ઇન્કમ ટેક્સ હેઠળ કરદાતા દ્વારા કરવાની થતી મહત્વની કાર્યવાહીની મુદતોમાં વધારો કરતી CBDT

Spread the love
Reading Time: 2 minutes

તા. 09.09.2021: ઇન્કમ ટેક્સ હેઠળ ભરવાના થતાં રિટર્નની મુદતમાં ફરી એક વાર વધારો કરવામાં આવ્યો છે. ઇન્કમ ટેક્સનું નિયમન કરતી સંસ્થા સેન્ટરલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા આ અંગે એક પ્રેસ વિજ્ઞપ્તિ જાહેર કરવામાં આવી છે. પગારની આવક ધરાવતા કરદાતા તથા ધંધાકીય આવક ધરાવતા એવા કરદાતા કે જેમના ચોપડા ઓડિટ કરવાના થતાં નથી અથવા એવા કરદાતા કે જેમની આવક ધંધાકીય આવક સિવાયની હોય તેઓએ સામાન્ય રીતે પોતાના ઇન્કમ ટેક્સ રિટર્ન 31 જુલાઇ સૌથીમાં ભરવાના થતાં હોય છે. આ રિટર્ન માટેની મુદતમાં અગાઉ વધારો કરી 30 સપ્ટેમ્બર કરવામાં આવી હતી. હવે આ મુદતમાં વધારો કરી આ રિટર્ન માટેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2021 કરી આપવામાં આવી છે. આ ઉપરાંત ધંધાકીય કરદાતા કે જેઓના ચોપડા ઓડિટ કરાવવા પાત્ર હોય તેઓ સામાન્ય રીતે પોતાનું ઓડિટ 30 સપ્ટેમ્બર સુધી કરાવવાનું રહેતું હોય છે. આ મુદતમાં અગાઉ 31 ઓક્ટોબર સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. હવે આ મુદતમાં ફરી વધારો કરી 15 જાન્યુઆરી 2022 સુધીની મુદત કરી આપવામાં આવી છે. આ કરદાતા કે જેઓના ચોપડા ઓડિટ કરવામાં આવ્યા હોય તેઓના માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત સામાન્ય રીતે 31 ઓક્ટોબર રહેતી હોય છે. આ મુદતમાં અગાઉ 30 નવેમ્બર સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. હવે આ મુદતમાં 15 ફેબ્રુઆરીએ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ઇન્કમ ટેક્સ હેઠળ રિટર્ન દાખલ કરવામાં આવ્યું હોય અને કોઈ સુધારા બાબતે રિવાઈઝડ રિટર્ન ભરવાની મુદત સામાન્ય રીતે 31 ડિસેમ્બર રહેતી હોય છે. આ મુદત માં અગાઉ 31 જાન્યુઆરી સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. હવે આ મુદતમાં વધારો કરી 31 માર્ચ 2022 કરી આપવામાં આવી છે. આમ, કરદાતા હવે પોતાનું રિટર્ન 31 માર્ચ 2022 સુધી રીવાઇઝ કરી શકશે. જે કરદાતાઓને પોતાના રિટર્ન સાથે ભરવા પાત્ર સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ 1 લાખથી વધુ હોય તો વ્યાજ લાગુ પડશે તેવો ખુલાસો પણ CBDT ની પ્રેસ રીલીઝમાં કરવામાં આવ્યો છે. સરળતા માટે મુદત અંગેનો ચાર્ટ નીચે આપવામાં આવેલ છે.

 કરદાતાનો પ્રકાર ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની નવી મુદત

પગારદર વર્ગ, વ્યાજ સહિતની અન્ય આવક ધરાવતા કરદાતા 31 ડિસેમ્બર 2021

ઓડિટ કરાવવા જવાબદાર ના હોય તેવા કરદાતા 31 ડિસેમ્બર 2021

ઓડિટ કરાવવા જવાબદાર હોય તેવા કરદાતા 15 ફેબ્રુઆરી 2022

રિવાઈઝ રિટર્ન ભરવાની મુદત 31 માર્ચ 2022

ઓડિટ કરાવવા જવાબદાર ધંધાકીય/ટ્રસ્ટ કરદાતા માટે ઓડિટ અપલોડ કરાવવાની મુદત 15 જાન્યુઆરી 2021 રહેશે.

નવા ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર રિટર્ન ભરવામાં, રિટર્ન વેરીફાય કરવામાં, નોટિસનો જવાબ આપવા જેવા કામો કરવામાં કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સને તકલીફો પડી રહી હોવાના સમાચાર સતત મળી રહ્યા છે. ઈન્ફોસિસ અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ સતત આ મુશ્કેલી દૂર કરવા પ્રયત્નશીલ છે તેવી જાહેરાત પણ CBDT દ્વારા કરવામાં આવી રહી છે. ઇન્કમ ટેક્સ પોર્ટલ જલ્દીથી ખામી રહિત બનાવવામાં આવે તેવી આશા કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સ સેવી રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!