ગ્રાહકો માટે 1 કરોડ સુધીના ઇનામો જીતવાની તક!!

Spread the love
Reading Time: 2 minutes

મેરા બિલ મેરા અધિકાર યોજના આજે 01 સપ્ટેમ્બરથી ગુજરાત સહિત દેશના અમુક ભાગમાં પ્રાયોગિક ધોરણે લાગુ

તા. 01.09.2023: “મેરા બિલ મેરા અધિકાર” નામે ઇનામી યોજના સરકાર દ્વારા 01 સપ્ટેમ્બરથી ગુજરાત સહિત આસામ, હરિયાણા, પુડ્ડિચરી તથા દાદરા નગર હવેલી, દમણ અને દીવ માટે પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગ્રાહકોને આપવામાં આવેલ બિલ જેને જી.એસ.ટી. ની ભાષામાં B2C ઇંવોઇસ ગણવામાં આવે છે તેનો સમાવેશ થશે. જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ ના હોય તેવા વેપારીઓના બિલનો પણ આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનામાં ઓનલાઈન મંગાવવામાં આવેલ માલ સાથે આવેલ બિલનો પણ સમાવેશ કરવાંમાં આવ્યો છે. જે માલ કે સેવાઓ ઉપર જી.એસ.ટી. લાગુ છે તે તમામ માલ કે સેવાને લગતા બિલોનો સમાવેશ આ યોજના હેઠળ કરવામાં આવશે. પેટ્રોલ-ડીઝલ, દારૂ જેવી જી.એસ.ટી. માં સમાવિષ્ટ ના હોય તેવા માલ અંગેના બિલો તથા જી.એસ.ટી. હેઠળ કરમુક્તિ હોય તેવા માલ કે સેવાના બિલોનો સમાવેશ આ યોજનામાં થશે નહીં.

આ ઇનામી યોજનામાં ભાગ લેવા ગ્રાહકોએ “એપલ” અથવા “એંડરોઈડમાં” “મેરા બિલ મેરા અધિકાર એપ” ડાઉનલોડ કરવાની રહેશે. આ એપ ડાઉનલોડ કર્યા પછી તે એપમાં સાઇન આપ કરવાનું રહેશે. 01 સપ્ટેમ્બરથી આપવવામાં આવેલ બિલનો ફોટો આ એપમાં ગ્રાહકો દ્વારા અપલોડ કરવાના રહેશે. ઓછામાં ઓછા 200/- રૂપિયા કે તેથી ઉપરની રકમની બિલ આ યોજનાના ભાગ લેવા પાત્ર ગણાશે. માસિક તથા ત્રિમાસિક ધોરણે લકી ડ્રો દ્વારા ઇનામો જાહેર કરવામાં આવશે. 10 હજારથી માંડી 1 કરોડના ઇનામો આ યોજના હેઠળ જીતવાની તક ગ્રાહકો પાસે રહેશે.

આ યોજના દ્વારા સરકાર ગ્રાહકોમાં પોતાની ખરીદી બાબતે બિલ માંગવાની જાગરુકતા કેળવવાનો હેતુ ધરાવે છે. બોગસ બિલના દૂષણને ડામવા પણ આ યોજના ઉપયોગી બની શકે તેમ છે. આ ઉપરાંત જી.એસ.ટી. નંબર ના હોય તેવા વેપારીઓની વિગતો પર સરકાર પાસે આ યોજના દ્વારા આવી શકે છે. આવા વેપારી ઉપર જરૂર જણાય ત્યાં કાર્યવાહી કરી જી.એસ.ટી. નંબર મેળવવા જવાબદાર બનાવવાની યોજના પણ સરકારના એક હેતુ પૈકી ગણી શકાય. હાલ માત્ર ત્રણ રાજ્યમાં શરૂ કરવામાં આવેલ આ યોજના સમગ્ર દેશ માટે ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!