઉમર માંઝીની હસ્ત લિખિત પ્રત આવી તેમાં દેશી, ઇમામી,આયુર્વેદ, એલોપેથી હોમિયોપેથી આમ દરેક પ્રકારની માહિતી તેમાં હતી . પોતાનો રસ,પોતાની આવડત, પોતાનો અનુભવ ભેગો થયો ગીધામાંથી ગીધાભાઈ અને ગીધાબાપા નો પિંડ ક્યારે બંધાયો અને રૂપ કયારે ધારણ કર્યું તેની ખબર જ ના પડી. ગીધાભાઈનું વાંચન અને જ્ઞાન દિવસે દિવસે વધતું જ ગયું. વાંચન શોખને કારણે ગુજરાતી , હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીમાં આપબળે મહારત હાસીલ કરી પરિણામે તેઓ માધવ નિદાન, આચાર્ય ચરકનું ચરક સંહિતા, આચાર્ય સુશ્રુતનું સુશ્રુત સંહિતા જેવા આયુર્વેદના ગ્રન્થ ઘોળી ને પી ગયા એ તો ખરું જ પણ પચાવી પણ ગયા મદ્રાસ આજનું ચેન્નઈ ત્યાંથી મેડિકલ સાયન્સનું પ્રખ્યાત એલોપેથી નું મેગેઝીન કાયમ મગાવતા વાંચતા. અને પોતાનું જ્ઞાન માંજતા રહેતા. વાંચનના શોખને કારણે તેમના હાથમાં જે તે સમયે એલોપેથીના ભીષ્મપિતામહ કહેવાય તેવા લેખક સેવીલ બોમેન્ટનો એલોપેથીનો મહાગ્રન્થ તેમના હાથમાં આવ્યો. આયુર્વેદ, યુનાની દેશી સાથે એલોપેથીનું જ્ઞાન પણ વિકસતું ગયું.

દરેક પરિવારમાં બને છે તેમ બન્નેભાઈઓ સહમતીથી અલગ થયા ગીરધર નાથવાણીને પોતાની જાત ઉપર ભરોસો હતો. શુકનનો ફક્ત સવા રૂપયો લઈ બે દીકરા નાનુ મોટો કાંતિ નાનો અને મોટી દિકરી ગૌરી અને નાની દીકરી સવિતાનો પરિવાર લઈ અલગ ઘર વસાવ્યું . ગૌરી માટે સારા ઘરનું માંગુ આવ્યું. ધર્મપત્નિ દિવાળીને ચિંતા થાય કે હવે શું કરીશું ? સંબંધ નકારેતો ગામમાં વાતો થાય. ગીરધર નથવાણી ને પોતાની જાત ઉપર ભરોસો હતો .સંબંધ તેમણે સ્વીકારી લીધો.

પતિ પત્નિ બન્ને નિરાંતે બેઠા બેઠા વાતો કરે છે તેમાં ગૌરીના લગ્નની ચિંતા સતત માંદિવાળીને થયા કરે ઉઠતા બેસતા ગૌરીના પિતાને કહ્યા કરે ગૌરીના લગ્નના ખર્ચનું શુ થશે કઈ વિચાર્યું ? ગીરધર નથવાણી કહે કોઈના આરંભેલા અધૂરા રહ્યા છે , તે આપણા રહેશે ! ગૌરીની માં તું ચિંતા નહીં કર, ગણેશના કામ ગણેશ જ પુરા કરશે. અને બન્યું પણ એવું કે એક વેપારી પાસે ઘઉંનો ખુબજ માલ આવ્યો . પણ ખેડૂત વેપારીના ભૂતકાળને લઈ તેનો વિશ્વાસ કરે નહીં ! તે આવ્યો ગીરધર નથવાણી પાસે માંડીને વાત કરી. ગીરધરભાઈ તમે મારી સાથે જોડાવ માત્ર તમારું નામ કામ બધું હું કરીશ. અર્ધોઅર્ધ તમારો ભાગ આખા પરગણાના ઘઉં આપણને મળે તેમ છે. મારી સાથેના ભૂતકાળના અનુભવે કોઈ મને માલ આપવા તૈયાર નથી. તમે સાથે આવો તો તમારા ભરોસે અને શાખે માલ મળે તેમ છે .ગીરધર નથવાણીએ જોખમ લીધું . સફળ થયા ગિરધર નથવાણી માત્ર પોતાની શાખથી એક જ સીઝનમાં અનાપસનાપ રૂપિયા કમયા દીકરી ગૌરીના લગ્ન બેચર માવજી નથવાણીની આબરુથી પણ સવાયા ધામધૂમથી થયા.

ગીરધર નથવાણીએ પોતાના પિતૃક કારોબારને તિલાંજલિ આપી પોતાના વૈદ્યક (તબીબી) શોખને પુર્ણ સમયના વ્યવસાય તરીકે અપનાવી લીધો . કુદરતનો નિયમ છે જ્યારે શોખ તમારો વ્યવસાય બને ત્યારે તે વ્યવસાય ભક્તિનું રૂપ ધારણ કરે જ્યાં ભક્તિ હોય ત્યાં પરમાત્માનો વાસ હોય જ્યાં પરમાત્માનો વાસ હોય ત્યાં સફળતા આપોઆપ આવે.

ગીરધર નથવાણીમાં લોહાણાની તમામ ખાસિયતો હતી કહેવત મુજબ
લોહાણો અને પાહણો..
બને તો પરમેશ્વર નહિ તો પગથિયું..
જો ના ફાવ્યું તો ઠેસ તો ખરી જ !
આમ જી.બી. નથવાણી બાવાવાળાપરા વિસ્તારમાં ભગવનની જેમ ઓળખાવા માંડ્યા.
લોકો તેને ઇલમી પુરુષ માનવા લાગ્યા ! પણ તે હતા નહીં !
લોકો તેને જાદુઈ પુરુષ માનવા લાગ્યા ! પણ તે હતા નહીં !
લોકો તેને ચમત્કારી પુરુષ માનવા લાગ્યા ! પણ તે હતા નહીં !
લોકો તેને અવતારી પુરુષ માનવા લાગ્યા ! પણ તે હતા નહી !
પણ તે માત્રને માત્ર મુઠીભર હાડમાંસનો બનેલો સુકલકડી માણસ હતો. તેનો દેખાવ કોઈ સીધો સાદો કરિયાણાનો વેપારી હોય તેવો. નાક તેજતરાર, સુપડકના કાન , ગોઠણ સુધી પોહચે તેવા લાંબા અજાનબાહુ હાથ, પહેરવેશમાં ઈસ્ત્રી વગરનું ધોતિયું, ઈસ્ત્રી વગરનો ઝભો ઉપર ઈસ્ત્રી વગરની બંડી અથવા ઈસ્ત્રી વગરનો કોટ . પણ તેનું વ્યક્તિત્વ કઈક અલગ હતું તેના વ્યક્તિત્વની એક આભા હતી. એટલે જ આ માણસ નોખી માટી અને નોખી તાસીરનો જણાતો હતો.

આઝાદી પહેલા કોઈ પરવાના પ્રથા ન હતી કોઈ પણ માણસને પોતાની આવડત , કુનેહ , કુશળતા પ્રમાણે વ્યવસાય કરવાની છૂટ હતી . ગીરધર બી. નથવાણી પણ તબીબી પ્રમાણપત્ર વગર પણ લોકોની સુશ્રુષા કરતા રહ્યા તેમની આવડત બાવાવાળાપરા પૂરતી સીમિત ના રહેતા સમગ્ર જેતપુર નગર અને તેના સીમાડા વટાવી આજુબાજુના વિસ્તારમાં પ્રસરી ગઈ . માત્ર સેવાના આશય થી બાર વરસથી નીચેની ઉંમરના બાળકનો એક આનો અને ઉપરની ઉંમરના વ્યક્તિના બે આના માત્ર ફી લેતા હતા.

15 ઓગસ્ટ 1947 માં દેશ આઝાદ થયો ત્યારે આરોગ્યનું ધોરણ સચવાય તે હેતુ થી ઓલ ઇન્ડિયા મેડિકલ કાઉન્સિલ નું ગઠન થયું . તેના ધારા ધોરણ પ્રમાણે તેમણે એક ધોરણ નક્કી કરવા જે વૈદ્યકજ્ઞાન (તબીબીજ્ઞાન) ધરાવતા હોય તે લોકોએ એક પરીક્ષા પાસ કરવાની. પાસ કર્યા પછી સરકાર તેને પ્રેક્ટિસ કરવા માટે પરવાનો આપશે તે પ્રમાણપત્રને “રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર ” અને તેને ટૂંકમાં આર. એમ. પી. ( R.M.P.) તરીકે ઓળખવમાં આવશે. જી. બી. નથવાણીએ આર.એમ. પી.ની પરીક્ષા પહેલા પ્રયત્ને ઊચ્ચ ધોરણ મેળવી પ્રાપ્ત કરી ડોક્ટર બન્યા ત્યારથી ડો. જી. બી. નથવાણી ડો. ગીધાબાપા કાયદેસરના ડોક્ટર બની ગયા..

ત્રણ રૂમનું દવાખાનું ધમધોકાર ચાલવા લાગ્યું વચ્ચેના રૂમમાં પોતે બેસે એકબાજુ પુરુષ વર્ગ બીજીબાજુ સ્ત્રી વર્ગ બેસે ત્યારે શીશીમાં મિક્સચર આપવામાં આવતું ચાર કમ્પાઉન્ડર મદદમાં રહેતા. નાના બાળકો માટે તેની હથરોટી સારી હતી એટલે એક છાપ એવી હતી ગિધાબાપા બાળકોના દાક્તર છે.

ડો. ગીધાબાપાના વરસોનાં તબીબી અનુભવ પરથી દ્રઢપણે માનતા કે અંધશ્રદ્ધા અને કુપોષણ બીમારીની જડ છે. પોતાને ત્યાં નવજાત બાળકોને ઈલાજ માટે લઇ આવતી માતાને ખાસ ભલામણ કરતા અને પૂછતાં ધાવણ બરાબર આવે છે ને ? જો ધાવણ ઓછું આવતું હોય તો બાળકના ઈલાજ , પહેલા માતાના ધાવણ વધે તેનો ઈલાજ કરતા અને કહેતા કે તારા બાળકને ધાવણ ઓછું પડે છે . તારા બાળકને પૂરતું ધાવણ મળશે એટલે તારું બાળક ઘોડા જેવું થઈ જશે. તારા બાળકને કશું નથી. અને માં બાળકને લઈ સતોષથી હસતી હસતી વિદાય થતી.

ક્યારેક બાળકની માંને ઘઘલાવતા હોય , શુ આ બાળકની આંખોમાં આંજણ આંજી દીપડા જેવો બનાવી નાંખ્યો છે. તારા છોકરાની આંખો વહી જાશે , આંધળો થઈ જાશે ત્યારે આ તારો ગીધોબાપો પણ આડો નહીં આવે સમજી. આવા સંવાદ ડો. ગીધાબાપાના ત્રણ રૂમ ના દવાખાનામાં અવારનવાર સાંભળવા મળે.

તો ક્યારેક બાળકની માં ફરિયાદ કરે કે મારું બાળક ખાતું નથી. એટલે ગીધાબાપા સહજ રીતે પૂછે કે મળ (સંડાસ )તો બરાબર આવે છે કે નહીં ? એટલે બાળકની માં કહે તેમાં કોઈ તકલીફ નથી ઈતો બરાબર કરે છે. એટલે ગીધાબાપા સરળ ભાષામાં સમજાવતા ઘંટીમાં કાઈ ના ઓરીયે તો લોટ નીકળે ? એટલે માં કહે ના નીકળે, તારું બાળક પેટમાં કંઈક ઓરતું હોય તો જ મળ નીકળે સમજી ગઈ , તારું બાળક તેની જરૂર પૂરતું ખાઈ લે છે. ચિંતા નહીં કરતી , તારું બાળક રાભળા જેવું છે. જા દવાની જરૂર નથી. આવી ઘટના રોજિંદી હતી.

દર્દી નારાયણની સેવા કરતા કરતા નવું નવું વાંચતા અને જાણતા. આમ તેમને દયાનંદ સરસ્વતિનું “સત્યર્થ પ્રકાશ ” વાંચવામાં આવ્યું આ પુસ્તકના અને દયાનંદ સરસ્વતિના ઊંડા પ્રભાવમાં આવ્યા. બીજી એક ઘટના તેમનો નાનો પુત્ર કાંતિલાલ પોતાની હાઇસ્કૂલ કમરીબાઈ હાઈસ્કૂલની લાઈબ્રેરીમાંથી એક પુસ્તક પોતાના વાંચવા માટે લાવેલો તેમનું નામ હતું “ઈશ્વરનો ઇન્કાર” લેખક નરસિહભાઈ પટેલ આ પુસ્તકનો પ્રભાવ બન્ને બાપ દીકરા પર જીવનભર રહયો આ પુસ્તક અપ્રાપ્ય હોય આખા પુસ્તકની કોપી લખી કાંતિલાલ સાચવી રાખી ગીધાબાપા એ “ઈશ્વરનો ઇન્કાર”ત્રણ વાર વાંચી તેમને જીવતર ના તત્વજ્ઞાનના મૂળ સિધ્ધાંત મળ્યા , સંપ્રદાયના પાખન્ડ ઉઘાડા થવા લાગ્યા મૂળ ધર્મતત્વ ઉઘડવા લાગ્યું. સાચો ધર્મ માનવ ધર્મ છે તે વિચારે મનનો કબજો કર્યો. રેશનલિઝમનો પ્રભાવ ઘેરો થતો ગયો. પરમતત્વ પર વિશ્વાસ અકબંધ રહ્યો પણ સંપ્રદાયી પરંપરા જડમૂળ થી નષ્ટ થતી ગઈ . ગીધાબાપાની પોતાની વિચારધારા સ્થાપિત થતી ગઈ.

પોતાના વિચાર ધર્મપત્નિ દિવાળીબેન સમક્ષ મુક્યા . દિવાળીબેન પણ ગીધાબાપાના સાનિધ્યને કારણે વાંચતા થયેલા, એટલુંજ નહિ સારા અને ઉમદા વિચાર પચાવતા પણ થયેલા. નથવાણી દંપતી સારું પુસ્તક વાંચી તેની ચર્ચા પણ કરતા, ક્યારેક શાસ્ત્રોના શાસ્ત્રાર્થની ચર્ચા કરતા હતા . એક દિવસ ગીધાબાપાએ દિવાળીબેનને કહ્યું આપણા મૃત્યુ પછી આપણા સંતાનો આપના વિચારનો અમલ કરશે તો સમાજ તેને કદાચ ના પણ સ્વીકારે અથવા માન્ય ના પણ કરે ત્યારે આપણા સંતાનો દ્વિધા ભરી સ્થિતિમાં ના મુકાય તે માટે આપણે આપણું વસિયત બનાવવું જોઈએ. કાયમની જેમ દિવાળીબેને સહર્ષ વાતને સ્વીકારી બન્ને પતિ પત્નીએ પોતાની અંતિમ ઇચ્છાનું જે વસિયતનામું લખ્યું તે અક્ષરેઅક્ષર આ પ્રમાણે છે.

*******
અંતિમ ઈચ્છા (વસિયતનામું)

********

મારા બન્ને પુત્રો એન.જી. નથવાણી ટેક્સેશન એડવોકેટ તથા નાનો પુત્ર ડો. કે.જી. નથવાણી મારી પુત્રી સવિતાબેન તથા પૌત્ર પૌત્રીઓ તેમના પરિવારના તમામ સભ્યોને મારી તથા તમારા બાની અંતિમ ઈચ્છાઓ જાણવું છું. મારા વિચારોને મારા મૃત્યુબાદ માન આપશો એવી અપેક્ષા રાખું છું. તર્કશક્તિથી અંતિમ ઈચ્છાના નિર્ણયો કરેલા છે. જેમાં તમારા બા પણ સંમત છે. વરસોથી આધ્યાત્મિકતાનું આકર્ષણ થતું નથી, મારા જીવતા હું નિરીશ્વરવાદી છું મૃત્યુ નિશ્ચિત છે, ક્યારે આવે તે કહી શકાતું નથી , પરંતુ સ્વસ્થ બનીને આ વાસ્તવિકતાનો સ્વીકાર કરવાનો છે .મેં તથા તમારા બાએ જિંદગીના આઠ દશકા પુરા કરેલા છે. વાર્ધકયનું અંતિમ ચરણ મૃત્યુ છે. હું અગર તમારા બા અવસાન પામીએ , તો નીચે જણાવેલી ઈચ્છા જાણી લેવી.

(1) અંતકાળ નજીક આવે ત્યારે ઘીનો દીવો કરશો નહિ.
(2) ભજનો સંભળાવીને કે અમારા કાનમાં ઈશ્વરનું નામ સંભળાવીને કે અંતકાળ નજીક હોય ત્યારે ગીતાના શ્લોકો કે બીજા ધાર્મિક ગ્રન્થનું સ્તવન કે પ્રાર્થના કરી ત્રાસ આપશો નહીં.
(3)મૃત્યુ બાદ ચક્ષુદાનની તબીબી રીતે યોગ્ય હોય તો તાત્કાલિક વ્યવસ્થા કરજો.
(4) કુટુંબીઓની લાગણીઓને માંન આપી અમે એવા નિષ્કર્ષ પર આવ્યા છીએ કે મૃત્યુ બાદ પરિવારના સભ્યો દેહદાન અગર અગ્નિ સંસ્કાર કરી એમની ઈચ્છા પૂરી કરી શકે છે સગવડ હોય તો વીજળીના સ્મશાનગૃહમાં અંતિમ વિધિ કરી શકે છે.
(5)અવસાન દુરની હોસ્પિટલમાં અગર દૂર બહારગામ થાય તો શબને ઘેર લાવશો નહિ.
(6) અવસાન રાત્રે થાય તો કોઈને રાત્રે જાણ કરી હેરાન કરશો નહિ, અલબત્ત અંગત પરિવારના સભ્યોને એમના દિલને દુઃખ થાય તો જાણ કરી શકો છો.
(7) અવસાનની જાણ ઘણી બધી વ્યક્તિઓને કરી મોટી સ્મશાનયાત્રા કાઢવાનો પ્રયાસ કરતા નહીં.
(8) શબ ઉપર તુલસીની માળા, તિલક, તુલસીનું પાન મુકવાનો યા ગંગાજળ છાંટવાનો, એવી કોઇ વિધિ કરશો નહિ ,શબ ઉપર અબીલ ગુલાલ છાંટશો નહીં.
(9) કોઈ પણ જાતની રોકકળ કરશો નહિ.
(10)શબને ફુલહારથી શણગારવાનો ધૃણાસ્પદ અને મૂર્ખાઈભર્યો વ્યવહાર કરશો નહિ ફુલનુંસ્થાન ઝાડ કે છોડ પર છે.
(11)શબને શબવાહિની લઇ જવાની સગવડ થાય તો વધુ સારું, બીજા લોકોને શબ ઉપાડવા હેરાન થવું ના પડે.
(12)મેડિકલ કોલેજને જ્યારે દેહદાન ન કરો ત્યારે અને અગ્નિસંસ્કાર માટે શબને લઇ જવાની જરૂર પડે તે વેળા “રામ બોલો…ભાઈ રામ”કે “શ્રી કૃષ્ણ શરણમ મમ” કે ભજનધૂન એવા કોઈપણ કોલાહલ વગર શાંતિથી શબને સ્મશાનમાં લઇ જવાનું, વર્ષોના મારા તબીબી અનુભવે મને શીખવેલું છે કે આવા શબ્દો સાંભળી બીમાર વ્યક્તિ તથા માનસિક રીતે નબળા માણસો આઘાતની લાગણી અનુભવે છે. આવા કોલાહલ દ્વારા વરસો પહેલા આવેલા પ્લેગના દર્દીઓને ખૂબ નુકશાન થયું છે. અગ્નિદાહ વખતે સ્મશાનમાં ધૂન કે પ્રાર્થના કરવાની નથી કેવળ જેમની લાગણીને ઠેસ પોહચતી હોય તેઓ તેમના મનમાં પ્રાર્થના કરી શકે છે.
(13)મૃત્યુ બાદ શોક પાળવાની જરૂર નથી.
(14) ઘેર કોઈ પ્રસંગ હોય અને શબની અંતિમ ક્રિયા માટે સમયની જરૂર હોય તો જ પ્રસંગ એક દિવસ માટે મુલતવી રાખવો. સગાઓને ત્યાં પ્રસંગ હોયતો તેમનો પ્રસંગ મુલતવી ન રાખવા સામેથી કહેવડાવજો.
(15) ચિતામાં ઘી રેડવાની કે ચિતાને દૂધથી ઠારવાની વિધિ કરશો નહિ.
(16) અસ્થિને નદીમાં પધરાવવાની કે શ્રાદ્ધ કે બીજા કોઈ વિધિ કે ક્રિયાકાંડ મૃત્યુ બાદ કરવાના નથી.
(17) મારુ અવસાન તમારા બા પહેલા થાય તો, તમારા બાની વૈધવય અવસ્થામાં વાળ ઉતારવાની કે ચૂડી તોડવાની ક્રૂર પ્રથાને અનુમોદન આપવાનું નથી , આવા ઘૃણાસ્પદ બનાવો માનવજાત માટે લાંછન રૂપ છે.
(18) શોક પ્રદર્શિત કરવા આવનાર મહિલાઓ ચૂંક- ચાંદલો તથા હમેશ પહેરતા હોય તે કપડામાં આવી શકે.
(19) બેસણામાં કોઈ તિથિ વાર કે સમયનો બાધ નથી.
(20) મૃત્યુની જાણ માત્ર અંગત સગાઓને જ કરવી.
(21) નામ જોડાયેલું રહે તે માટે કોઈ દાન આપશો નહીં, દર વર્ષે શ્રદ્ધાંજલિ માટે પેપરમાં ફોટોગ્રાફ્સ આપવાની જરૂર નથી દેશ, ધર્મ કે ન્યાતના વાડામાં પુરવાનું મને ગમ્યું નથી.
(22) ઘરનું વાતાવરણ ઝડપથી સામાન્ય બની જાય તેમ કરશો.
(23) આ અંતિમ ઈચ્છાઓ મારી તથા તમારા બા બનેની છે. સ્વતંત્રપણે અમે બંનેએ આ રીતે વિચારેલું છે, અમે બંને ખૂબ સંતોષથી જીવ્યા છીએ. સ્વજનોએ , પરિવારના એક એક સભ્યોએ ખીબ લાગણી ભર્યો પ્રેમાળ અને ઉમદા વ્યવહાર જીવનભર રાખેલો છે એનો અમને ખૂબ સંતોષ છે. વર્ષોના નિષ્કર્ષ બાદ નિરીશ્વરવાદ ની માન્યતા બંધાયેલી છે .ઈશ્વર, પૂર્વજન્મ, પુનર્જન્મમાં અમને કોઈ શ્રદ્ધા નથી. મૃત્યુ એ જ જીવનની અંતિમ ક્ષણ છે, અહીં જ બધુ પૂરું થાય છે. પૂર્વજન્મ, પુનર્જન્મ વગેરે શકા કુશકા એ માત્ર કાલ્પનિક તરંગો છે. જીવન કે મૃત્યુ સાથે તેનો કોઈ સંબંધ નથી. માનવતાવાદને શોભે તેમ તથા જાત પ્રત્યે પ્રમાણિક રહેવાનો અમે સાનિષ્ઠ પ્રયાસ કરેલો છે. જીવદયા, પ્રમાણિકતા તથા માનવતાવાદને જ અમે ધર્મ માનેલો છે. આ રેશનલ અભિગમને હિસાબે જ અમને મૃત્યુ ડરાવી શકતું નથી. અમારી પાછળ માનવતાવાદને ઉત્તેજન મળે એ રીતે તમને બધાને યોગ્ય લાગે એ રીતે મદદરૂપ બની શકો છો.

અમારી પાસે આત્મા, પરમાત્મા, સ્વર્ગ, નર્ક એવી કોઈ સ્થૂળ વ્યાખ્યા નથી છતાં માનવી માનવીના અરસપરસના સંબંધોમાં પ્રમાણિકપણે જીવવાનો પ્રયત્ન જીવનભર કરેલો છે.

મારા તબીબી વ્યવસાયમાં અનેક દર્દીઓએ મારા તરફ બતાવેલી અપાર સ્નેહની લાગણી, એ મારા જીવનનું મીઠું સંભારણું છે. એમનો આ તકે હું આભાર ન માનુ તો હું મારું દાક્ષિણ્ય ચુક્યો ગણાઉ . મારા જીવનની અંતિમ ક્ષણ સુધી એમના સ્નેહ અને લાગણીઓનું ઋણ ચૂકવવા હું કાર્યરત રહી એમને મદદ રૂપ બની શકું, એ જ મારી અદમ્ય ઈચ્છા છે.

જય જગત

ડો. જી. બી. નથવાણી તથા દીવાળીબેન ગીરધરભાઈ નથવાણી
જેતપુર.
આપણે કલ્પના કરી શકીએ ખરા ! કોઈ માની શકે ખરા ! માત્ર છ ધોરણ ભણેલ માણસ માત્રનેમાત્ર વાંચનના શોખને કારણે આપ બળે કોઈ તબીબની નીચે કામ પણ ના કર્યું હોય . તેમનો કોઈ તબીબીગુરુ પણ સ્થાપિત ના હોય . કોઈ મેડિકલ કોલેજની કાયદેસરની ડિગ્રી પણ હાસીલ કરી ના હોય છતાં તબીબી વિજ્ઞાનમાં આટલો કુશળ અને બાહોશ તબીબ તરીકે નામના મેળવી ગીતામાં લખ્યા પ્રમાણે કોઈ પણ ફળની આશા કે અપેક્ષા રાખ્યા વગર સતત પોતાની દીર્ઘાયુના 91 વરસ સુધી લગાતાર, અવિરત દર્દીની સેવા કરતો રહ્યો હોય.

હિન્દૂ ધર્મની આરોગ્યની દેવી ધનવંતરીમાતાના વરદાન રૂપે જન્મેલ અનોખી માટી અને અનોખી તાસીરના ધણી આવા ડો ગીધાબાપા કુદરતે સોંપેલ કાર્યો બખૂબી નિભાવી તારીખ 15 ફેબ્રુઆરી 2001 ના દિવસે સમગ્ર પરિવારની હાજરીમાં પંચમહાભૂતમાં વિલીન થયા.

પૂર્ણ..

ગુણવંત ધોરડા
જેતપુર
તારીખ 31 ઓગસ્ટ 2021
મો.નંબર..8849447339
મો.નંબર..9825581844

સૌજન્ય…
પ્રસિદ્ધ સાહિત્યકાર , લેખક શ્રી રજનીકુમાર પંડ્યા .
(તેમની કોલમ શબ્દવેધ તારીખ 17-3-1996 ફૂલછાબ સૌરભપૂર્તિ માં પ્રસિદ્ધ લેખ ” ગીધુબાપા તમારા જેવા સોસો જણ ગામેગામ હો !”દ્વારા પ્રેરિત)

ફોટોગ્રાફ સૌજન્ય..મિતેષ નથવાણી (જેતપુર)
સંદીપ નથવાણી (જેતપુર)

નોંધ..
ડો. જી.બી. નથવાણી (ડો. ગીધાબાપા) નો પરિવાર
ડો. ગીધાબાપાના મોટા દીકરા નાનુભાઈ (એન જી. નથવાણી ટેકશેસન એડવોકેટ) ડો. ગીધાબાપાના પૌત્ર સ્વ. જીતેન્દ્ર નથવાણી (ટેક્સ કન્સલ્ટન્ટ)તેમના પ્રપૌત્ર ખન્જન જીતેન્દ્રભાઈ નથવાણી (C.A.) હાલ અમદાવાદ , નાના પૌત્ર મિતેષ નાનુભાઈ નથવાણી (ટેકશેસન એડવોકેટ) હાલ જેતપુર.

ડો. ગીધાબાપાના નાના દીકરા ડો. કાંતિલાલ (ડો. કે. જી. નથવાણી) હાલ જેતપુર. ડો ગીધાબાપાના પૌત્ર સંદીપ કાંતિલાલ નથવાણી ..સહયોગ ગૃહઉદ્યોગ (સહિયર બ્રાન્ડ ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ એન્ડ મસાલા મેન્યુફેક્ચરીગ જેતપુર) સ્થિત છે..

error: Content is protected !!