ઇન્કમ ટેક્સ રિટર્નની મુદતમાં કરવામાં આવે 31 ઓગસ્ટ સુધી વધારો: ટેક્સ એડવોકેટ એસોસીએશન ગુજરાત
કેન્દ્રિય નાણાંમંત્રી, CBDT ને ભારે વરસાદના કારણે 31.07.2023 ની મુદત 31.08.2023 કરવા કરવામાં આવી રજૂઆત
TIS-AIS લાગુ થતાં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં ખૂબ સમય લાગતો હોય છે. સમય આવી ગયો છે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત અંગે કાયદા-નિયમોમાં સુધારો કરી 31 ઓગસ્ટને કાયમી મુદત કરી આપવામાં આવે: કિંજલ શાહ, પ્રમુખ, TAAG
તા. 25.07.2023: ટેક્સ એડવોકેટ એસોસીએશન ગુજરાત (TAAG) દ્વારા કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સિથારમણ, ચેરમેન-સેન્ટરલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ તથા પ્રિન્સિપાલ ચીફ કમિશ્નર, ગુજરાત રાજ્યને ઉદ્દેશીને ઇન્કમ ટેક્સ રિટર્નની મુદત 31 જુલાઇ થી વધારી 31 ઓગસ્ટ કરવા રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા 15 દિવસથી સમગ્ર રાજ્યમાં પડી રહેલ ભારે વરસાદને પગલે આ મુદત વધારવા રજૂઆત કરવામાં આવેલ છે. ભારે વરસાદના કારણે લોકોના જાન-માલને ઘણું નુકસાન થયું હોવાના અહેવાલ છે. જુનાગઢ સહિત ગુજરાતના ઘણા વિસ્તારોમાં લગભગ પૂર જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. આવા સમયે કરદાતાઓ પોતાના રિટર્ન માટેની વિગતો ટેક્સ પ્રોફેશનલ્સને પહોચાડી શકે નહીં તે સમજી શકાય તેવી બાબત છે. ઘણી જગ્યાએ ઇલેક્ટ્રીક સપ્લાય તથા ઇન્ટરનેટ સેવાઓ પણ ખોરંભે ચડેલ હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ઉપરાંત એસોસીએશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે 4 થા ક્વાટરના TDS રિટર્ન ભરવાની મુદત 31 મે હોય, AIS-TIS ના ડેટા પણ મે મહિના બાદ જ પૂરતી વિગતો આપતા હોય, ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે કરદાતાને 2 મહિનાથી પણ ઓછો સમય મળતો હોય છે. વરસાદના કારણે આ મુદતમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા ખૂબ મુશ્કેલ રહે છે. આ કારણોસર કરદાતાઓને રિટર્ન ભરવા ખૂબ ઓછી મુદત મળતી હોય છે. વરસાદના કારણે આ મુદતમાં કામકાજ કરવામાં પણ વિક્ષેપ પડ્યો છે. આમ, 31 જુલાઇ 2023 ના રોજ જે રિટર્ન ભરવાની મુદત છે તે મુદતમાં વધારો કરવો ખૂબ જરૂરી છે તેવી રજૂઆત કરવામાં આવી છે. કરદાતાઓ આશા સેવી રહ્યા છે કે ટેક્સ એડવોકેટ એસોસીએશન ગુજરાત તથા અન્ય પ્રોફેશનલ્સ અને વેપારી સંગઠનોની માંગણીને ધ્યાને રાખી આ મુદતમાં વધારો સમયસર જાહેર કરવામાં આવશે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે