કરદાતાઓની તકલીફ સમજી 12 જાન્યુઆરી સુધીમાં ઇન્કમ ટેક્સ રિટર્ન મુદત વધારા અંગે CBDT કરે નિર્ણય: ગુજરાત હાઇકોર્ટ
જો અધિકારીઓ માટે કોરોના સંકટમાં મુદત 31.03.2021 કરવામાં આવી હોય તો કરદાતાનો શું છે વાંક?
તા. 09.01.2021: ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટેની મુદતમાં 1 દિવસજ બાકી છે. ઓડિટને પાત્ર કરદાતાઓ માટે પણ 6 દિવસ જેવો સમય ઓડિટ રિપોર્ટ અપલોડ કરવા માટે બાકી છે. આ મુદતોમાં વધારો કરવા અનેક રજૂઆતો સરકારને કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટમાંઆ મુદતોમાં વધારો કરવા રીટ પિટિશનો પણ દાખલ થઈ હતી. આ પૈકી રીટ પિટિશન 13653/2020 All Gujarat Federation of Tax Consultants Vs Union Of India ના કેસમાં ચુકાદો આપતા CBDTને કરદાતાઓની વિવિધ રજૂઆતો, ખાસ કરીને 12 ઓક્ટોબર 2020 ની રજૂઆતને ધ્યાને લઈ મુદત વધારા અંગેનો નિર્ણય ન્યાયિક રીતે લેવા સૂચના આપવામાં આવી છે. ચુકાદામાં CBDT ને વેધક પ્રશ્ન કરવામાં આવ્યો છે કે કોરોના સંકટના કારણે જ્યારે અધિકારીઓએ કરવાના થતાં કર્યો માટે જો મુદત 31 માર્ચ 21 કરવામાં આવી હોય તો કરદાતાઓની મુદતમાં વધારો કેમ કરવામાં નથી આવ્યો? આ બાબત ઉપર વિચાર કરી મુદત વધારા અંગે નિર્ણય લેવામાં આવે તેમ પણ ચુકાદામાં જણાવવામાં આવ્યું છે.
મુદત વધારા અંગેનો નિર્ણય 12 જાન્યુઆરી 2021 સુધીમાં કરવા પણ જણાવવામાં આવ્યું છે. આ કેસમાં હવે પછીની મુદત 13 જાન્યુઆરી છે. જાણકારો માની રહ્યા છે કે કોર્ટનો રૂખ જોતાં મુદતમાં વધારો કરી આપવામાં આવશે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.