ફેર આકારણીની નોટિસ સામે સ્ટે ફરમાવી કરદાતાઓને મોટી રાહત આપતી દિલ્હી હાઇકોર્ટ
કરદાતાની દલીલ: ઇન્કમ ટેક્સ હેઠળ નવી દાખલ કરેલી જોગવાઈ મુજબ ફેરઆકારણી પહેલા યોગ્ય તપાસ કરવી છે જરૂરી!!
તા. 20.07.2021: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ 01 એપ્રિલ 2021થી નવી દાખલ કરાયેલ કલમ 148 A મુજબ કોઈ કરદાતાની ફેરઆકારણી કરતાં પહેલા પ્રાથમિક તપાસ અધિકારી દ્વારા કરવી જરૂરી છે. આ કલમ જૂના વર્ષોના ફેરઆકારણી બાબતે પણ લાગુ પડે તે અંગે દિલ્હી હાઇકોર્ટ તથા બોમ્બે હાઇકોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવેલ હતી. આવી એક રિટ પિટિશન જે મુદ્રા ફાઇનાન્સ લિમિટેડ વી. ઇન્કમ ટેક્સ ઓફિસર ના કેસમાં માનનીય દિલ્હી હાઇકોર્ટ દ્વારા અધિકારી દ્વારા આપવામાં આવેલ ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 148 હેઠળની ફેરઆકારણીની નોટિસ ઉપર સ્ટે ફરમાવવામાં આવ્યો છે. કરદાતા તરફે દલીલ કરવામાં આવેલ છે કે 01 એપ્રિલ 2021 પછી જે ફેરઆકારણીની નોટિસ આપવામાં આવે તેના પહેલા કલમ 148A હેઠળ પ્રાથમિક તપાસ કરવી જરૂરી છે. જો આ તપાસ કરવામાં ના આવી હોય તો ફેર આકારણીની નોટિસ રદબાતલ ઠરે તેવું કરદાતા વતી માંગ કરવામાં આવી હતી. સેન્ટરલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા 20/2021 તથા 38/2021 આપવામાં આવેલ ખુલાસાઓ કાયદાથી વિરુદ્ધના હોય તે યોગ્ય ગણાય નહીં તેવી પણ દલીલ કરદાતાના વકીલ દ્વારા કરવામાં આવેલ હતી. આ પ્રકારના જાહેરનામાએ કાયદાથી ઉપરવટ જઈ શકે નહીં અને 01 એપ્રિલ 2021 પછીની નોટિસ નવી સુધારેલ કલમ 148A ને ધ્યાને રાખી કરવી જોઈએ તેવી દલીલ રજૂ કરી નોટિસ રદ કરવાની દાદ રિટ પિટિશનમાં માંગવામાં આવી હતી. કરદાતાની દલીલ ગ્રાહ્ય રાખતા કોર્ટ દ્વારા વચગાળાનો આદેશ કરતાં ઠરવાયું હતું કે આ પ્રકારના CBDT ના નોટિફિકેશનએ કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતોથી વિરુદ્ધ ગણાય. કોઈ પણ કાયદાની જોગવાઈ વિરુદ્ધની જોગવાઈ “ડેલિગેટેડ લેજીશલેશન” દ્વારા થઈ શકે નહી. અગાઉ આ મુદ્દા ઉપર બોમ્બે હાઇકોર્ટ તથા દિલ્હી હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા આપવામાં આવેલ સ્ટે આ કેસમાં મુદ્રા ફાઇનન્સ લિમિટેડ અને અન્યોના કેસમાં પણ આપવામાં આવ્યો હતો અને અરાજકર્તા સામે ઇન્કમ ટેક્સ ઓફિસર દ્વારા નિકલવામાં આવેલ નોટિસ ઉપર સ્ટે ફરમાવ્યો હતો અને સરકારને 3 અઠવાડીયામાં જવાબ રજૂ કરવાં જણાવ્યુ હતું. જાણકારો માની રહ્યા છે કે આ પ્રકારના આદેશોના કારણે ખૂબ મોટા પ્રમાણમા ઇન્કમ ટેક્સ હેઠળ ઊભા કરવામાં આવેલ ફેર આકારણીના કેસો રદ થઈ શકે છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.