સાવધાન!! હવે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ પાસે છે કરદાતાની તમામ માહિતી!!

Spread the love
Reading Time: 4 minutes

(speaker)

તા. 16.11.2021: ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા નવા “એન્યુઅલ ઇન્ફોર્મેશન સિસ્ટમ” (AIS) ની સેવા ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર શરૂ કરવામાં આવી છે. આ નવા “એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ”માં કરદાતાની આવક તથા વ્યવહારો અંગેની માહિતી વધુ સુદ્રઢ કરદાતાને મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવ્યા છે. ઇન્કમ ટેક્સ હેઠળ બેન્કો, સબ રજીસ્ટ્રાર ઓફિસ, ક્રેડિટ કાર્ડ આપતી કંપનીઓ, શેર-સિક્યોરિટી બહાર પાડતી કંપનીઓ, ડિવિડંડની ચુકવણી કરતી કંપનીઓ, શેર બ્રોકરો, વિવિધ ધંધાકીય એકમો ઉપર અમુક ખાસ વ્યવહારોની વિગત ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટને આપવા જવાબદાર બનાવવામાં આવ્યા છે. આ વ્યવહારોની વાત કરીએ તો બેન્ક દ્વારા ચૂકવવામાં આવતા ફિક્સ ડિપોઝિટ ઉપરનું વ્યાજ, સેવિંગ બેન્ક વ્યાજ, કંપનીઓ દ્વારા ચૂકવવામાં આવતા ડિવિડંડની વિગતો, શેર-મ્યુચ્વ્લ ફંડમાં કરવામાં આવેલ રોકાણ તથા તેમાથી થયેલ આવક, વિદેશમાં મોકલવામાં આવેલ રકમ, એક ધંધાકીય એકમના અન્ય ધંધાકીય એકમ સાથેના નિયત વ્યવહારો જેવી માહિતી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટને મોકલવા જવાબદાર બનાવવામાં આવ્યા છે. આમ, વિવિધ એજન્સી દ્વારા કરદાતાઓ અંગે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટને આપવામાં આવેલ માહિતીઑ ઉપરથી નવું સુદ્રઢ “એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ” હવે કરદાતાઓને પોતાના ઇન્કમ ટેક્સ લૉગિનમાં જોવા મળશે. આ એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટમાં કરદાતાની આવકની માહિતી ઉપરાંત કરદાતા દ્વારા ભરવામાં આવેલ ઇન્કમ ટેક્સ, થયેલ TDS/TCS ની વિગતો ઉપરાંત કરદાતા ઉપર કોઈ ડિમાન્ડ બાકી હશે તો તેની વિગત તથા કરદાતાને ચૂકવવામાં આવેલ રિફંડની વિગત પણ દર્શાવવામાં આવશે.

શું છે આ નવા એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટના ફાયદા:

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ હવે કરદાતાના વ્યવહારો ઉપર વધુ નજર રાખી શકશે. તો બીજી તરફ કરદાતાને પોતાની આવક અંગેની માહિતી પોતાના ઇન્કમ ટેક્સ લૉગિનમાં સરળતાથી મળી રહેશે. આમ, પ્રમાણિક કરદાતાઓ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન વધુ સાચી અને સચોટ રીતે ભરવામાં એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ મદદરૂપ બનશે. જ્યારે બીજી તરફ કોઈ પણ કરદાતા માટે વ્યવહારો છુપાવવા શક્ય બનશે નહીં. આવક ના દર્શાવવી કે ઓછી દર્શાવવી હવે ખૂબ મુશ્કેલ બની જશે.

ક્યાં અને કેવી રીતે કરદાતા જોઈ શકે છે આ નવું “એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ”?

કરદાતા પોતાનું એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપરના પોતાના લૉગિનમાં જોઈ શકે છે. પોતાના લૉગિનમાં “સર્વિસ”ના વિકલ્પ હેઠળ આ એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) સ્ટેટમેન્ટ જોઈ શકાશે. AIS હેઠળ કરદાતાને બે વિકલ્પ જોવા મળશે. એક, “ટેક્સપેયર ઇન્ફોર્મેશન સમરી” તથા બીજું “એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ”. કરદાતા દ્વારા એન્યુઅલ ઇન્ફોર્મેશન ઉપર આપવામાં આવેલ કોઈ “ફિડબેક” તે “એક્ટિવિટી હિસ્ટ્રી” માં જોવા મળશે.

શું છે ટેક્સપેયર ઇન્ફોર્મેશન સમરી:

નવા એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ દ્વારા “ટેક્સપેયર ઇન્ફોર્મેશન સમરી” ઊભી થશે જેના દ્વારા કરદાતાને પોતાના રિટર્ન ભરવામાં ઉપયોગી માહિતી સરળતાથી મળી શકશે. ઇન્કમ ટેક્સ હેઠળ વિવિધ આવકના સ્ત્રોત જેવા કે પગાર આવક, ભાડાની આવક, ડિવિડંડની આવક વગેરેની માહિતી આ “ટેક્સપેયર ઇન્ફોર્મેશન સમરી” માં ઉપલબ્ધ રહેશે. આ વિગતો ઉપરથી ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું કરદાતા માટે ખૂબ સરળ રહેશે. ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર “ઓટો જનરેટ” થયેલ આવક ઉપરથી રિટર્ન ભરવાની સગવડ પણ કરદાતા માટે ઉપલબ્ધ રહેશે.

હાલમાં કરદાતાને જોવા મળતું ફોર્મ 26AS થઈ જશે બંધ?

હાલ, કરદાતાને તેઓના ઇન્કમ ટેક્સ લૉગિનમાં ફોર્મ 26AS નામક ફોર્મમાં તેઓની આવક, તેમના ઉપર થયેલ TDS-TCS, તેઓએ ભરેલ ઇન્કમ ટેક્સની વિગતો, તેમણે ચૂકવવામાં આવેલ રિફંડની વિગતો ઉપરાંત એન્યુઅલ ઇન્ફોર્મેશન રિટર્નમાં અન્ય એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલ વિગતોની માહિતી મળી રહે છે. નવું એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટમાં આ તમામ માહિતી વધુ સુદ્રઢ રીતે, વધુ વિગતવાર રીતે આપવામાં આવશે. આમ, આ ફોર્મ 26AS ભવિષ્યમાં કરદાતા માટે ઉપલબ્ધ રહેશે નહીં પરંતુ કરદાતાને વધુ વિગતવાર માહિતી આપતું આ નવું એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ 26AS નું સ્થાન લેશે. જોકે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા 01 નવેમ્બર 2021 ના રોજ બહાર પાડવામાં આવેલ પ્રેસ રીલીઝમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી આ નવા એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થશે નહીં ત્યાં સુધી કરદાતાને હાલમાં મળી રહેલ ફોર્મ 26AS કાર્યરત રહેશે. આ પ્રેસ રીલીઝમાં એ બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે કે હાલ, નવું એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એ હાલ શરૂઆતના તબક્કામાં હોય, જો નવા એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ તથા Traces ઉપરના ફોર્મ 26ASમાં TDS-TCS ની વિગતોમાં કોઈ તફાવત જણાય તો હાલ, Traces ઉપર ઉપલબ્ધ TDS-TCS ની માહિતીને પ્રાધાન્ય આપવામાં આવે તે જરૂરી છે.

નવા એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટમાં દર્શાવવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ હોય તો શું છે કરદાતા પાસે કોઈ વિકલ્પ?

હા, વિવિધ એજન્સીઑ દ્વારા કરદાતા અંગે આપવામાં આવેલ વિગતોમાં કોઈ ભૂલ જણાય તો કરદાતા “ઓનલાઈન ફિડબેક” આપી શકે તેવી સુવિધા પણ આ નવા એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટમાં આપવામાં આવી છે. કરદાતા દ્વારા જ્યારે આ વિગતો સુધારા અંગે “ઓનલાઈન ફિડબેક” આપવામાં આવશે ત્યારે આ ફિડબેકમાં આપેલ વિગતો પણ એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટમાં અલગથી દર્શાવવામાં આવશે. જો કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા 01 નવેમ્બર 2021 ની પ્રેસ રીલીઝમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્રમાણે તફાવતના કિસ્સામાં ઓનલાઈન ફિડબેક ઉપરાંત કરદાતા દ્વારા જે તે સ્ત્રોતનો પણ આ તફાવત અંગે સંપર્ક કરવામાં આવે તે હિતાવહ છે.

બચત ખાતાનું વ્યાજ, ડિવિડંડ આવક, શેર ખરીદ વેચાણ ઉપરની આવક ના દર્શાવવી હવે નહીં રહે શક્ય!!

જમીની સ્તરે એવું બનતું હતું કે ઘણા કરદાતાઓ પોતાના બચત ખાતા ઉપરનું વ્યાજ, ડિવિડંડની આવક, શેર ખરીદ વેચાણના વ્યવહારો પોતાના ઇન્કમ ટેક્સ રિટર્નમાં દર્શાવવામાં ચૂક કરતાં હતા. હવે જરે આ તમામ વિગતો કરદાતાના “એન્યુઅલ ઇન્ફોર્મેશન રિટર્ન” માં ઉપલબ્ધ બનાવવામાં આવી છે ત્યારે આવી આવક છુપાવવી હવે સ બનશે નહીં.

પોતાના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં “એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ” ધ્યાને લેવું છે ખૂબ જરૂરી!!

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન દ્વારા હવે જ્યારે આ નવું “એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન” ની સુવિધા શરૂ કરવામાં આવી છે ત્યારે કરદાતા માટે પોતાના રિટર્ન ભરતાં સમયે આ AIS ધ્યાને લેવું ખૂબ જરૂરી છે. આ AIS માં દર્શાવવામાં આવેલ આવકો સંપૂર્ણ પણે પોતાના ઇન્કમ ટેક્સમાં યોગ્ય રીતે દર્શાવવામાં આવે તે પણ ખૂબ જરૂરી છે. આ AIS ની વિગતોમાં કોઈ ત્રુટિ જણાય તેવા કિસ્સામાં આ અંગે “ ઓનલાઈન ફિડબેક” આપવામાં આવે તે પણ અતિ આવશ્યક છે. કરદાતા દ્વારા જો આ વિગતો ધ્યાને લેવામાં ના આવેલ હોય ત્યારે તેઓને આ અંગે તફાવતની નોટિસ આવવાની શક્યતા ખૂબ વધી જાઇ છે.

“એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ” તથા “ટેક્સપેયર ઇન્ફોર્મેશન સમરી” અંતે શું છે તજજ્ઞોનો અભિપ્રાય?

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા નવા એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ શરૂ કરવામાં આવ્યું છે તે અંગે વાત કરતાં જુનાગઢના જાણીતા ટેક્સ એડવોકેટ કલ્પેશ રુપારેલિયા જણાવે છે કે “આ એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ” (AIS) દ્વારા હવે લગભગ તમામ માહિતીઓ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ પાસે ઉપલબ્ધ બની રહશે. આ કારણે કરદાતાઓ માટે તેઓની આવક છુપાવવી કે ઓછી દર્શાવવી શક્ય બની શકશે નહીં. આ ઉપરાંત પ્રમાણિક કરદાતાઓને આ સ્ટેટમેન્ટથી ઘણો ફાયદો થશે અને તેઓએ પોતાની આવકની વિગતો માટે બેન્ક, શેર બ્રોકરો ઉપર અવલંબિત રહેવું પડશે નહીં. આ AIS થકી ઇન્કમ ટેક્સ હેઠળ પારદર્શકતામાં ખૂબ વધારો થશે તેવું હું માનું છું.”

        ભારતીય આવક વેરા ખાતું પણ હવે વિકસિત દેશોની જેમ સંપૂર્ણ પણે ઓનલાઈન થઈ રહ્યું છે. કરદાતાના વ્યવહાર અંગેની માહિતી હોવાથી ઇન્કમ ટેક્સની આવક તો વધશે જ સાથે સાથે સાથે ઇન્કમ ટેક્સ સિસ્ટમની પારદર્શિતામાં પણ વધારો થશે. આ નવી સગવડથી કરચોરો માટે હવે કરચોરી કરવી ખૂબ મુશ્કેલ બનશે જ્યારે પ્રમાણિક કરદાતાઓ માટે આ સગવડ આશીર્વાદ રૂપ સાબિત થશે તે ચોક્કસ છે.

(આ લેખ ગુજરાતના જાણીતા દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા. 15.11.2021 ના રોજ પ્રકાશિત થયેલ છે)

error: Content is protected !!