કંપોઝીશન પરવાનગી ધરાવતા નાના કરદાતાઓને થયો મોટો ફાયદો!!

0
Spread the love
Reading Time: 4 minutes

સરકારના નવા નિર્ણયથી ભાડા ની જગ્યા પર વેપાર કરતા કમ્પોઝિશનના વેપારીઓને હવે જીએસટીના ૧૮% ભરવામાંથી મુક્તિ.

By Darshit Shah, Advocate & Tax Consultant

તા. 25.01.2025: તાજેતરમાં જીએસટી કાઉન્સીલની 55મી બેઠકમાં કરાયેલા નિર્ણયને સરકારે મોહર મારીને તારીખ ૧૬મી જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ નોટિફિકેશન નંબર ૦૭/૨૦૨૫ સેન્ટ્રલ ટેક્સ દ્વારા અમલ માં કરી દેવામાં આવ્યો છે. જેના કારણે ભાડાની જગ્યા પર વેપાર કરતા કમ્પોઝિશનના વેપારીઓને ભાડા ઉપર 18 ટકા જીએસટી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. જીએસટી કાયદો આવ્યો ત્યારથી જીએસટીમાં નોંધાયેલ કરદાતા તેની કૉમર્શિઅલ પ્રોપર્ટી ભાડે આપે તો તેવા કિસ્સામાં જીએસટી ભરવાની જવાબદારી મકાનમાલિકની રહેતી હતી. જો કરદાતા જીએસટી માં નોંધાયેલ ના હોય તેવા કિસ્સામાં જીએસટી લાગતો ના હતો. સરકાર દ્વારા રેવન્યુ લિકેજને રોકવા માટે તથા અનુપાલન પરદર્શ રહે તે માટે 54મી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે જીએસટી કાયદામાં બિન નોંધાયેલ વ્યક્તિ દ્વારા કૉમર્શિઅલ પ્રોપર્ટી કોઈ નોંધાયેલ કરદાતાને ભાડે આપવામાં આવે તો તેના પર 18 ટકા જીએસટી રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ ચૂકવાનો રહેશે અને તે નોટિફિકેશન નંબર 09/2024 સેન્ટ્રલ ટેક્સ તારીખ ૧૦મી ઓક્ટોબર ૨૦૨૪ થી અમલમાં મૂકવામાં આવ્યું હતું. જેમાં કરવામાં આવેલા સૂચન મુજબ “Service by way of renting of Any property other than residential dwelling from unregistered person to any registered person” નો ઉલ્લેખ કરેલ હતો જે પછી તારીખ 22મી ઓક્ટોબર 2024 ના રોજ સરકાર દ્વારા કોરિજેન્ડમ બહાર પાડીને નોટિફિકેશન 09/2024 માં લખેલા શબ્દો “any property” read “any immovable property” કરવામાં આવેલ હતું. એટલેકે તમામ એવાં કરદાતા જે જીએસટી કાયદામાં નોધણી ધરાવે છે અને ભાડા ની જગ્યા પરથી ધંધો કરે છે અને મકાનમાલિક જીએસટીમાં બિનનોધાયેલ છે તેવા કિસ્સા માં ૧૦મી ઓક્ટોબર ૨૦૨૪ થી ભાડા પર ૧૮ ટકા આરસીએમ પેટે ટેક્સ ભરવાં જવાબદાર થશે.

જેમાં નાના કારદાતા કે જે કમ્પોઝિશનમાં નોંધાયેલા છે તેમણે પણ ભાડા પર જીએસટીના 18 ટકા ભરવાની જવાબદારી ઉપસ્થિત થતી હતી. આ નિયમથી તમામ નાના વેપારીઓ કે જે ભાડાની દુકાન, ઓફિસ કે ગોડાઉન પર થી ધંધો કરતાં હોય અને ઉચ્ચકવેરમાં જીએસટી ભરતા હોય તેવા વેપારીઓને 18 ટકા જીએસટી ભરવાનું ભારણ ઊભું થતું હતું. સામાન્ય રીતે કમ્પોઝિશન સ્કીમ માં વેપારીઓ 1 થી 6 ટકા સુધીનો જીએસટી ભરવાનો હોય છે વધુમાં કમ્પોઝિશનના કારદાતા ને જીએસટી કાયદા ની કલમ 10(4) ની જોગવાઈ મુજબ કોઈ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મળવા પાત્ર હોતી નથી તથા તેઓ તેમનાં વેચાણ ઉપર કોઈ ટેક્સ કલેક્ટ કારવામાટે પણ હકદાર નથી. જેથી કરીને કમ્પોઝિશન સ્કીમમાં ઓછા કોમ્પ્લાયંસ એટલેકે કાયદા નું અનુપાલન ઓછું કરવાનું રહેતું હોય છે અને સામાન્ય રીતે નાના કારદાતા જેમનું ટર્નઓવર ૧.૫ કરોડ થી ઓછું હોય છે તેઓ જ કમ્પોઝિશન સ્કીમનો લાભ લઈ શકે છે. ૫૪મી જીએસટી કાઉન્સિલ ની મીટિંગ માં લેવાયેલા નિર્ણય પછી દિવ્ય ભાસ્કર તથા ટેક્સ ટૂડેના આર્ટિક્લમાં મે ટેક્સ કન્સલ્ટેંટ દર્શિત શાહ એ સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી કમ્પોઝિશનના વેપારીઓ ને મોટી અસર પડશે તેના વિષે ચિંતા વ્યક્ત કરી હતી. કાઉન્સિલના આ નિર્ણયથી નાના વેપારીઓ કે જે કમ્પોઝિશનમાં વેરો ભરતા હોય તેમણે ભાડાના ખર્ચ પર 18 ટકા જીએસટી રિવર્સ ચાર્જ માં ભરવો પડશે અને ભરેલા ટેક્સની ક્રેડિટ મળવા પાત્ર નથી જેથી કરી ને નાના વેપારીઓને દર મહિને ચૂકવામાં આવતા ભાડા ખર્ચ ઉપરાંત વધુ 18 ટકા ની મૂડી અટવાઈ જશે. આ માટે ઘણી રજૂઆતો દિલ્હી સુધી થઈ હતી. જે પછી તાજેતરમાં થયેલી જીએસટી કાઉન્સિલની 55મી બેઠકમાં કરાયેલા સૂચનો ને ધ્યાને લઈ કમ્પોઝિશનના કરદાતાઓ ને આવી ભાડા ની રકમ પર જીએસટી ચૂકવામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

સરકાર દ્વારા 16મી જાન્યુઆરી 2025 ના રોજ નોટિફિકેશન નંબર 07/2025 સેંટ્રલ ટેક્સ બહાર પાડવામાં આવ્યું જેમાં

“(B) against serial number 5AB, in column (4), after the words “Any registered person”, the words “other than a person who has opted to pay tax under composition levy”shall be inserted”

નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલેકે કમ્પોઝિશનમાં નોંધાયેલા નાના વેપારીઓ ને ભાડા પર આરસીએમ ભરવામાં થી મૂકતી આપવામાં આવી છે. વધુમાં 55 મી જીએસટી કાઉન્સિલ ની મિનિટ્સ માં નીચે મુજબ ઉલ્લેખ કરેલ છે

“To exclude taxpayers registered under composition levy scheme from the entry at Sr. No. 5AB introduced vide Notification No. 09/2024-CTR dated 08.10.2024 vide which renting of any commercial/ immovable property (other than residential dwelling) by unregistered person to registered person was brought under reverse charge mechanism. Further, to regularize the period from the date when the notification No. 09/2024-CTR dated 08.10.2024, became effective i.e. from 10.10.2024 till the date of issuance of the proposed notification on “ as is where is” basis. “

એટલે કે જીએસટી કાઉન્સિલ ની 55મી બેઠકમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ જોગવાઈનું નિયમિતકરણ “જેમ છે ત્યાં” ધોરણે કરવામાં આવશે. આનો અર્થ એવો થાય કે 10મી ઓક્ટોબર 2024 થી 15મી જાન્યુઆરી 2025 સુધી કમ્પોઝિશનના વેપારીઓ એ ભાડા પર 18 ટકા આરસીએમ ભરેલ હશે તો તે રિફંડ મળશે નહીં. વધુમાં જે વેપારીઓ એ ભાડા પર આરસીએમ ભરેલ નથી તો GST વિભાગ દ્વારા તમને કોઈ SCN અથવા ડિમાંડ ઓર્ડર આપવામાં આવશે નહીં. જો કે સરકાર દ્વારા 16 જાન્યુઆરીના રોજ નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવતા ઘણા કંપોઝીશનના વેપારી કે જેઓ દ્વારા કેશમાં આ રકમ ભરવામાં આવી હતી તેઓ દ્વારા CMP માં સેટ ઓફ કરવાની રાખી દેવામાં આવી છે. આમ, તેઓ આ રકમ આગળ પોતાની આઉટપુટ ટેક્સ જવાબદારી સામે બાદ લઈ શકશે.

સરકારના આ નિર્ણય થી નાના વેપારીઓ ને ઘણી મોટી રાહત મળશે મોટા ભાગે નાના વેપારીઓ ભાડાની મિલકતમાં વેપાર કરતા હોય છે અને મિલકત ભાડે આપનાર મકાન માલિક પણ જીએસટી નંબર ધરાવતા નથી હોતા. આવા કિસ્સામાં હવે કમ્પોઝિશન સિવાય રેગ્યુલર સ્કીમમાં નોંધાયેલા વેપારીઓ એ જ ભાડા પર 18 ટકા RCM ચૂકવવાનો રહશે જેની ક્રેડિટ પણ તેમને માંડવા પાત્ર રહશે. કમ્પોઝિશન માં નોંધાયેલ વેપારીઓ એ ભાડા ના ખર્ચ પર હવે 18 ટકા જીએસટી ભરવાનો રહશે નહીં.

(લેખક અમદાવાદ ખાતે ટેક્સ પ્રેક્ટિસ કરે છે અને ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસીએશનના કારોબારી સભ્ય છે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!