ગુજરાતમાં જૂની ડિમાન્ડ સંદર્ભે માફી યોજના લાવવા માંગણી
ધ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશન દ્વારા સચિવશ્રી, નાણાં ખાતાને મળી કરવામાં આવી રજૂઆત
તા. 20.02.2024: ગુજરાત રાજ્યના નાણાં ખાતાના સચિવ શ્રી જે. પી. ગુપ્તાને મળી વેપારીઓના બહોળા હિતમાં જૂની ડિમાન્ડ સંદર્ભે માફી યોજના લાવવા અંગેની રજૂઆત ધ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશન દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના જી.એસ.ટી ની પ્રકટીસ કરતાં વ્યવસાયીઓના સૌથી મોટા એસોસીએશન એવા ધ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશનના હોદ્દેદારો દ્વારા આ અંગે જ્ઞાપન નાણાં ખાતામાં રજૂ કરવામાં આવ્યું છે. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત વેચાણ વેરા અધિનિયમ, ગુજરાત વેટ કાયદા, કેન્દ્રિય વેચાણ વેરા કાયદા જેવા જી.એસ.ટી. લાગુ થયા પહેલાના કાયદા હેઠળ ઘણી ડિમાન્ડની વસૂલાત બાકી છે. આ ડિમાન્ડ પૈકી ખૂબ મોટા પ્રમાણમા આપીલો વિવિધ અધિકારીઓએ પાસે પડતર છે. આ કારણે અપીલ અધિકારી જી.એસ.ટી. હેઠળ કોઈ કેસો ચલાવી શકે તેવી પરિસ્થિતી નથી. આ ડિમાન્ડ બાબતે વ્યવહારુ માફી યોજના લાવવામાં આવે તો આ કેસોનો સુખદ અંત આવી શકે તેવી રજૂઆત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ જેવા રાજ્યોમાં થોડા સમયમાં આ પ્રકારે માફી યોજના લાવવામાં આવી છે તે અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ બજેટમાં ઇન્કમ ટેક્સ કાયદા હેઠળની પણ જૂની ડિમાન્ડ માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા માફી યોજના જાહેર કરવામાં આવે અને વેપારી વર્ગને રાહત આપવામાં આવે તેવી ખાસ માંગ કરવામાં આવેલ છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.