પેટ્રોલ પંપના વેપારીઓ ઉપર વેટ વિભાગ રાખશે ખાસ નજર… કસૂરદારો દૂર કરવા ખાસ ઝુંબેશ

Spread the love
Reading Time: < 1 minute

પેટ્રોલ-ડીઝલ ઉપર વેટની આવક રાજ્યની મોટી આવકનો હિસ્સો હોય, કસૂરદારો ઉપર થશે ત્વરિત કાર્યવાહી

તા. 11.09.2021: જી.એસ.ટી. ના અમલ સાથે દારૂ, પેટ્રોલ તથા ડીઝલ સિવાય તમામ ચીજ વસ્તુઓ ઉપર લાગતો વેટ દૂર કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં હવે માત્ર પેટ્રોલ તથા ડીઝલ ઉપર વેટ લાગુ પડે છે. પેટ્રોલ-ડીઝલ ઉપર વેટની આવક ગુજરાત સરકારની આવકમાં મોટો હિસ્સો હોય છે. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતના વેટ કમિશ્નર દ્વારા રાજ્ય ભરના પેટ્રોલ પંપના કસૂરદાર વેપારીઑ ઉપર ખાસ નજર રાખવા તથા તેના ઉપર કાર્યવાહી કરવા પોતાના અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે. રાજ્યભર પેટ્રોલ ડીઝલના વેપારીઓ પૈકી ઘણા મોટા પ્રમાણમા વેપારીઓ વેરો ભરવામાં તથા રિટર્ન ભરવામાં કસૂર કરી રહ્યા હોવાની માહિતી બહાર આવી રહી છે. આ બાબતે તમામ અધિકારીઓને કસૂરદારો ઉપર કડક પગલાં ભરવા રાજ્યના કમિશ્નર દ્વારા સૂચના આપવામાં આવી છે.

અત્રે એ જાણવું જરૂરી છે કે ગુજરાત વેટ કાયદા હેઠળ જે તે મહિનો પૂરો થાય ત્યાર પછીના મહિનાની 12 તારીખ સુધીમાં વેટ ભરવો જરૂરી છે. આ ટેક્સ ભર્યા બાદ જે તે મહિનો પૂર્ણ થાય ત્યાર પછીના 30 દિવસમાં વેટ રિટર્ન ભરવું જરૂરી રહેતું હોય છે. હવે જ્યારે વેપારીઓ આ ટેક્સ ભરવામાં કે રિટર્ન ભરવામાં કસૂર કરશે તો જે તે મહિનો પૂર્ણ થયાના 50 દિવસમાં તેઓને અધિકારી દ્વારા નોટિસ પાઠવવામાં આવી શકે છે. આ નોટિસ બાદ પણ જો વેપારી પત્રક ના ભારે તો તેના ખરીદ વેચાણનો અંદાઝ કરી તેની ઉપર કામ ચલાવ આકારણી હાથ ધરવામાં આવશે તેવી પણ માહિતી મળી રહી છે.  પેટ્રોલપંપના વેપારીઓ માટે આ સૂચના “ખતરાની ઘંટી” કહેવાય અને આવા કસૂરદાર વેપારીઓએ ચેતી જવું ખાસ જરૂરી છે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!