જી.એસ.ટી. ના કરદાતાઓને પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ કોરોના મહામારીમાં વધારાના સમયનો લાભ મળે: પ્રિન્સિપાલ સેક્રેટરી, તામિલનાડું
તામિલનાડુના પ્રિન્સિપાલ સેક્રેટરી દ્વારા બહાર પાડવામાં આવી સૂચના. આ સૂચનાઑ અન્ય રાજ્યો પણ બહાર પાડે તે છે જરૂરી!!
તા. 23.04.2021: કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. કોરોના સંક્રમણના આ બીજા તબક્કાએ ભારતને સૌથી વધુ અસર કરી છે. માનનીય સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા 08 માર્ચ 2021 ના રોજ ચુકાદો આપી પ્રતિપાદિત કર્યું હતું કે કોરોના મહામારીના કારણે કોઈ પણ કાર્યવાહી કરવા અંગેની મુદત (લિમિટેશન) જો 15.03.2020 થી 14.03.2021 દરમ્યાન પુર્ણ થતી હોય તેમની મુદતની ગણતરી કરવાં માટે કોરોના સંકટનો આ સમય ગાળો ગણવાનો રહેશે નહીં. આ પ્રકારના કામોની મુદત જો આ સમય દરમ્યાન પૂર્ણ થઈ હોય તો આવા કર્યો માટે 15.03.2021 થી 90 દિવસની મુદત આપવાની રહેશે. જે કર્યો માટેની મુદત 90 દિવસથી વધુ હોય તેમના માટે 90 દિવસથી વધુ હોય તેટલા દિવસની મુદત પણ 15.03.2021 થી ગણવાની રહેશે. આ સર્ક્યુલરમાં સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય જી.એસ.ટી. હેઠળના કરદાતાઓને પણ લાગુ પડે. આમ, આ સર્ક્યુલર દ્વારા તામિલનાડું રાજ્યના અધિકારીઓએ આ નિર્ણયને અનુસરી પોતાની કામગીરી નિભાવવાની રહે તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
આ પ્રકારે સૂચના અન્ય રાજ્યો દ્વારા પણ બહાર પાડવામાં આવે તે જરૂરી છે. ભારતીય બંધારણના અનુછેદ 142 હેઠળ સુપ્રીમ કોર્ટનો ચુકાદો હોય તે સમગ્ર દેશમાં લાગુ પડે. પરંતુ આ પ્રકારે જો સ્પષ્ટ સૂચના હોય તો અધિકારીઓ કરદાતાને આવા સંજોગોમાં મદદરૂપ બની શકે છે. આ ઉપરાંત આ ચુકાદાને ધ્યાને લઈ જી.એસ.ટી. પોર્ટલમાં પણ સુધારા કરવામાં આવે તે જરૂરી છે. ગુજરાત પણ તામિલનાડુ રાજ્ય માટે બહાર પાડવામાં આવેલ સૂચના જેવી જ સૂચના બહાર પડે તેવી માંગ રાજ્યના કરદાતાઓ કરી રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.