બજેટ 2023: થોડા હે થોડે કી જરૂરત હે….

Spread the love
Reading Time: 3 minutes

તા. 31.01.2023:

ભારતના નાણાંમંત્રી શ્રીમતિ નિર્મલા સિથારમણ આગામી 01 ફેબ્રુઆરીના રોજ મોદી સરકાર 2.0 નું ચોથું બજેટ રજૂ કરશે. આ બજેટ મોદી સરકારના આ કાર્યકાળનું છેલ્લું બજેટ ગણવામાં આવે છે. આગામી મે માં એટ્લે કે મે 2024 માં લોકસભાની ચૂટણી થવાની હોય આવતા વર્ષે પૂર્ણ બજેટના સ્થાને નાણાંમંત્રી “વોટ ઓન એકાઉન્ટસ” રજૂ કરશે તેવું માનવમાં આવી રહ્યું છે. આ છેલ્લા બજેટમાં કેવી જાહેરાતો નાણાંમંત્રી દ્વારા કરવામાં આવે છે તે અંગે સૌ મીટ માંડીને બેઠા છે. આ બજેટ મારી અંગત શું અપેક્ષાઓ રહેલી છે અંગે આ લેખમાં ચિતાર આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

  1. ઇન્કમ ટેક્સ મર્યાદાને 2.50 લાખથી વધારી 5 લાખ કરવામાં આવે તેવી આશા:

આ મુદ્દો વાંચી ઘણા વાંચકોના મનમાં પ્રશ્ન થયો હશે કે હાલ પણ મુક્તિ મર્યાદા 5 લાખ જ છે ને તો પછી મુક્તિ મર્યાદા 5 લાખ સુધી વધારવાનો પ્રશ્ન શું કરવા???પરંતુ આ વાત સાચી નથી. હાલ ઇન્કમ ટેક્સ હેઠળ મુક્તિ મર્યાદા 5 લાખ નથી પરંતુ 2.5 લાખ છે. હા, 5 લાખ સુધી આવક ધરાવતા વ્યક્તિગત કરદાતાઓ ઉપર ટેક્સ લાગુ પડતો નથી તે વાત સાચી છે. પરંતુ એ બાબત જાણવી જરૂરી છે કે ઇન્કમ ટેક્સની મુક્તિ મર્યાદાતો 2.5 લાખ જ છે પરંતુ એક ખાસ પ્રકારના રિબેટ આપી 5 લાખ સુધીની આવકને કરમુક્તિ આપવામાં આવી છે. હું આશા રાખું છું કે આ વર્ષે મુક્તિ મર્યાદા 5 લાખ સુધી વધારવામાં આવે.

  1. 5 લાખ ઉપરની આવક માટે પણ રાખવામા આવે 10% જેવો આવકવેરાનો દર:

ઇન્કમ ટેક્સની મુક્તિ મર્યાદા વધારવા સાથે હું એ પણ અપેક્ષા સેવી રહ્યો છું કે આ બજેટમાં નાણાંમંત્રી 5 લાખ પછી પણ 10% જેવો રાહતકારક દરનો લાભ આપવામાં આવે. હાલ 5 લાખ ઉપરની આવક ઉપર 20% ના દરે ઇન્કમ ટેક્સ લાગુ કરેલ છે. ઇન્કમ ટેક્સમાં દરોના ઘટાડવા સાથે જ સામાન્ય લોકોના હાથમાં પોતાની મર્યાદિત આવક માંથી વધુ આવક રહેશે જેનો ઉપયોગ તે પોતાની વધારાની જરૂરિયાત પૂર્ણ કરવા કરશે અને આમ કરવાથી અર્થતંત્રને એકંદરે ફાયદો થઈ શકે છે. આ ઉપરાંત ઇન્કમ ટેક્સના દરો ઘટાડવાથી બજારમાં ચાલતી “બ્લેક મની માર્કેટ” માં રોક લાગશે તેવો ફાયદો પણ થઈ શકે છે. એક વાર બજારોમાં “બ્લેક મની” જેવી “પેરેલલ ઈકોનોમી” ઓછી થઈ જશે ત્યારે સરકારની આવક માં આપોઆપ વધારો થવાની શક્યતા રહેલી છે. આમ, કદાચ ઇન્કમ ટેક્સના દરોમાં રાહત આપવામાં આવે ત્યારે સરકારને જી.એસ.ટી. સહિતની અન્ય વેરાની આવકમાં ફાયદો થઈ શકે છે તેમ ચોક્કસ માની શકાય.

  1. ઇન્કમ ટેક્સ હેઠળ 70% જેવા અન્યાયી દર કરવામાં આવે દૂર:

ઇન્કમ ટેક્સ હેઠળ કોઈ કરદાતા પોતાની આવક-ખર્ચ સાબિત કરી ના શકે ત્યારે તે આવક ઉપર 70% જેવા અવ્યવહારિક દરે વેરો લગાડવામાં આવતો હોય છે. આ વેરાનો દર નોટબંધી સમયે લાગુ કરવામાં આવ્યો હતો. નોટબાંધી સમયે એવી ભીતિ સેવાઇ રહી હતી કે કરદાતાઓ પોતે પોતાના કળા નાણાંને બેન્કમાં જમા ના કરાવવામાં આવે તે માટે આ પ્રકારે ઊચા દરે તેના ઉપર વેરો લેવો જરૂરી હતો. એ સમયે આ 70% જેવો દર સમજી શકાય છે. પરંતુ આજે નોટબાંધીને 5 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આટલા સમય પછી પણ આ અવ્યાવહારિક દર લાગુ રાખવામા આવે તે યોગ્ય નથી. હું આશા સેવી રહ્યો છું કે આ બાબતે કરદાતાઓને આ બજેટમાં રાહત મળશે અને ફરી આદર 30 % કરી આપવામાં આવશે.

  1. “Honouring the Honest” કરદાતાઓને આપવામાં આવે સન્માન

એક ટેક્સ એડવોકેટ તરીકે હું ચોક્કસ માનું છું કે આપણાં દેશમાં કરદાતાઓને જોઈએ તેવું સન્માન આપવામાં આવતું નથી. ઊલટું ક્યારે એવું પણ જોવામાં આવે છે કે ઊંચો કરવેરો ભરતા કરદાતાને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ તરફથી વધુ કનડગત કરવામાં આવતી હોય છે. આ બાબત પર સુધારો જરૂરી છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા “Honouring the Honest” ના નામે કરવેરા પદ્ધતિમાં બદલાવની શરૂઆતની જાહેરાત કરવામાં આવી છે. આ સિદ્ધાંતને અનુસરી ઉચ્ચ ટેક્સ ભરતા કરદાતાઓને સમાજમાં સરકાર દ્વારા વિશિષ્ટ દરજ્જો આપવો જરૂરી છે. આ કરદાતાઓને કોઈ પણ સરકારી કર્યેક્રમોમાં ખાસ મહેમાન તરીકે આમંત્રિત કરી આગ્રા હરોળમાં સ્થાન આપવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત જિલ્લા સમાહર્તા (કલેક્ટર), મામલતદાર અન્ય પદાધિકારીઓ પાસે આ તમામ કરદાતાની યાદી હોય અને આ કરદાતાઓને વિશિષ્ટ સેવા સરકાર દ્વારા આપવામાં આવે તો ભવિષ્યમાં અન્ય કરદાતાઓ માટે આ દાખલારૂપ થશે અને પ્રેરણારૂપ બનશે તેવું હું ચોક્કસ માનું છું.

બાજેટ પાસેની અપેક્ષાઓની યાદી તો ઘણી મોટી બને. પરંતુ સમયના અભાવે તથા જગ્યાના અભાવે પણ આ લેખને અહિયાં વિરામ આપું છું. અને હા આ સાથે જ એ પણ જાણું છું કે એક જનસમાન્ય તરીકે મારી તમામ આશાઓ ફળીભૂત થઈ શકે તે શક્ય નથી. તો જે આશા ફળીભૂત થાય તે માટે સરકારનો આભાર અને જે ના થઈ શકે તે માટે ફરી નવા બજેટ સમયે આ પ્રકારની કટાર લખીશું અને યાદ કરીશું મારૂ ગમતું ગિત “થોડા હે થોડે કી જરૂરત હે… ઝીન્દગી ફીર ભી યહા ખૂબસૂરત હે…”

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા. 30.01.2023 ના રોજ પ્રકાશિત થયેલ છે.)

error: Content is protected !!