કરદાતાઓ માટે માઠા સમાચાર: જી.એસ.ટી. હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ માંગવામાં આવેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ થશે નામંજૂર
આંધ્ર પ્રદેશ હાઇકોર્ટ દ્વારા જી.એસ.ટી. કાયદાની કલમ 16(4) ને ગણાવી બંધારણની દ્રષ્ટિએ વૈધ
તા. 27.07.2023: જી.એસ.ટી. કાયદાની કલમ 16(4) હેઠળ કોઈ પણ નાણાકીય વર્ષની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ પછીના વર્ષના 30 નવેમ્બર સુધી ભરવામાં આવતા જી.એસ.ટી.આર. 3B દ્વારા માંગી શકાય છે. આ મુદતમાં સુધારો કરવામાં આવ્યો હતો. આ સુધારા પહેલા કોઈ પણ નાણાકીય વર્ષની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ પછીના વર્ષના સપ્ટેમ્બર મહિનાના રિટર્ન ભરવા સુધીમાં માંગવાની રહેતી હતી. જી.એસ.ટી. કાયદાની આ જોગવાઈની બંધારણીય વૈધતાને ગુજરાત હાઇકોર્ટ સહિત દેશની ઘણી હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. આ અંગેના કેસો વિવિધ હાઇકોર્ટમાં ચાલુ છે.
આવા સમયે આ પ્રકારના એક કેસમાં આંધ્ર પ્રદેશ હાઇકોર્ટ દ્વારા કરદાતાની વિરુદ્ધનો ચુકાદો આપવામાં આવ્યો છે. થિરૂલાકોંડા પ્લાયવૂડ વી. આસી. કમિશ્નર સ્ટેટ ટેક્સ, રીટ પિટિશન 24235/2022 ના કેસમાં ચુકાદો આપતા હાઇકોર્ટ દ્વારા ઠરાવવામાં આવ્યું છે કે જી.એસ.ટી. કાયદાની કલમ 16(4) બંધારણીય રીતે યોગ્ય છે. કરદાતા દ્વારા કોર્ટ પાસે એવી પણ દાદ માંગવામાં આવેલ છે કે જી.એસ.ટી. કાયદા હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવાની પ્રાથમિક શરતો જે કલમ 16(2) માં છે તે જી.એસ.ટી. કાયદાની કલમ 16(4) થી ઉપરવટ ગણાય અને કરદાતા દ્વારા જ્યારે 16(2) ની પ્રાથમિક શરતો પૂર્ણ કરેલ હોય ત્યારે 16(4) ની સમયમર્યાદાનો બાધ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવામાં અસર કરે નહીં. આ બાબતે ચુકાદો આપતા હાઇકોર્ટ દ્વારા ઠરાવવામાં આવ્યું હતું કે જી.એસ.ટી. કાયદાની કલમ 16(2) અને કલમ 16(4) એ એકબીજા સાથે વાંચવી જરૂરી છે અને કલમ 16(2) એ કલમ 16(4) થી ઉપરવટ છે તેમ ગણી શકાય નહીં. કરદાતાએ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવવા જી.એસ.ટી. કાયદાની કલમ 16(2) ની શરતો તો પૂર્ણ કરવી રહે જ પરંતુ 16(4) ની સમયમર્યાદા પણ જાળવવી પડે. કરદાતા દ્વારા વધુમાં એવી પણ દલીલ કરવામાં આવી હતી કે જ્યારે જી.એસ.ટી. હેઠળના રિટર્ન લેઇટ ફી સાથે સ્વીકારવામાં આવ્યા હોય ત્યારે કલમ 16(4) ની મર્યાદા દૂર થઈ હોવાનું ગણવું જોઈએ. આ બાબતે પણ કરદાતા વિરુદ્ધ ઠરાવતા આંધ્ર પ્રદેશ હાઇકોર્ટ દ્વારા ઠરાવવામાં આવ્યું હતું કે લેઇટ ફી એ અલગ બાબત છે. આ લેઇટ ફી ભરવાથી સમયમર્યાદાનો બાધ દૂર થાય નહીં.
આંધ્રપ્રદેશ હાઇકોર્ટનો આ ચુકાદો કરદાતાઓ માટે મોટી તકલીફો ઊભી કરી શકે છે. કરદાતાની નાની ચૂંક પણ કરદાતા માટે મોટી ઈન્પુટ ટેક્સ ક્રેડિટના નુકસાનમાં પરિણમી શકે છે. એવા અનેક કિસ્સા છે જેમાં કરદાતા દ્વારા ઈન્પુટ ટેક્સ ક્રેડિટ જી.એસ.ટી. કાયદાની કલમ 16(4) ની મુદત પૂર્ણ થયા બાદ માંગવામાં આવેલ છે. આવા તમામ કેસોમાં આ ચુકાદો વિપરીત અસર કરશે. આ ઉપરાંત એવા પણ ઘણા કિસ્સા છે જ્યાં કરદાતાએ જી.એસ.ટી. ડિપાર્ટમેંટની કોઈ “એમનેસ્ટી સ્કીમ” નો લાભ લઈ આ રિટર્ન ભરેલ છે અને મુદત બાદ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લીધેલ છે. આવા કિસ્સામાં પણ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બાબતેના પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે છે. જી.એસ.ટી. કાયદાની શરૂઆતના ગાળામાં ટેકનિકલ પ્રોબ્લેમને કારણે પણ કરદાતાની ક્રેડિટ લેવાની રહી ગયેલી. આ પ્રકારની ક્રેડિટ માટે પણ આ ચુકાદો મુશ્કેલી ઊભી કરશે. આ ઉપરાંત “સેસ” ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ પણ સમય બાદ લેવામાં પણ મોટા અને વિકટ પ્રશ્નો ઊભા થશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે